ચેટજીપીટી આધારિત એક અનોખું ઓડિયો ટૂલ

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
ચેટજીપીટી આધારિત એક અનોખું ઓડિયો ટૂલ 1 - image


ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ચેટજીપીટી સર્વિસ જનરલ પબ્લિક માટે લોન્ચ થઈ ત્યારથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો ઉપયોગ રીતસર વિસ્ફોટની જેમ ફેલાયો છે. એનું કારણ એ છે કે ચેટજીપીટી ડેવલપ કરનારી કંપની ઓપનએઆઇ તેની આ ક્રાંતિકારી શોધનો અન્ય કંપનીઓને લાભ આપી રહી છે. અન્ય કંપનીઓ ‘એપીઆઇ’ની મદદથી ચેટજીપીટીને પોતાની સર્વિસમાં સાંકળી શકે છે. એ જ કારણે ચેટજીપીટી ટેકનોલોજીનો જુદી જુદી ઘણી બધી રીતે આપણને લાભ આપતાં ટૂલ્સ વિકસી રહ્યાં છે.

હમણાં આવું એક નવું ટૂલ (https://www.hidock.com/) લોન્ચ થયું. જોકે આ ટૂલ ઇન્ટરનેટ પરની સર્વિસ નથી. આખેઆખા એક નવા સાધન તરીકે ઉપલબ્ધ છે. HiDock H1 તરીકે ઓળખાતું આ ડિવાઇસ આપણા તમામ ઇન્ટરનેટ કોલ્સ અને મીટિંગની નોંધ રાખી શકે છે.

આ સાધન ડેસ્કટોપ/લેપટોપ તથા ફોન, ટેબલેટ વગેરે સાથે કનેક્ટ કરી શકાય છે. એ પછી તેને ઝૂમ, ગૂગલ મીટ, ફેસટાઇમ, સ્કાઇપ, માઇક્રોસોફ્ટ બિંગ તથા વોટ્સએપ અને યુટ્યૂબ સાથે પણ કનેક્ટ કરી શકાય છે.

એ પછી આ ડિવાઇસ તેને જે ઓડિયો સાંભળવા મળે તે રેકોર્ડ કરે છે તથા તેને ટેકસ્ટમાં પણ ફેરવી આપે છે. આ સાધન અંતે ચેટજીપીટી પાવર્ડ છે. આથી તે ઓડિયોમાંથી સર્જાયેલી ટેકસ્ટનું એનાલિસિસ કરે છે અને તેની સમરી તૈયાર કરી આપે છે કે તેમાંથી આપણે કરવા જરૂરી કામનું ટુ-ડુ લિસ્ટ પણ જનરેટ કરી આપે છે! 

આ સાધન ૨૯૯ ડોલરની મૂળ કિંમતે લોન્ચ થયું છે, પરંતુ અત્યારે ૧૪૯ ડોલરમાં ખરીદી શકાય છે.

એક  તરફ એઆઇથી આપણી નોકરીઓ જવાનું જોખમ ઊભું થયું છે ત્યારે બીજી તરફ આ ટેકનોલોજીનો ફક્ત એક ટૂલ તરીકે, આ રીતે આપણે સ્માર્ટ ઉપયોગ કરી શકીએ તે આપણાં રોજિંદા કામકાજને બહુ સહેલાં પણ બનાવી શકે છે!


Google NewsGoogle News