ડેસ્કટોપ અને વેબ ફોન્ટ્રસની મરોડદાર દુનિયામાં એક ડોકિયું
ફોન્ટ સાથે આપણો
રોજબરોજનો પનારો હોવા છતાં આપણે તેના વિશે પ્રમાણમાં ઓછું જાણીએ છીએ. કાગળ પર
પ્રિન્ટેડ લખાણમાં કે કમ્પ્યૂટર-ટીવીના સ્ક્રીન પર આપણે જે લખાણ મરોડદાર અક્ષરોનાં
લખાણ જોઇએ છે તે વિવિધ ફોન્ટને આભારી હોય છે. ભાષા મુજબ જુદા જુદા ફોન્ટ હોય છે, જે લખાણને આકર્ષક
બનાવે છે.
ફોન્ટના ઉપયોગ મુજબ, આપણે તેના મુખ્ય બે
ભાગ પાડી શકીએ - ડેસ્કટોપ ફોન્ટ અને વેબ ફોન્ટ.
કેટલાક ફોન્ટ આપણા
કમ્પ્યૂટરની ઓપરેટિંગ સિસ્ટમમાં સામેલ હોય છે. કેટલાક ફોન્ટ આપણે કમ્પ્યૂટરમાં જે
પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરીએ તેની સાથે આવે છે. આ બંને સિવાય ઇન્ટરનેટ પરથી ઘણા બધા
ફોન્ટ આપણે મફતમાં ડાઉનલોડ કરી શકીએ છીએ અથવા ખરીદીને ડાઉનલોડ કરી શકીએ છીએ.
આ પ્રકારના બધા ફોન્ટ
ડેસ્કટોપ ફોન્ટ કહેવાય છે, જે આપણા કમ્પ્યૂટરમાં
લોકલી સ્ટોર થાય છે.
૧૦-૧૫ વર્ષ પહેલાં
એથી પણ આગલા સમયમાં એવી સ્થિતિ હતી કે ઇન્ટરનેટ પર મર્યાદિત ફોન્ટથી કામ કરી
શકાતું હતું. એ સમયે વેબસાઇટ પર માત્ર એવા જ ફોન્ટમાંનું લખાણ વાંચી શકાતું જે
ફોન્ટ આપણા કમ્પ્યૂટરમાં ઇન્સ્ટોલ્ડ હોય. એ કારણે ગુજરાતી, હિન્દી જેવી ભાષાઓમાં
વેબસાઇટ તૈયાર થઈ હોય તો આપણે એ વેબસાઇટ પર પહોંચીએ ત્યારે પહેલાં તો બધું
અગડમબગડમ જ દેખાય, કશું વાંચી ન શકીએ! ફક્ત ડાઉનલોડ ધીસ ફોન્ટ એવું કંઈક અંગ્રેજી
લખેલું એક બટન જ આખા પેજમાં એવું હોય, જેને આપણે બરાબર વાંચી શકીએ! આ બટન ક્લિક કરી આપણે
એ ફોન્ટમાં અંગ્રેજી સિવાયની ભાષા માટે વપરાયેલા ફોન્ટ કમ્પ્યૂટરમાં ડાઉનલોડ કરવા
પડે, ઇન્સ્ટોલ કરવા પડે અને પછી પેલી સાઇટમાંનું ગુજરાતી
કે હિન્દી કે અન્ય ભાષામાંનું લખાણ વાંચી શકાય.
એ જમાનામાં અંગ્રેજી
વેબસાઇટ માટે પણ વેબડિઝાઇનર્સ એવા જ ફોન્ટનો ઉપયોગ કરતા જે સામાન્ય રીતે બધા
કમ્પ્યૂટરમાં ઇન્સ્ટોલ્ડ હોય, અંગ્રેજી માટે આ વાત સહેલી હતી, પણ સ્થાનિક ભાષાઓ
માટે મુશ્કેલ. કેમ કે બધાં કમ્પ્યૂટરમાં સ્થાનિક ભાષા માટેના ફોન્ટ જુદા જુદા હોય.
ટેક્નોવર્લ્ડમાં અગાઉ આપણે વાત
કરી છે તેમ, યુનિકોડ ફોન્ટ આવવાને કારણે આ સ્થિતિ બદલાઈ.
એ જ રીતે, વેબફોન્ટના આગમન સાથે
અંગ્રેજીમાં પણ ડિઝાઇનર્સને જાતભાતના મરોડદાર ફોન્ટથી પોતાની સાઇટ્સ કે એપ
સજાવવાની તક મળી. આખી વાત જ કહો કે બદલાઈ ગઈ.
પહેલાં માઇક્રોસોફ્ટ
કંપનીએ વેબસાઇટ્સ માટેના ફોન્ટ્સ મફત ઉપલબ્ધ કર્યા. એ પછી ૨૦૧૦માં ગૂગલ કંપનીએ ગૂગલ ફોન્ટ્સ’
લોન્ચ કર્યા. વિવિધ ફોન્ટ ડિઝાઇનર્સ જુદી
જુદી ભાષાના અલગ અલગ પ્રકારના ફોન્ટ ડેવલપ કરીને ગૂગલ ફોન્ટ તરીકે સૌને ઉપલબ્ધ કરી
શકે છે. અત્યારે ગૂગલ ફોન્ટ્સ સાઇટ પર ૧,૦૭૫ પ્રકારના ફોન્ટ્સ ઉપલબ્ધ છે, જેમાં હિન્દી અને
ગુજરાતી માટેના યુનિકોડ ફોન્ટ પણ સામેલ છે. દરેક ફોન્ટ માટે રેગ્યુલર, બોલ્ડ, ઇટાલિક્સ, બોલ્ડ ઇટાલિક્સ જેવી
અલગ અલગ સ્ટાઇલ્સ પણ ઉપલબ્ધ હોય.
વેબ ફોન્ટ્સનો સૌથી
મોટો ફાયદો એ હોય છે કે તે ક્લાઉડના સર્વર્સમાં જ હોસ્ટ થયેલા હોય છે. આપણે કોઈ
વેબસાઇટની મુલાકાત લઈએ કે એપનો ઉપયોગ કરી એ ત્યારે વેબ/એપ ડિઝાઇનરે જે વેબ ફોન્ટનો
ઉપયોગ કર્યો હોય તે ફોન્ટની નાનામાં નાની ફાઇલ, શક્ય એટલી વધુ ઝડપે
આપણા બ્રાઉઝરમાં ડાઉનલોડ થાય છે અને એ ફોન્ટ્સ આપણા કમ્પ્યૂટર કે મોબાઇલમાં ન હોય
તો પણ આપણે તેમાંનું લખાણ બરાબર વાંચી શકીએ છીએ.
ગૂગલ ફોન્ટની મજા એ
છે કે તે સંપૂર્ણપણે મફત સૌને ઉપલબ્ધ છે. વેબસાઇટ કે એપના ડેવલપર પોતાની સાઇટ કે
એપમાં, હજારો ગૂગલ ફોન્ટ્સમાંથી જે જોઈએ તેનો પોતાની
ડિઝાઇનમાં ઉપયોગ કરી શકે છે. આ ફોન્ટ્સ મફત હોવાથી, https://fonts.google.com/ સાઇટ પર જઈને જે જોઇએ
તે ફોન્ટ ડાઉનલોડ કરીને વેબસાઇટ, એપ કે અન્ય પ્રકારના ડિઝાઇન પ્રોજેક્ટ માટે પણ તેનો
ઉપયોગ કરી શકાય છે આ સિવાય વેબસાઇટ કે એપમાં સેલ્ફ હોસ્ટેડ ફોન્ટ એમ્બેડ કરવાનો
(એટલે કે ઉમેરવાનો) પણ વિકલ્પ હોય છે.
એડોબ કંપની અને બીજી
ઘણી કંપનીઓએ પણ વેબ ફોન્ટ્સ લોન્ચ કર્યા છે.
હવે પછી જ્યારે પણ કોઈ વેબસાઇટ કે એપમાં મજાના
મરોડદાર અક્ષરો તરફ તમારું ધ્યાન ખેંચાય ત્યારે એ વેબફોન્ટની કમાલ છે એ યાદ કરી
લેશો અને એ ફોન્ટના ડિઝાઇનરને દાદ આપવાનું ભૂલશો નહીં!