Get The App

નવા વર્ષમાં સૌ માટે આશાનું નવું કિરણ –ULI

Updated: Nov 9th, 2024


Google NewsGoogle News
નવા વર્ષમાં સૌ માટે આશાનું નવું કિરણ –ULI 1 - image


 અત્યારે સામાન્ય માણસે બેંકમાંથી લોન મેળવવા અનેક કોઠા ભેદવા પડે છે ત્યારે...

આઠેક વર્ષ પહેલાં, આપણા પર ‘નોટબંધી’નો હથોડો ઝિંકાયો ત્યારે સૌને આકરો લાગ્યો હતો. પરંતુ પછી, દેશમાં બેકિંગ વ્યવસ્થાએ ઘણી બધી રીતે ડિજિટલ બનવાની દિશા અને ગતિ પકડી. સમગ્ર દેશના દરેકેદરેક નાગરિકની ઓળખ માટે આધાર, મોબાઇલના સતત વધતા ઉપયોગ સાથે ડિજિલોકરની વ્યવસ્થા, જનધન યોજનાથી સરળતાથી બેંક ખાતાં, આંખના પલકારે ને આંગળીના ઇશારે રૂપિયાની ઓનલાઇન લેવડ-દેવડ માટે યુપીઆઇ... આ બધું એકમેક સાથે સંકળાયેલું છે.  

એમાં હવે એક નવી વાત ઉમેરાઈ રહી છે - યુનિફાઇડ લેન્ડિંગ ઇન્ટરફેસ (યુએલઆઇ). આપણે યુપીઆઇનો જબરો ઉપયોગ કરવા લાગ્યા છીએ, પણ તેના નામમાંના ‘યુનિફાઇડ’ અને ‘ઇન્ટરફેસ’ શબ્દો તરફ ખાસ ધ્યાન આપતા નથી. આગામી સમયમાં બેંકિંગ સંબંધિત વિવિધ બાબતો માટે આવા ‘યુનિફાઇડ’ ‘ઇન્ટરફેસ’ કે પ્લેટફોર્મ મળવાના છે એ નક્કી છે.

નવું વર્ષ હંમેશાં નવી આશાઓ અને ઉમંગ લઈને આવતું હોય છે, આ નવી પહેલથી લોન પ્રક્રિયા સહેલી બનશે એવી આશા રાખીએ.

નવા વર્ષમાં સૌ માટે આશાનું નવું કિરણ –ULI 2 - image

 લોન ઓફર થાય, પણ મેળવવી મુશ્કેલ!

‘‘સર, તમારી બેંકમાંથી બોલું છું, આપણે કોઈ બિઝનેસ લોન કે બીજા કોઈ કારણસર લોનની જરૂર છે?’’, ‘‘મેડમ, તમારી કાર લોન પર ટોપ-અપ લોન ઓફર થઈ રહી છે. નવી, મોટી કાર લેવી છે?’’

આપણા સૌ પર રોજેરોજ આ પ્રકારે જુદી જુદી લોન ઓફર કરતા ફોન કૉલ્સનો સતત મારો થાય છે. આમાંથી ઘણા કૉલ કોઈને કોઈ રીતે આપણને શીશામાં ઉતારવા માગતી ઠગ ટોળકીઓ તરફથી હોય છે, પરંતુ ઘણા ખરા કૉલ  ખરેખર બેંક તરફથી હોય છે. અત્યારે બેંક આપણને લોન આપવા માટે ગજબની આતુર છે.

તકલીફ એ છે કે આપણે લોન લેવાની તૈયારી બતાવીએ એ સાથે આ આતુરતા ગાયબ થઈ જાય છે! લોન માટે અરજી કરવાથી લઇને લોન મંજૂર થાય અને નાણાં આપણા ખાતામાં જમા થાય ત્યાં સુધીમાં આપણે અનેક કોઠા ભેદવા પડે છે. લીધેલી લોન પરત કરવા માટે આપણે સક્ષમ છીએ એ સાબિત કરવા માટે આપણી માસિક આવક અને તેની સામે ખર્ચ, ખાસ કરીને અન્ય કોઈ લોન ચાલુ હોય તો તેના જાતભાતના પુરાવા રજૂ કરવા પડે છે. 

શહેરના ભણેલા ગણેલા અને ધારે ત્યારે પોતાની બેંક કે અન્ય સંસ્થાની વેબસાઇટ કે એપમાં જઇને જોઇતાં ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરી શકતા લોકોને લોનની પ્રોસેસ પૂરી કરવામાં આંખે પાણી આવી જતાં હોય તો નાનાં ગામ કે સાવ ગામડાના લોકોને કેટલી મુશ્કેલી પડે એ આપણે જરૂર સમજી શકીએ. 

ગામડાના લોકો પોતાના ઘર કે ખેતરની જમીનને ગીરો મૂકીને લોન મેળવવાનો પ્રયાસ કરે ત્યારે ઘર કે જમીનના પોતે માલિક હોવાનું સાબિત કરવા માટેના કાગળિયાં મેળવવા માટે તેમણે કેટકેટલી જગ્યાએ ધક્કા ખાવા પડે છે. 

એ જ કારણે સ્વતંત્રતા મળ્યાનાં ૭૫ વર્ષ વીતી ગયા પછી પણ આપણા દેશના લોકો બેંક કે તેના જેવી માન્ય સંસ્થામાંથી લોન મેળવવાને બદલે ખાનગી શાહુકારોની ચુંગાલમાં ફસાય છે અને પછી આખી જિંદગી વ્યાજ અને મૂડી ભરપાઈ કરવાના વિષચક્રમાં ફસાયેલા રહે છે.

હવે આ સ્થિતિ બદલાય તેવી આશા જાગી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ ‘યુનિફાઇડ લેન્ડિંગ ઇન્ટરફેસ (યુએલઆઇ)’ નામે એક નવું પ્લેટફોર્મ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ પ્લેટફોર્મ પર વર્ષ ૨૦૨૩થી પાયલોટ પ્રોજેક્ટ શરૂ થઈ ગયા હતા. હવે ટૂંક સમયમાં સમગ્ર દેશમાં તેનો અમલ શરૂ થાય તેવી શક્યતા છે.

નવા વર્ષમાં સૌ માટે આશાનું નવું કિરણ –ULI 3 - image

 લોનની આખી પ્રક્રિયા માટે એક પ્લેટફોર્મ

રિઝર્વ બેંકના ચેરમેને આ પ્લેટફોર્મની જાહેરાત કરતી વખતે તે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) જેવું ક્રાંતિકારી પરિવર્તન લાવશે એવી આશા વ્યક્ત કરી હતી. યુપીઆઇ અને યુએલઆઇ બંનેનાં નામ એકમેકને ખાસ્સાં મળતાં આવે છે, પરંતુ બંનેમાં ઘણા મોટા તફાવત છે. 

યુપીઆઇ એક બેંક ખાતામાંથી બીજા બેંક ખાતામાં તત્ક્ષણ રૂપિયાની આપ-લે કરવા માટેનું પ્લેટફોર્મ છે. ભારતની વિવિધ બેંક ઉપરાંત, લોકોમાં પહેલેથી પોપ્યુલર થર્ડ પાર્ટી એપ્સ પણ આ આખી વ્યવસ્થામાં સંકળાઈ છે. એ કારણે તથા યુપીઆઇથી રૂપિયાની આપલે ખરેખર બહુ સહેલી હોવાથી આ વ્યવસ્થા બહુ ઝડપથી ભારતમાં લોકપ્રિય બની અને તેનાથી ટ્રાન્ઝેકશનમાં ઉત્તરોત્તર વધારો થવા લાગ્યો છે. યુપીઆઇથી રૂપિયાની સીધે સીધી લેવડદેવડ ઉપરાંત ફાસ્ટેગ તથા અન્ય વ્યવસ્થાઓમાં પણ યુપીઆઇનો ઉપયોગ થાય છે (આવા ઉપયોગ બહુ નજરમાં આવતા નથી). એથી યુપીઆઇનો વ્યાપ સતત વધી રહ્યો છે. 

જ્યારે યુએલઆઇ લોનની પ્રક્રિયા સરળ અને ડિજિટલ બનાવવા માટેનું પ્લેટફોર્મ છે. યુએલઆઇ પણ યુપીઆઇની જેમ ચમત્કાર સર્જશે એવા આશાવાદ પાછળ નક્કર કારણ છે. યુપીઆઇમાં બેંકનાં વિવિધ ખાતાં વચ્ચે સ્માર્ટફોન કે સાદા ફોન મજબૂત કડી બન્યા છે. ભારતના લગભગ તમામ લોકોના હાથમાં હવે મોબાઇલ પહોંચી ગયા છે. બીજી તરફ હજી થોડાં વર્ષ પહેલાં સુધી ભારતની અડધોઅડધ વસતી બેંકમાં ખાતું ધરાવતી નહોતી. એ જ રીતે બેંકને અંતરિયાળ ગામડામાં જઈને શાખા ખોલવી ખર્ચની રીતે પોસાઈ તેમ નહોતી. આથી સરકારે ‘જેમ ટ્રિનિટી’ એવો એક કન્સેપ્ટ વિસ્તાર્યો જેનો પાયો જનધન ખાતાં, આધાર નંબર તથા મોબાઇલ ફોન છે. 

ભારતની લગભગ તમામ વસતી હવે આધાર સ્વરૂપે આગવી ઓળખ ધરાવે છે. લગભગ તમામ પાસે મોબાઇલ ફોન પણ છે અને જનધન પહેલને કારણે ગામડાં કે શહેરના તદ્દન છેવાડાના લોકોનાં પણ બેંક એકાઉન્ટ ખોલવાનું શક્ય બન્યું છે. મોબાઇલની વિરાટ પહોંચને કારણે બેંકોએ લોકો સુધી પહોંચવા માટે ફિઝિકલ બ્રાન્ચ ખોલવાની જરૂર રહી નથી. આથી જેમ ટ્રીનીટીની મદદથી દેશની નાણાકીય વ્યવસ્થામાં દૂરગામી પરિવર્તન શક્ય બન્યું છે. યુપીઆઇ વ્યવસ્થા માત્ર તેનો એક ભાગ છે. 

યુએલઆઇ વ્યવસ્થામાં જેમ, યુપીઆઇ અને યુએલઆઇની એક નવી ટ્રિનિટ ઊભી થશે અને લોકો માટે ધિરાણ મેળવવાનું કામ ઘણું વધુ સહેલું બનશે.

નવા વર્ષમાં સૌ માટે આશાનું નવું કિરણ –ULI 4 - image

તમામ પ્રક્રિયા ડિજિટલ રીતે હાથ ધરાશે

યુએલઆઇ વ્યવસ્થા હેઠળ સમગ્ર દેશની વિવિધ સંસ્થાઓના ડેટાને એકમેક સાથે ડિજિટલ રીતે સાંકળી લેવામાં આવશે. જે રીતે ભારતે ડિજિલોકર વ્યવસ્થા વિકસાવી છે, જેમાં આપણે વિવિધ સંસ્થાઓ તરફથી ઈસ્યુ થતાં ડોક્યુમેન્ટ ડિજિટલ સ્વરૂપે સાચવી શકીએ છીએ અને જરૂર મુજબ અન્ય સંસ્થાઓ સાથે ડિજિટલ ફોમમાં જ શેર કરી શકીએ છીએ. બરાબર એ જ રીતે યુએલઆઇ પ્લેટફોર્મ હેઠળ લોન મેળવવા માટે વિવિધ પ્રકારના દસ્તાવેજ આપણે બહુ સહેલાઈથી ડિજિટલ સ્વરૂપે મેળવી શકીશું તેમ જ આપણી મંજૂરી પછી ધિરાણ આપતી સંસ્થાઓ સાથે તેને શેર કરી શકીશું. આ બધું આપણા મોબાઇલ ફોનમાં આંગળીના ઇશારે થશે.

અત્યારે આખી દુનિયામાં વિવિધ ટેક કંપનીઓ યેનકેન પ્રકારે આપણો ડેટા મેળવવા મથી રહી છે ત્યારે ભારતે પહેલી વાર લોકો પોતાની મરજીથી, પોતાની સંમતિથી, પોતાનો ડેટા શેર કરીને તેનો લાભ મેળવી શકે એવી વ્યવસ્થા વિચારી (આપણે ‘ટેકનોવર્લ્ડ’માં એ વિશે અગાઉ વિગતવાર વાત કરી ગયા છીએ).

અત્યારે પણ ઘણી બેંકમાંથી આપણે લોન મેળવવાની થાય ત્યારે આપણા બેંક એકાઉન્ટની વિગતોની ડિજિટલ એક્સેસ આપવાની શરૂઆત થઈ ગઈ છે. એ વિશે આપણને પૂરતો ખ્યાલ ન હોવાથી આપણે કોઈ ક્રાંતિકારી ફેરફારનો હિસ્સો બની રહ્યા છીએ એવો આપણને એ સમયે અંદાજ આવતો નથી.

ઉદાહરણ તરીકે કહીએ તો ગામડાના કોઈ ખેડૂતને લોન મેળવવા માટે પોતાની જમીનના દસ્તાવેજ ધિરાણ આપતી સંસ્થાને સોંપવાના હોય તો એ માટે દસ્તાવેજનાં કાગળિયાં મેળવવા માટે તેણે સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા નહીં પડે. પોતાના ફોનમાંથી જ તે આ દસ્તાવેજો, તે સાચા હોવાની પૂરી ખાતરી સાથે, ધિરાણ આપતી સંસ્થાને સોંપી શકશે. 

આ વ્યવસ્થાને કારણે લોન મેળવનારી વ્યક્તિ લોનને પાત્ર છે કે નહીં, તે લોન ભરપાઈ કરવા માટે સક્ષમ છે કે નહીં વગેરે નક્કી કરવાની પ્રોસેસ ખાસ્સી ઝડપી બની જવાની આશા છે.

નવા વર્ષમાં સૌ માટે આશાનું નવું કિરણ –ULI 5 - image

જોકે બધું 'આંખના પલકારે' થશે નહીં!

એ ખાસ યાદ રાખવા જેવું છે કે અત્યારે યુએલઆઇની યુપીઆઇ સાથે સરખામણી થઈ રહી હોવાથી યુએલઆઇ વિશે કેટલીક ગેરસમજો ઊભી થવાની પણ પૂરી શક્યતા છે. 

યુપીઆઇમાં આંખના પલકારે રૂપિયાની લેવડદેવડ થાય છે, પરંતુ યુએલઆઇમાં આંખના પલકારે લોનની મંજૂરી મળશે નહીં. તેમાં લોનની અરજીથી લઇને મંજૂરી અને રૂપિયાની ફાળવણી સુધીની પ્રક્રિયા તબક્કાવાર જ થશે. ફક્ત બધું જ કામ ડિજિટલ રીતે થવાથી આ તબક્કાઓ પ્રમાણમાં ઝડપથી પાર કરી શકાશે. એપ્લિકેશન, દસ્તાવેજોની સોંપણી અને ચકાસણી, અરજદારની ઓળખ તથા ક્ષમતાની ચકાસણી વગેરે બધું ડિજિટલી થશે. છેવટે લોનના મંજૂર થયેલાં નાણાં યુપીઆઇ મારફત અરજદારના બેંક ખાતામાં પહોંચશે. આમ યુએલઆઇમાં બધું જ ડિજિટલી થશે ખરું પરંતુ આંખના પલકારામાં થવાની આશા રાખી શકાશે નહીં. 

અત્યારે એજ્યુકેશનલ લોન મેળવવાની પ્રક્રિયા ડિજિટલ બનાવવા માટે ‘વિદ્યા લક્ષ્મી પોર્ટલ’ વિક્સાવવામાં આવ્યું છે, કંઈક અંશે તેના જેવી જ આવ વાત છે.

ધિરાણ સહેલું બનતાં વધુ ને વધુ લોકો તથા માઇક્રો, સ્મોલ અને મીડિયમ લેવલના ઉદ્યોગો માટે લોન મેળવવી સહેલી બનશે. આથી સમગ્ર અર્થતંત્રને નવો વેગ મળવાની પણ આશા છે. 

આ સમગ્ર વ્યવસ્થા હજી પણ પાયલોટ પ્રોજેક્ટના તબક્કે છે. 

નવા વર્ષમાં સૌ માટે આશાનું નવું કિરણ –ULI 6 - image

 ઓન-ડિવાઇસ અને ઓફ-ડિવાઇસ પ્રોસેસિંગ એટલે શું?

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ના નવા સમયમાં આપણે હવે બે શબ્દો ખાસ સાંભળવાના છીએ - ‘ઓન-ડિવાઇસ પ્રોસેસિંગ’ અને ‘ઓફ-ડિવાઇસ પ્રોસેસિંગ’. આમ તો બંને ટેક-ટર્મના અર્થ તેમના નામમાં જ સમાયેલા છે. જેનું પ્રોસેસિંગ આપણા ફોનમાં જ થાય તે ઓન-ડિવાઇસ પ્રોસેસિંગ અને પ્રોસેસિંગ ડિવાઇસની બહાર થાય તે ઓફ-ડિવાઇસ પ્રોસેસિંગ. પરંતુ આનો અર્થ એક્ઝેટલી શું થયો? 

આપણા ડેટાનું ડિવાઇસની બહાર પ્રોસેસિંગ થાય તો તેમાં પ્રાઇવસી સંબંધિત જોખમો ઊભાં થાય છે.  સાવ સાદું ટાસ્ક હોય તો તેનું પ્રોસેસિંગ આપણા ડિવાઇસમાં જ થઈ શકે. જેમ કે આપણે કોઈ ફોટોગ્રાફ લઇએ અને તે ડિવાઇસમાં સ્ટોર થાય તેમાં ડિવાઇસ બહારના કોઈ સોફ્ટવેર કે સિસ્ટમની મદદની જરૂર હોતી નથી. પરંતુ ફોટો કેપ્ચર કર્યા પછી આપણે તેમાં કંઈક સુધારો કરવા ઇચ્છતા હોઇએ તો આ પ્રકારનું ફોટો એડિટિંગ એઆઇ ટૂલ્સની મદદથી થઈ શકે. એ માટે ફોટો ડિવાઇસમાંથી ક્લાઉડમાંના સર્વરમાં લઈ જવો પડે, ત્યાં તેનું એઆઇ એડિટિંગ થાય અને પછી એ ફોટોગ્રાફ ફરી આપણને ઉપલબ્ધ થાય. આ કામ ઓફ ડિવાઇસ પ્રોસેસિંગનું થયું. તેમાં આપણો ફોટોગ્રાફ સર્વરમાંથી લીક થવાનું જોખમ રહે.

આથી ટેકનોલોજી કંપનીઓ પ્રાઇવસી લેવલ વધારવા માટે વધુ ને વધુ પ્રમાણમાં ઓન ડિવાઇસ પ્રોસેસિંગ શક્ય બનાવવાની કોશિશ કરી રહી છે. ફોટો એડિટિંગ ઉપરાંત અન્ય ઘણી બધી રીતે એઆઇની મદદથી આપણું કામ સહેલું થાય છે. પરંતુ એઆઇ માટે મોટા ભાગે વિરાટ પ્રમાણમાં ડેટા અને પ્રોસેસિંગ પાવર જરૂરી હોય છે. એ બધું ડિવાઇસમાં જ સામેલ કરવું મુશ્કેલ હોય છે. તેમ છતાં ટેક કંપનીઓ આ દિશામાં હવે ઘણી આગળ વધી રહી છે.

નવા વર્ષમાં સૌ માટે આશાનું નવું કિરણ –ULI 7 - image

કમ્પ્યૂટરના પાવર યૂઝર હો તો ડબલ મોનિટર સેટઅપ કરી જુઓે

તમે કમ્પ્યૂટરના પાવર યૂઝર છો? તમે મલ્ટિ ટાસ્કિંગ કરો છો? મલ્ટિ ટાસ્કિંગ બે પ્રકારનું હોઈ શકે. એક, એક સાથે બિલકુલ અલગ અલગ પ્રકારનાં કામ કરવાં અને બીજું એક- બે પ્રોગ્રામનો એક સાથે ઉપયોગ કરવો. 

જેમ કે તમારે એક તરફ ઇન્ટરનેટમાં બ્રાઉઝિંગ કરવાનું થાય અને તેમાંથી મળતી માહિતી વર્ડ જેવા પ્રોગ્રામમાં ટપકાવવાની હોય. અથવા એક્સેલમાં ડેટા ટેબલ તપાસીને તેની વિગતો પાવરપોઇન્ટમાં ઉમેરવાની હોય. તમે આવું બધું કામ સતત કરતા હો તો તમે કમ્પ્યૂટરના પાવર યૂઝર પણ ખરા અને મલ્ટિ ટાસ્કિંગ કરનારા પણ ખરા. 

સામાન્ય સંજોગમાં એકથી વધુ પ્રોગ્રામમાં કામ કરવા માટે આપણે કમ્પ્યૂટરમાં જુદા જુદા પ્રોગ્રામ ઓપન કરીએ અને પછી ઓલ્ટર ટેબ કીની મદદથી વારંવાર અલગ અલગ વિન્ડો ઓપન કરી તેમાંના પ્રોગ્રામની વિગતો તપાસતા રહેવું પડે. 

બીજો રસ્તો એક સાથે બે વિન્ડો ઓપન કરી તેને બાજુબાજુમાં ગોઠવીને કામ કરવાનો છે. આ રસ્તો ચોક્કસપણે વધુ સહેલો બને પરંતુ જો તમે લેપટોપ પર કામ કરતા હો તો આ રીતે કામ કરવા માટે તેનો સ્ક્રીન નાનો પડે. 

જો બજેટનો પ્રોબ્લેમ ન હોય તો તમે બીજો એક મોનિટર લઇને તેને લેપટોપ સાથે કનેક્ટ કરી જુઓ. 

લેપટોપમાં એચડીએમઆઇ પોર્ટ હશે તો તેમાં બીજું મોનિટર કનેક્ટ કરવું બહુ સહેલું છે. એ રીતે તમે લેપટોપ સ્ક્રીન અને સાથે કનેક્ટ કરેલા બીજા મોનિટર પર બે અલગ અલગ પ્રોગ્રામ ઓપન કરીને બંનેમાં બહુ સહેલાઈથી કામ કરી શકશો. 

ઘણા લોકો એક સાથે ચાર-ચાર મોનિટરના સેટઅપ સાથે કામ કરતા હોય છે. તમે ફક્ત બે મોનિટરથી ટ્રાય કરી જુઓ. એફિસિયન્સી ઘણી વધી જશે!

નવા વર્ષમાં સૌ માટે આશાનું નવું કિરણ –ULI 8 - image 

નાની-નાની વાતનું 'ગેમિફિકેશન' હવે મોટું સ્વરૃપ લઈ રહ્યું છે

હવે બાળકો સ્માર્ટ થવા લાગ્યાં છે અને મમ્મીઓ પણ દરેક પ્રોબ્લેમનો શોર્ટકટ શોધવા લાગી છે, એટલે છોકરું કજિયો કરે તો એને શાંત કરવા તરત હાથમાં મોબાઇલ પકડાવી દેવામાં આવે છે.

અગાઉ નાનું છોકરું ખાવા-પીવામાં કજિયા કરે ત્યારે મમ્મી એને ખવડાવવામાં રમતની ગમ્મતનો ટવીસ્ટ ઉમેરતી. કોળિયો હવામાં ઊડીને આવતું પ્લેન બને અને છોકરું હોંશે હોંશે કોળિયા ભરવા લાગે!

કોઈ પણ ન ગમતી પ્રવૃત્તિને રમતનું સ્વરૂપ આપીને ધાર્યાં પરિણામ લાવવાનો આ કન્સેપ્ટ - ગેમિફિકેશન - આજના ટેક્નોલોજી યુગમાં નવાં નવાં સ્વરૂપ લઈ રહ્યો છે. ગેમિફિકેશનનો ઉપયોગ ટેક્નોલોજી પૂરતો સીમિત નથી, પણ ટેક્નોલોજીની મદદથી ગેમિફિકેશન ઘણું વધુ સહેલું અને અસરકારક બની રહ્યું છે એ નક્કી.

તમે સ્કૂલમાં હો, કોલેજમાં હો કે કરિયરમાં નવી નવી ઊંચાઈઓ સર કરવા લાગ્યા હો, તમે ગેમિફિકેશનનાં વિવિધ સ્વરૂપના પરિચયમાં આવ્યા જ હશો, પણ કદાચ તેના તરફ પૂરતું ધ્યાન આપ્યું નહીં હોય. હા, એવું બની શકે કે તમે કરિયરના એવા તબક્કે પહોંચી ગયા હો, જ્યાં તમે તમારી પ્રોડક્ટ, સર્વિસ કે લર્નિંગ/ટ્રેનિંગ કન્ટેન્ટને વધુ ઇફેક્ટિવ બનાવવા તેના ગેમિફિકેશનનો વિચાર કરવા લાગ્યા હો!

અત્યારે ફિટનેસ એપ, મ્યુઝિક કે અન્ય કોઈ પણ બાબત શીખવતી એપ્સ, ઇ-લર્નિંગ કન્ટેન્ટ વગેરે તમામમાં ગેમિફિકેશનનો કન્સેપ્ટ ધૂમ મચાવી રહ્યો છે. સાદી વાતનું ગેમિફિકેશન કરવાનો ફાયદો છે કે તેનાથી આખી વાતમાં યૂઝરને વધુ સારી રીતે એન્ગેજ કરી શકાય છે.

ટેક સ્ટુડન્ટ તરીકે તમને  ટેક્નોલોજી-ડ્રીવન ગેમિફિકેશનની પ્રોસેસમાં સંકળાવાની તક મળે, તો એની મજા પણ લૂંટજો! 


Google NewsGoogle News