વીતેલા વર્ષની ઝલક - ફોટોઝમાં
વર્ષનો અંત નજીક આવે એ સાથે આપણાં અખબારોમાં વીતેલા વર્ષની ઝલક રજૂ કરવાનો ધારો છે. હવે ટેકનોલોજી કંપનીઓએ પણ આ ધારો અપનાવવાનું શરૂ કર્યું છે. અલબત્ત, આ કંપનીઓ પાસે આપણો પાર વગરનો પર્સનલ ડેટા હોય છે, એટલે તેમની આવું યર - રીકેપ એકદમ પર્સનલાઇઝ્ડ હોય છે.
જેમ કે સ્પોટિફાય મ્યુઝિક એપ આખા વર્ષ દરમિયાન આપણે તેના પર કેવા મ્યુઝિકની મજા માણી તેનો રીકેપ આપે છે. યુટ્યૂબ પર પણ પાછલા વર્ષનો હિતાબ-કિતાબ રજૂ કરવાનો ધારો હતો. એ સામાન્ય રીતે સેલિબ્રેશનના મૂડમાં હોય છે. પરંતુ કોવિડ મહામારી દરમિયાન આ ધારો ડખે ચઢ્યો. ગૂગલ પ્લે સ્ટોર પર્સનલાઇઝ્ડ રીકેપ આપવાને બદલે આખા વર્ષ દરમિયાન ક્યા પ્રકારની કઈ એપ લોકોમાં હોટ ફેવરિટ રહી તેની વિગતો આપે છે. તો ગૂગલનું સર્ચ એન્જિન આખા વર્ષ દરમિયાનના સર્ચ ટ્રેન્ડ જણાવે છે.
આ વર્ષથી ગૂગલ ફોટોઝ સર્વિસ પણ રીકેપ આપવાના ટ્રેન્ડમાં જોડાઈ છે. બાજુમાં લખ્યું તેમ આ સર્વિસ પાસે આપણા પાર વગરના ફોટોગ્રાફનો ડેટા છે. તમે તેનો નિયમિત ઉપયોગ કરતા હશો તો તેના ‘મેમરીઝ’ ફીચર્સથી પરિચિત હશો. આ ફીચરમાં આપણને પોતાના નજીકના સમયના કે વર્ષો જૂના ફોટોગ્રાફ રસપ્રદ રીતે તારવીને બતાવવામાં આવે છે. ક્યારેક જૂના અને નવા ફોટોગ્રાફ ભેગા કરીને તેની સરખામણી બતાવવામાં આવે છે. ક્યારેક પરિવારની કોઈ વ્યક્તિ બાળપણથી યુવાનીમાં પ્રવેશી ત્યાર સુધીના અલગ અલગ ફોટોગ્રાફ્સનું કલેકશન બતાવવામાં આવે છે. તો કોઈ વાર કપલના વિવિધ મૂડના ફોટોગ્રાફ મેમરી સ્વરૂપે બતાવવામાં આવે છે. આમ ગૂગલ ફોટોઝ સર્વિસ સાથે આ બધો ડેટા હતો જ, ફક્ત વર્ષ પ્રમાણે તેમાંથી વિગતો તારવીને નવેસરથી ફોટોઝ રજૂ કરવાનો હતો.
જો તમે કમ સે કમ ગયા વર્ષથી ફોટોઝ સર્વિસમાં પોતાના ફોટો કે વીડિયો અપલોડ કરવાનું શરૂ કર્યું હશે તો ફોટોઝ એપ ઓપન કરતાં ઉપરના ભાગે ‘રીકેપ ૨૦૨૪’ નાં કલેકશન્સ મળશે. વર્ષ દરમિયાન તમે કેટલા ફોટો લીધા, ક્યા લોકેશનના વધુ ફોટો લીધા, કયા સમયગાળા દરમિયાન સૌથી વધુ ફોટો લીધા, કઈ કઈ વ્યક્તિઓના સૌથી વધુ ફોટો સાથે લેવામાં આવ્યા વગેરે તો ઠીક, તમે લીધેલા ફોટોગ્રાફ્સમાં કયા કલર્સનું વધુ પ્રમાણ રહ્યું એ પણ આ રીકેપમાં જોવા મળશે!
આ રીકેપ કલેકશન સમગ્ર ડિસેમ્બર મહિના દરમિયાન મેમરીઝમાં રહેશે અને ત્યાર પછી ફોટોગ્રિડમાં જાન્યુઆરી મહિનામાં જળવાઈ રહેશે. આથી જ્યારે પણ જૂની યાદો તાજી કરવાનું મન થાય ત્યારે તમે આ કલેકશન ફરીથી જોઈ શકશો.