શબ્દો શોધવાની મથામણની વોકેબ્યુલરી વધારતી મજાની ગેમ
તમને આડી-ઊભી ચાવીની મદદથી શબ્દકોયદા ઉકેલવા ગમે છે? વાત માત્ર ગુજરાતી શબ્દરમતની નથી, તમને અંગ્રેજી ભાષામાં રસ હોય
તો ઇંગ્લિશ ક્રોસવર્ડ પર પણ હાથ અજમાવતા હશો. હજી કોલેજમાં ડગ માંડી રહ્યા હો કે
વધુ અભ્યાસ માટે પરદેશ જવાનો વિચાર હોય તો તો અંગ્રેજી શબ્દભંડોળ વધાર્યા વિના
છૂટકો જ નથી.
એ માટે ટેક્નોવર્લ્ડમાં આપણે અવારનવાર જુદી જુદી સર્વિસ/એપની વાત કરીએ છીએ, એ પરંપરાને આગળ ધપાવી, આજે એક નવી સાઇટ વિશે જાણીએ.
આ સાઇટના સંચાલકો પોતે, તે ટીચર્સ માટેની હોવાનું કહે
છે, પરંતુ શબ્દભંડોળ વધારવા માગતા
હોઈને પણ એ ઉપયોગી થાય તેમ છે. શબ્દભંડોળ વધારવાનો એક રસ્તો વધુ ને વધુ વાંચવાનો
છે અને બીજો રસ્તો, મજાની ગેમ્સ રમવાનો છે!
એ માટે પહોંચો આ સાઇટ પર (https://playknoword.com/).
આ સર્વિસ આપણે અમુક હિન્ટ કે ક્લૂ કે સંકેત આપે અને આપણે તેટલા પરથી, સાચો શબ્દ પારખી લેવાનો! સાઇટના હોમપેજ પર પહોંચશો એટલે આ ગેમ કેવી રીતે રમવી
એ સમજાવવામાં આવશે, આપણે અહીં જ જાણી લઈએ.
હોમપેજ પર આપેલા રેડ પ્લે નાઉ બટન પર ક્લિક કરશો એટલે ડિફિકલ્ટી લેવલ,
ટાઇમ લિમિટ, લેંગ્વેજ વગેરે વિકલ્પોની સાથે ગેમ સ્ટાર્ટ કરવાનું બટન મળશે. તેને ક્લિક
કરતાં, કોઈ ઇંગ્લિશ નાઉન કે અન્ય
શબ્દની આછી સમજ આપી, તે શબ્દ શોધી બતાવવાનું
કહેવામાં આવશે. સાથે કહેવામં આવશે કે એ શબ્દ કયા આલ્ફાબેટથી શરૂ થાય છે. આટલા પરથી
આપણે એ શબ્દ ઓળખી બતાવવાનો.
જેમ કે નીચે સ્ક્રીનશોટમાં બતાવ્યા મુજબ,
શબ્દ એમથી શરૂ થાય છે, એ એક નાઉન છે, અને કોઈ કામગીરી કરવા માટેના
મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ કે ઇલેક્ટ્રોનિક
ડિવાઇસ માટે તે વપરાય છએ.
આટલા પરથી દિમાગમાં ઝબકારો થવો જોઈએ કે શબ્દ મશીન હોવો જોઈએ! મશીનનો સ્પેલિંગ
ફટાફટ ટાઇપ કરતા જાવ અને બધા અક્ષર સાચા હોય તો તે લીલા રંગમાં લખાતા જાય.
આપણે આપણે થાપ ખાધી હોય અને ખોટો શબ્દ ટાઇપ કરતા હોઈએ તો તે લાલ અક્ષરે લખાય.
સાચો શબ્દ શોધવા માટે આપણી પાસે નિશ્ચિત સમય હોય. ખાસ્સું માથું ખંજવાળ્યા પછી પણ
શબ્દ ન સૂઝે તો, બીજા શબ્દ તરફ આગળ વધી જાઓ.
આ સાઇટ પર ટીચર્સ પોતાના સ્ટુડન્ટ્સ માટે ફ્લેશકાર્ડ જેવી આ ગેમનાં પેક્સ જાતે
બનાવી શકે છે અને આપણે તેની મદદથી પોતાનું દિમાગ કસી શકીએ છીએ. શરૂઆતમાં વાત સરળ લાગશે, પણ દિમાગ કસવા માટે એક મિનિટનો સમય ઓછો પડશે.
આગળ વધતા જશો તેમ મુશ્કેલ શબ્દો પણ આવતા જશે. પરંતુ, નિયમિત રીતે આ ગેમનો સહારો લેશો તો ધીમે ધીમે ઇંગ્લિશ વોકેબ્યુલરી રોક સોલિડ બનતી જશે એ નક્કી!