95 ટકા લોકોના મોબાઇલ પર રોજના આવે છે કામ વગરના કોલ્સ, TRAIએ બ્લોક કર્યા અઢી લાખ નંબર્સ
Unwanted Calls: ઇન્ડિયાના 95 ટકા મોબાઇલ યુઝર્સને રોજના અજાણ્યા ફોન કોલ્સ આવે છે. લોકલ સર્કલ દ્વારા હાલમાં જ એક સરવે કરવામાં આવ્યો હતો. આ સરવે મોબાઇલ યુઝર પર કરવામાં આવ્યો હતો જેમના પર રોજના કામ વગરના ફોન આવે છે. આ ફોન કોલ્સ અજાણ્યા વ્યક્તિ અથવા તો કંપનીના ફોન હોય છે.
ફોન કોલ્સમાં સતત વધારો
છ મહિના પહેલાં આ સરવે કરવામાં આવ્યો હતો ત્યારે લગભગ 90 ટકા યુઝર્સ પર આ પ્રકારના ફોન આવતાં હતાં. જોકે છ મહિના બાદ ફરી સરવે કરવામાં આવતાં એમાં ઘટાડો થવાની જગ્યાએ વધારો થઈ રહ્યો છે. હવે, 95 ટકા યુઝર્સ પર આ પ્રકારના કોલ આવે છે.
ડૂ-નોટ-ડિસ્ટર્બ હોવા છતાં આવે છે ફોન
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)દ્વારા યુઝર્સની સુવિધા માટે ડૂ-નોટ-ડિસ્ટર્બ સુવિધા શરૂ કરવામાં આવી હતી. જોકે આ સર્વિસ છતાં યુઝર પર ફોન આવે છે. જેમણે પણ ડૂ-નોટ-ડિસ્ટર્બ એક્ટિવેટ કરાવ્યું હતું તેમાના 96 ટકા લોકોને હજી પણ ફોન આવે છે. તેમ જ 77 ટકા લોકોને રોજના બે-ત્રણ ફોન કોલ જરૂર આવે છે.
કેવી રીતે આ કોલ્સ આવે છે?
પહેલાં કંપનીઓ એક રજિસ્ટર સર્વિસ નંબર લેતી હતી જેના પરથી ફોન આવતાં હતા. આ ટોલ ફ્રી નંબર રહેતા હતા. જોકે ડૂ-નોટ-ડિસ્ટર્બ બાદ આ સર્વિસ નંબર પરથી ફોન નથી કરી શકાતા. એટલે કંપનીઓ દ્વારા સામાન્ય વ્યક્તિના નંબર હોય એ રીતના નંબર પરથી ફોન કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે એક બાઇકના ઓથોરાઇઝ્ડ શોરૂમમાંથી ફોન સર્વિસ નંબર પરથી નથી આવતો. જોકે એમાં કામ કરનાર વ્યક્તિ તેના નંબર પરથી કરે છે જે ગ્રાહકને તેનું બાઇક સર્વિસ કરાવવા માટે કહે છે. આ પ્રકારના ઘણાં ફોન હવે આવે છે.
ફાયનાન્સ અને રિયલ એસ્ટેટ
સૌથી વધુ ફોન આ બે ક્ષેત્રના લોકો તરફથી આવતાં હોય છે. લોન માટે અને ઇન્સ્યોરન્સ માટે સૌથી વધુ ફોન આવે છે. તેમ જ પ્રોપર્ટી ખરીદવા માટે પણ સૌથી વધુ ફોન કરવામાં આવે છે. 88 ટકા મોબાઇલ યુઝર્સ પર આ બે ક્ષેત્રના ફોન જરૂર આવતાં હોય છે. ફાયનાન્સ ક્ષેત્રમાં છ મહિના પહેલાં 54 ટકા ફોન આવતાં હતાં જે હવે વધીને 66 ટકા થઈ ગયા છે.
TRAIએ શું કહ્યું?
TRAIએ હાલમાં જ પચાસથી વધુ કંપનીઓ અને 2.75 લાખ કનેક્શનને બ્લોક કર્યાં છે. TRAI દ્વારા ટેલિકોમ કર્મશિયલ કોમ્યુનિકેશન કસ્ટમર પ્રેફરન્સ રેગ્લુલેશન કાયદા હેઠળ ઘણાં મોબાઇલ નંબર્સને બ્લોક કર્યાં છે. તેઓ હવે અનલિમિટેડ મિનિટની જગ્યાએ રોજની ચોક્કસ મિનિટ ફ્રી આપવા અને ત્યાર બાદ ચાર્જિસ લગાવવાનું વિચારી રહી છે. આમ કરવાથી વધુ કોલ્સ ન થઈ શકે. જોકે એની અસર સામાન્ય મોબાઇલ યુઝર્સના વપરાશ પર પણ પડશે.