હવે પેમેન્ટ કરવા માટે કાર્ડની જરૂર નહી, ભારતીય કંપનીએ લોન્ચ કરી પેમેન્ટ રીંગ
હવે ઓનલાઈન પેમેન્ટ કરવું બન્યું સરળ
સ્માર્ટ રીંગ કે જેના દ્વારા થઇ શકે યુપીઆઈ પેમેન્ટ
Smart Ring for Payment: આજના સમયમાં ટેકનોલોજી એડવાન્સમેંટ થતા જ એટલી નવી નવી વસ્તુઓ આવે છે કે જેના વિષે વિચાર્યું પણ ન હોય. પહેલાના સમયમાં ફોન અને કમ્પ્યુટર ખુબ જ મોટા આવતા હતા. જયારે અત્યારે તે પોર્ટેબલ જોવા મળે છે. તેવી જ રીતે ઓનલાઈન પેમેન્ટનો ઓપ્શન પણ હાલ ખુબ જ સુવિધાજનક થવા જઈ રહ્યો છે. હવે ભારતમાં યુપીઆઈ પેમેન્ટ કરવા માટે સ્માર્ટફોન, ડેબીટકાર્ડ કે ક્રેડીટકાર્ડની જરૂર નહિ પડે. પરંતુ એક રીંગથી હવે પેમેન્ટ થઇ શકશે.
POS મશીન પર ટચ કરવાથી થશે પેમેન્ટ
ભારતીય બજારમાં પેમેન્ટ કરી શકાય એવી રીંગ લોન્ચ થઇ ગઈ છે. આ રીંગની મદદથી કોઈ પણ POS મશીન પર ટચ કરવાથી પેમેન્ટ થઇ જશે. જેના માટે પેમેન્ટ મશીનમાં NFCનું ફીચર હોવું જરૂરી છે. અન્ય પેમેન્ટના NFC પ્રોડક્ટની ટેકનોલોજી પર જ આ રીંગ પણ કામ કરશે એટલે કે ટેપ એન્ડ પે ટેકનોલોજી પર આ રીંગ કામ કરશે. તેમ છતાં તે ખુબ જ સિક્યોર છે.
બેટરી વગરની સ્માર્ટ રીંગ
આમ તો આપને ઘણા પ્રકારની રીંગ જોઈ હોય, જેમાં થોડા સમય પહેલા માર્કેટમાં સ્માર્ટ રીંગ પણ આવી ચુકી છે, પરંતુ તમે બેટરી વગરની સ્માર્ટ રીંગ ભાગ્યે જ જોઈ હશે. એક સ્ટાર્ટઅપે કોન્ટેક્ટલેસ પેમેન્ટ રિંગ લોન્ચ કરી છે. જે 7 રિંગ્સ તરીકે ઓળખાય છે. કંપનીએ સપ્ટેમ્બરમાં ફિનટેક ફેસ્ટ 2023માં આ પ્રોડક્ટનું પ્રદર્શન કર્યું હતું.
7 રિંગ્સની કિંમત
કંપનીએ આ રિંગને ભારતમાં 7 હજાર રૂપિયાની કિંમતમાં લોન્ચ કરી છે. જોકે, અર્લી બર્ડ ઑફર હેઠળ મર્યાદિત સમય માટે કંપની આ રિંગને 4,777 રૂપિયાની કિંમતે વેચી રહી છે. આ ડિવાઈસને રૂ.829ની 6 મહિનાની EMI પર પણ ખરીદી શકાય છે. આ ઉપરાંત તેના પર 55 મહિનાની વેલીડીટી અને 1 વર્ષની વોરંટી મળે છે. હાલ આ રીંગ માત્ર ઇનવાઈટ કોડ ધરાવતા યુઝર્સ જ ખરીદી શકે છે.
આ રિંગની વિશિષ્ટતા શું છે?
એરોસ્પેસ ગ્રેડ મટીરીયલ Zirconia Ceramic (ZrO2)થી બનેલી આ રીંગ સ્ટાઇલીશ છે. કંપનીના કહેવા પ્રમાણે આ રીંગ 100 ટકા વોટરપ્રૂફ અને ડસ્ટપ્રૂફ છે. સાત અલગ અલગ સાઈઝમાં આવતી આ રીંગ સાથે IP68 સર્ટીફીકેટ પણ આપવામાં આવે છે. આ રીંગ NFC ટેકનોલોજી પર કામ કરે છે અને EMV કો-સર્ટિફાઈડ છે. આ રીંગ માટે એક એપ પણ વાપરવું પડે છે. એપના પ્રીપેડ વોલેટમાં પૈસા પણ રાખવા પડશે, જેના કરને પેમેન્ટ થઇ શકે. યુઝર 10,000 રૂપિયા સુધીના માસિક ટ્રાન્ઝેક્શન માટે KYC પ્રમાણપત્ર લઇ શકે છે. વીડિયો KYC પછી યુઝર્સ આ લિમિટને 2 લાખ રૂપિયા સુધી વધારી શકે છે. યુઝર્સે ફક્ત એપના પ્રીપેડ વોલેટને UPI સાથે કનેક્ટ કરવાનું રહેશે. આમાં તેમાં યુઝર્સની કોઈ બેંકિંગ ડિટેલ્સ સામેલ કરવામાં આવશે નહીં.