સોશિયલ મીડિયાનું થઈ ગયું વ્યસન, તો એક યુવકે ઇન્સ્ટાગ્રામ, યુ ટ્યુબ અને ટિક ટોક પર કરી દીધો કેસ
Social Media Addiction: કેનેડાના એક યુવકે યુ ટ્યુબ, ઈન્સ્ટાગ્રામ અને ટિક ટોક પર કેસ કર્યો છે. મોન્ટ્રીયલમાં રહેતાં 24 વર્ષના યુવકનું કહેવું છે કે સોશિયલ મીડિયાના કારણે તેની પ્રોડક્ટિવિટી ઓછી થઈ ગઈ છે. તે દિવસમાં જે-જે કામ કરતો હવે એ નથી થઈ રહ્યાં અને એના કારણે તેણે સોશિયલ મીડિયા સામે કેસ માંડ્યો છે. આ કંપનીઓમાં તેણે રેડિક્ટ અને ફેસબુકનો પણ સમાવેશ કર્યો છે.
ક્યારથી સોશિયલ મીડિયાની શરૂઆત કરી?
આ વ્યક્તિએ 2015થી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની શરૂઆત કરી હતી. ત્યારથી લઈને આજ સુધીમાં તેની પ્રોડક્ટિવિટીમાં ઘણો બદલાવ આવ્યો છે. તેનાથી હવે પહેલાં જેટલુ કામ નથી થતું. તેમ જ તેની બોડીને લઈને નેગેટિવ ઇશ્યુ પણ આવી રહ્યાં છે. આ માટે દોષનો ટોપલો તેણે સોશિયલ મીડિયા પર ઢોળ્યો છે.
એડિક્શન થાય એવી એપ્લિકેશન બનાવવાનો આરોપ
આ કેસમાં કહેવામાં આવ્યું છે કે તમામ સોશિયલ મીડિયાની ડિઝાઇન એવી બનાવી છે કે એને કારણે યુઝરને એડિક્શન થઈ જાય. એક વાર આ એપ્લિકેશનનો ઉપયોગ કર્યા બાદ સિગરેટ અને આલ્કોહોલની જેમ એના પણ બંધાણી થઈ જવાય છે. આ વ્યક્તિએ તેની સોશિયલ મીડિયા એપ્લિકેશનનો ઉપયોગ દિવસના ફક્ત બે કલાક પૂરતો જ રાખ્યો છે. આ તમામ રિસ્ટ્રિક્શન રાખ્યા હોવા છતાં તેની ઊંઘવાની સ્ટાઇલ અને અન્ય બાબતો પર સોશિયલ મીડિયાની અસર પડી હોવાનું તેણે કેસમાં જણાવ્યું છે.
વળતરની ડિમાન્ડ
સોશિયલ મીડિયા યુઝરને પોતાનું બંધાણી બનાવી દે છે અને એ એપ્લિકેશનમાં પ્રોબ્લેમ છે એવું કહીં આ વ્યક્તિએ વળતર માગ્યુ છે. તેણે વળતરની સાથે તેની હેલ્ધને જે નુક્સાન થયું છે એ માટે પણ કમ્પનસેશનની ડિમાન્ડ કરી છે. આ કેસ હજી તેણે ફાઇલ કર્યો છે, પરંતુ જજ એનો સ્વિકાર કરે કે નહીં એ હજી નક્કી નથી. કેનેડામાં સોશિયલ મીડિયા વિરુદ્ધ ઘણાં કેસ એક પછી એક આવી રહ્યાં છે.
એજ્યુકેશનને પણ નુક્સાન
સોશિયલ મીડિયાની અસર એજ્યુકેશન પર પણ થઈ રહી છે એને લઈને પણ ઘણી નિંદા કરવામાં આવી છે. ઓન્ટારિયોની સ્કૂલના બોર્ડ દ્વારા ટિક ટોક, મેટા અને સ્નેપચેટ પર કેસ કરવામાં આવ્યો છે. તેમનું માનવું છે કે આ એપ્લિકેશનને કારણે બાળકો ભણી નથી રહ્યાં અને સતત એના પર જ બિઝી રહે છે. આ શાળો દ્વારા સોશિયલ મીડિયા કંપનીઓ પાસેથી 4.5 બિલ્યન ડોલરની ડિમાન્ડ કરવામાં આવી છે.