તમે પણ ચેતતા રહેજો, ગેસ બિલ ભરવા મોકલેલી લિંક ઓપન કરતા જ ગાયબ થઈ ગયા 16 લાખ રૂપિયા
Gas Bill online fraud: આ ડીજીટલ યુગમાં ઘર બેઠા જ ઘણા કામ સરળતાથી થઈ જતા હોય છે. પરંતુ આ કામ કરતી વખતે સાવધાની પણ રાખવી ખૂબ જ જરૂરી છે. દુનિયામાં ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા પણ ખૂબ જ વધી રહ્યા છે. જેમાં એક નાની ભૂલ તમારા ખાતામાંથી લાખો રૂપિયા પડાવી શકે છે. તાજેતરમાં જ પૂણેનો એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં 66 વર્ષીય એક વ્યક્તિ ઓનલાઈન ગેસનું બિલ ચૂકવવા જતા તેમના ખાતામાંથી રૂ. 16 લાખ ઉડી ગયા હતા. જાણીએ શું છે સમગ્ર મામલો અને આવી છેતરપિંડીથી કેવી રીતે બચી શકાય છે.
ગેસનું બિલ 514 રૂપિયા હતું
અખબારના એક અહેવાલ મુજબ, 27 માર્ચે એક છેતરપિંડી કરનારે પીડિતાનો મોબાઈલ ફોન દ્વારા સંપર્ક કર્યો અને તેને 514 રૂપિયાનું ગેસ બિલ ચૂકવવાનું કહ્યું. છેતરપિંડી કરનારે પીડિતાને તરત જ બિલ ચૂકવવા માટે દબાણ કર્યું હતું અને એક લિંક મોકલી હતી. આ લિંકની સાથે તેણે પીડિતાને જણાવ્યું હતું કે કઈ રીતે સરળતાથી બિલ ભરી શકાય છે. એવામાં પીડિતાએ બિલ ભરવા માટે તેના ડેબિટ કાર્ડનો ઉપયોગ કર્યો હતો.
રૂ. 16 લાખની થઇ છેતરપિંડી
આ લિંકમાં જયારે પીડિતાએ તેના ડેબિટ કાર્ડની વિગતો દાખલ કરી તેના થોડા જ સમય બાદ પીડિતાને તેના બેંક ખાતામાંથી 49,850 રૂપિયા કપાતનો મેસેજ મળ્યો. જયારે બેંકમાં ચેક કરવા ગયો ત્યારે તેને જાણવા મળ્યું કે કૌભાંડીએ તેના ખાતામાંથી 16,22,310 રૂપિયા ઉપાડી લીધા છે. ત્યારબાદ પીડિતાએ આ છેતરપિંડીની એફઆઈઆર શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આ કેસ છેતરપિંડી સંબંધિત IPCની કલમ 419 અને 420 હેઠળ અને IT એક્ટની જોગવાઈઓ અનુસાર નોંધવામાં આવ્યો છે.
નકલી લિંક કેવી રીતે ઓળખવી?
જ્યારે તમે કોઈ લિંક પર ક્લિક કરો છો, ત્યારે તેનું URL કાળજીપૂર્વક તપાસો. ઘણીવાર એવું જોવા મળે છે કે નકલી લિંક્સના URL માં ભૂલો હોય છે, જેમ કે ખોટા અક્ષરોનો ઉપયોગ અથવા અજાણ્યા ડોમેન. આ પછી પણ જો તમને લાગે કે લિંક ફેક છે તો તમે WHOIS ટૂલનો ઉપયોગ કરીને ડોમેન ઓથોરિટીને ચેક કરી શકો છો. કોઈપણ લિંક ખોલતા પહેલા, Google દ્વારા વેબસાઈટ તપાસો કે તે પ્રમાણિત અને વેરિફાઈડ છે કે કેમ. આ રીતે તમે આવા કૌભાંડોથી બચી શકો છો.