બ્રહ્માંડમાં ફરતા 138 નવા - ડેકામીટર પ્રકારના લઘુગ્રહો શોધ્યા : 6 લઘુગ્રહોનો આકાશી માર્ગ પૃથ્વી ભણીનો છે
- નાસાના અત્યાધુનિક જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે વિશિષ્ટ સંશોધન સાથે રેડ સિગ્નલ પણ આપ્યો
- 2013માં રશિયાના ચેલિયાબિન્સ્ક શહેર પર ત્રાટકેલા ડેકામીટર એસ્ટેરોઇડમાંથી બહાર ફેંકાયેલી ઉર્જા હિરોશીમા શહેર પર ફેકાયેલા ન્યુક્લિયર બોમ્બમાંથી ફેકાયેલી ઉર્જા કરતાં 30 ગણી વધુ હતી
વોશિંગ્ટન/મુંબઇ : અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા)ના અત્યાધુનિક જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ (જે.ડબલ્યુ.એસ.ટી.)અનંત બ્રહ્માંડનાં એક પછી એક રહસ્યોનો અને આશ્ચર્યોનો તાગ મેળવી રહ્યું છે.
આજ અદભુત કામગીરી સાથે જે.ડબલ્યુ.એસ.ટી. એ હમણાં અંતરિક્ષમાં અહીંંતહીં ફરતા નાના કદના કુલ ૧૩૮ નવા લઘુગ્રહો પણ શોધ્યા છે.આમાંના છ(૬) લઘુગ્રહો એવા પણ છે જેમનો આકાશી માર્ગ પૃથ્વી તરફ છે. આ તમામ ૧૩૮ લઘુગ્રહો ડેકામીટર એસ્ટેરોઇડ પ્રકારના છે.
અત્યારસુધીમાં કોઇ સ્પેસ ટેલિસ્કોપે આટલી મોટી સંખ્યામાં નવા લઘુગ્રહો નથી શોધ્યા. આ દ્રષ્ટિએ નાસાના જે.ડબલ્યુ.એસ.ટી.નો આ વિશિષ્ટ રેકોર્ડ છે.
આમ તો નાના કદના લઘુગ્રહો પૃથ્વીથી ઘણા ઘણા દૂરના અંતરેથી પસાર થતા જ હોય છે.
લઘુગ્રહો(ખગોળશાસ્ત્રની ભાષામાં લઘુગ્રહને એસ્ટેરોઇડ કહેવાય છે) મૂળ તો સૂર્યમંડળના લાલ ગ્રહ મંગળ અને મહાકાય ગુરુ ગ્રહ વચ્ચના વિશાળ એસ્ટેરોઇડ બેલ્ટ વિસ્તારના આકાશીપીંડ છે. આવા લઘુગ્રહો તેમની સૂર્ય ફરેતેની ભ્રમણકક્ષામાં ફરતા ફરતા ક્યારેક પૃથ્વી નજીક પણ આવી જતા હોય છે.
હમણાં છેલ્લા બે મહિના દરમિયાન નાના કદના બે-ત્રણ લઘુગ્રહો પૃથ્વીથી દૂરના અંતરેથી પસાર થઇ ગયા હોવાના અખબારી અહેવાલ પ્રસિદ્ધ થયા છે. આ લઘુગ્રહો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે ત્યારે અત્યંત ઝળહળાટ સાથે પ્રચંડ વિસ્ફોટ પણ થાય છે.
નાસાનાં સૂત્રોએ એવી માહિતી આપી છે કે આ નવા લઘુગ્રહો કદમાં એક બસ અને ફૂટબોલના સ્ટેડિયમ જેવડા છે.આવા લઘુગ્રહોને ડેકામીટર એસ્ટેરોઇડ્ઝ કહેવાય છે.આ નવા લઘુગ્રહો કદમાં ભલે નાના હોય પણ તે કદાચ પણ પૃથ્વીના કોઇ હિસ્સા સાથે ટકરાય તો ભારે મોટું જોખમ સર્જાવાની શક્યતા તો રહે જ.
અમારા જે.ડબલ્યુ.એસ.ટી.એ. અફાટ અંતરિક્ષમાં સતત ૯૩ કલાક સુધી દૂર દૂરના અંતરે નજર કરીને એક સાથે ૧૩૮ નવા લઘુગ્રહો શોધ્યા છે. અમે આ ૯૩ કલાકની ઇમેજીસનો ગહન અભ્યાસ કર્યો છે. મહત્વનું સંશોધન તો એ છે કે આ ૧૩૮માં અમુક લઘુગ્રહો અત્યારસુધી શોધાયેલા લઘુગ્રહોમાં સૌથી નાના કદના પણ છે.
જે.ડબલ્યુ.એસ.ટી.માંના અત્યાધુનિક ઇન્ફ્રારેડ કેમેરાની મદદથી અફાટ અંતરિક્ષમાં ગરુડ નજર કરીને એક સાથે ૧૩૮ નવા લઘુગ્રહો શોધ્યા છે. સાથોસાથ આ લઘુગ્રહોમાંથી બહાર ફેંકાતી ઉર્જાની પણ નોંધ કરી છે.
નાસાનાં સૂત્રોએ એવી માહિતી પણ આપી છે કે ૨૦૧૩ની ૧૫,ફેબુ્રઆરીએ સોવિયેત રશિયાના ચેલિયાબિન્સ્ક શહેરના આકાશમાં એક લઘુગ્રહનો અતિ અતિ પ્રચંડ વિસ્ફોટ થયો હતો.૧૮ મીટરના કદનો અને ૯,૧૦૦ ટનનો અતિ ભારેભરખમ ડેકામીટર એસ્ટેરોઇડ(ડેકામીટર પ્રકારનો લઘુગ્રહ) ૧૯ કિલોમીટરની અતિ પ્રચંડ ગતિ(પ્રતિ સેકન્ડ)એ ચેલિયાબિન્સ્કના ગગનમાં પ્રવેશ્યો ત્યારે તેમાંથી જે ઉર્જા બહાર ફેંકાઇ હતી તે ઉર્જા અમેરિકાએ ૧૯૪૫માં જાપાનના હિરોશીમા શહેર પર ફેંકેલા ન્યુક્લિયર બોમ્બની ઉર્જા કરતાં ૩૦ ગણી વધુ હતી.
તે ડેકામીટર એસ્ટેરોઇડના અતિ અતિ પ્રચંડ વિસ્ફોટથી ચેલિયાબિન્સ્ક શહેરનાં ઘણાં ઘરની બારીઓ અને દરવાજા તૂટી ગયાં હતાં.બિલ્ડિંગ્ઝમાં તિરાડો પડી ગઇ હતી. અસંખ્ય લોકોનાં કાનમાં બહેરાશ આવી ગઇ હતી. વિસ્ફોટ પહેલાં જે અત્યંત ઝળહળાટ થયો હતો તે ૧૦૦ કિલોમીટર દૂરના અંતરેથી પણ દેખાયો હતો.
આવા ડેકામીટર પ્રકારના લઘુગ્રહો પૃથ્વીના જે કોઇ હિસ્સા સાથે કદાચ પણ ટકરાય તો જબરું જોખમ સર્જાઇ શકે છે.
જરા કલ્પના કરો કે કોઇ મોટા કદનો અને ભારેભરખમ વજનનો લઘુગ્રહ અતિ પ્રચંડ ગતિએ કદાચ પણ પૃથ્વી સાથે કદાચ પણ ટકરાય તો કેવું --કેટલું જોખમ સર્જાય ? આ દ્રષ્ટિએ નાસાનું જે.ડબલ્યુ.એસ.ટી. અંતરિક્ષ સંશોધન સહિત નાના --મોટા લઘુગ્રહોના સંભવિત જોખમ સામે આગોતરી ચેતવણી આપવાની ઉત્તમ કામગીરી પણ કરી રહ્યું છે.