ખનીજ ચોરી અંગેના ફોટા પાડી રહેલા યુવાન ઉપર પાંચ શખ્સો દ્વારા હુમલો
જોડિયાના ભાદરા ગામની ઉંડ નદીના પટમાં થતી
છરી, ધોકા વડે હુમલો કરી ત્રણ મોબાઇલ તોડી નાખ્યા
જામનગર: જોડિયા તાલુકાના ભાદરા ગામની ઊંડ નદીમાં ગેરકાયદે રીતે ખનીજ ચોરી કરી રહેલા ખાણ માફિયાઓને ઉઘાડા પાડવા માટેની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી રહેલા માલધારી યુવાન પર પાંચ શખ્સોએ છરી અને ધોકા વડે હુમલો કરી દીધો હતો, તેમજ તેના ત્રણ મોબાઈલ ફોન તોડી નાખ્યા હતા. જે મામલે જોડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે.
ધ્રોલ તાલુકાના માવાપર ગામના વતની અને પશુપાલનનો વ્યવસાય કરતા ગોકળભાઈ વહાણભાઈ વરુ નામના ૩૬ વર્ષના યુવાન દ્વારા ખનીજ ચોરી અટકાવવા બાબતે ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કવોર્ડને જરૂરી માહિતી પૂરી પાડવામાં આવતી હતી. જેણે પોતાના જુદા જુદા ત્રણ મોબાઈલ ફોન મારફતે જોડિયા તાલુકાના ભાદરા ગામની સીમ વિસ્તારમાં આવેલી ઉંડ નદીમાં ગેરકાયદે ખનીજ ની ચોરી થતી હોવાથી તેનું વિડીયો શુટીંગ તેમજ ફોટોગ્રાફી કરી રહ્યા હતા.
જે દરમિયાન જોડિયાના યોગેશ ગોઠી, ઉપરાંત બાદનપર નો જીગો ઘેટીયા તેમજ રમીલાબેન નામના લીજ હોલ્ડરનો પુત્ર અને એક હિટાચી મશીન વાળા દરબાર તથા ૩૦ વર્ષની વયનો એક અજાણ્યો માણસ વગેરે પાંચ શખ્સો ધસી આવ્યા હતા અને છરી અને ધોકા વડે હુમલો કરી દઈ ઇજા પહોંચાડી હતી. ઉપરાંત તેની પાસે રહેલા ત્રણ નંગ મોબાઈલ ફોનને તોડી નાખ્યા હતા.જોડિયા પોલીસમાં પાંચેય સામે ફરિયાદ નોંધાવતાં જોડિયા પોલીસે ગુનો નોંધ્યો છે, અને પાંચેય શખ્સોની શોધખોળ હાથ ધરી છે.