ઝીકીયાળી ગામે માતા-બહેનની હત્યા કરનાર યુવાનને આજીવન કેદની સજા
મોરબી અદાલત દ્વારા બે કેસમાં ચૂકાદા
મોરબીમાં બાળકીનું ગળું દબાવી હત્યા કરનાર મહિલા આરોપીને આજીવન જેલની સજા ફટકારાઇ
મોરબી: મોરબીના ઝીકીયારી ગામમાં માતા અને બહેનને રસોઈ બનાવવા બાબતે લોખંડના ધારિયા વડે ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. જે ડબલ હત્યા કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.મોરબીમાં રહેતા પરિવારની ૨ વર્ષની બાળકી પિતાએ જ પ્રેમિકાને સોપી હોય અને ઘરેથી ફોટો પડાવવાના બહાને પ્રેમિકા સાથે મોકલી દીધી હતી જે બાળકીનું ગળું દબાવી મહિલા આરોપીએ હત્યા કરતા જેને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.
ઝીકીયારી ગામે રહેતા દેવશીભાઈએ તા.૮-૧૧-૨૦૨૦માં તેની માતા કસ્તુરબેન અને બહેન સંગીતાને ધારિયાના ઘા મારી દેતા બંને લોહીલુહાણ હાલતમાં ઘરમાં પડયા હતા. રાત્રીના રસોઈ બનાવવા બાબતે માતા કસ્તુરબેન અને બહેન સંગીતાબેન બંને બોલાચાલી કરતા હોય અને દેવશીભાઈ સવજીભાઈ ભાટિયાએ એકને રસોઈ બનાવવાનું કહેતા બંનેએ રસોઈ કરી ના હોય. જેથી દેવશીભાઈએ ગુસ્સે થઈને ધારીયા વડે માતા કસ્તુરબેન અને બહેન સંગીતાને ધારીયાનો ઘા ઝીંકી દેતા મોત થયું હતું. જે બનાવ મામલે મૃતકના સગાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો હતો.
મોરબી કોર્ટે આરોપી દેવશીભાઈ ઉર્ફે કાળુભાઈ સવજીભાઈ ભાટિયાને આજીવન કેદની સજા અને રૂા. ૧૦ હજાર દંડ તેમજ દંડ ના ભરે તો વધુ ૬૦ દિવસની સાદી કેદની સજા ફટકારી છે.
ગત તા.૨-૦૩-૨૦૧૯ના રોજ સુરતના રહેવાસી રીનાબેન ધવલભાઈ ત્રિવેદી નામની મહિલાએ આરોપી પતિ ધવલભાઈ માધવલાલ ત્રિવેદી, તેની પ્રેમિકા રસ્મીબેન દિવ્યેશભાઈ વરિયાવાલા, ફરિયાદીના જેઠ સંજયભાઈ ત્રિવેદી અને સસરા માધવલાલ ત્રિવેદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પતિ ધવલ ત્રિવેદીએ તેની પ્રેમિકા રસ્મીબેન સાથે દીકરી યસ્વી (ઉ.વ.૨ વર્ષ ૭ માસ)ને ભગાડી લઇ ગયેલ. જેમાં જેઠ અને સસરાએ મદદ કરી હતી. મહિલા આરોપી રશ્મિબેને યસ્વીનું મોઢું સોફામાં દબાવી પછાડી દઈને ઈજા કરી મોત નીપજાવ્યું હતું.
જે હત્યા કેસ પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ, મોરબીની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી રસ્મીબેન દિવ્યેશભાઈ વરિયાવાળાને આજીવન કેદની સજા અને રૂ ૧૦ હજારનો દંડ તેમજ દંડ ના ભરે તો વધુ ૬૦ દિવસની સજા ફટકારી છે. બન્ને કેસમાં જિલ્લા સરકારી વકીલ વિજયકુમાર જાનીએ દલાલો રજૂ કરી હતી.