રોજગારીની માંગ સાથે ભુજોડીના યુવાનોએ કંપની સામે ધરણા કર્યા
ગામના શિક્ષિત યુવાનોને નોકરીએ ન રાખી કરાતો અન્યાય
આશાપુરા ઓઈલ રિફાઈન્ડ કંપનીમાં પ્રવેશ કરતી બસને રોકી યુવાનોએ વિરોધ કરી ધરણા પ્રદર્શન કર્યા
ભુજોડી ગામના સ્થાનિક ૧૫૦થી વધુ બેરોજગાર શિક્ષિત યુવાનોએ આજે આશાપુરા ઓઈલ રિફાઈન્ડ કંપની બહાર ધરણા પ્રદર્શન કર્યા હતા. ગામમાં આઈટીઆઈ, એન્જિનિયર અને સ્નાતકની ડિગ્રી ધરાવતા યુવાનો હોવા છતાં કંપની દ્વારા નોકરી પર રાખવામાં આવતા ન હોઈ આ બાબતે આજે યુવાનોએ કંપનીમાં પ્રવેશ કરતી બસને રોકી દઈને ધરણા પર બેસી ગયા હતા. જેના પગલે કંપનીના સતાધીશોમાં પણ દોડધામ મચી હતી. મામલો વધુ ન બીચકે તે માટે પોલીસ પણ દોડી આવી હતી.
ભુજોડી ગામના કિશન મંગરીયાએ જણાવ્યું હતું કે, ભુજોડી ગામમાં શિક્ષિત યુવાનો છે તેમ છતાં કંપની દ્વારા કોન્ટ્રેક પ્રક્રિયા દ્વારા બારાતુ યુવાનોને નોકરીએ રાખવામાં આવે છે. સ્થાનિક યુવાનોની અવગણના કરવામાં આવે છે. શ્રમકાર્યથી માંડીને ટેકનીકલ લાઈનમાં ખાલી પડેલી જગ્યાઓ પર સ્થાનિક યુવાનોને નોકરી પર રાખવાની માંગ સાથે યુવાનો કલાકો સુધી અડગ રહ્યા હતા. આખરે મોડી સાંજે કંપની દ્વારા સમાધાન થયા બાદ હડતાલનો અંત આવવા પામ્યો હતો. બીજીતરફ, કંપનીના વીરેનભાઈએ જણાવ્યું હતું કે, કંપની નિયમોનુસાર રોજગારી આપી રહી છે. અન્ય આક્ષેપોને ફગાવ્યા હતા.