યુવક મહોત્સવઃ ગત વર્ષની તુલનાએ આ વર્ષે લોકનૃત્યમાં 5, લોકવાદ્ય અને માઈમમાં 3-3 ટીમનો ઘટાડો
- રાષ્ટ્રીય સ્તરે શિરમોર રહેલી યુનિ.ની કૃતિઓમાં આ વર્ષે ટીમ-વિદ્યાર્થીઓની ઓછી હિસ્સેદારીથી કલાના પિયર ભાવેણાં માટે ચિંતાનો વિષય
- ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વ્યકિગત અને જૂથ સ્પર્ધામાં 130 વિદ્યાર્થીઓની ઘટ નોંધાઈ : સમૂહ ગીતમાં પણ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે અર્ધી જ ટીમોની હિસ્સેદારી
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં આવતીકાલ તા.૧૬ને બુધવારથી ૩૨માં આંતર કૉલેજ સ્પર્ધાત્મક યુવક મહોત્સવનો પ્રારંભ થશે. જો કે, આવતીકાલ બુધાવેર સાંજે પાંચ કલાકે માત્ર કલાયાત્રા જ યોજાશે. જયારે, તા.૧૭ના રોજ ઉદ્દઘાટન સમારોહ સાથે તા.૧૭ અને તા.૧૮ એમ સતત બે દિવસ દરમિયાન નૃત્ય, નાટય, સંગીત, કળા અને સાહિત્ય એમ અલગ-અલગ પાંચ મંચ પર ૩૧ સ્પર્ધાઓ યોજાશે. આ તમામ ૩૧ સ્પર્ધાઓમાં યુનિ. સંલગ્ન અને સંચાલિત કૉલેજ અને ભવનના મળી કુલ ૬૭ સંસ્થાના ૧૦૪૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. જો કે, વર્ષ-૨૦૨૨માં યોજાયેલા યુનિ.ના ૩૦માં આંતર કૉલેજ સ્પર્ધાત્મક યુવક મહોત્સવની સરખામણીએ આ સંખ્યા ઘણી વધુ નોંધાઈ છે. પરંતુ,ગત વર્ષની સરખામણીએ આ વર્ષે આ મહોત્સવમાં જોડાવા માટે વિદ્યાર્થી આલમમાં ઓટ જોવા મળી હોય તેવું બન્ને વર્ષના મહોત્સવના આંકડા પરથી જણાય છે. યુનિ.ના સૂત્રોેના જણાવ્યાનુંસાર, ગત વર્ષે યોજાયેલાં યુનિ.ના ૩૧માં આંતર કૉલેજ સ્પર્ધાત્મક યુવક મહોત્સવમાં અલગ-અલગ ૩૧ સ્પર્ધામાં કુલ ૧૧૭૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.જેની સરખામણીએ આ વર્ષે યુનિ.ના ૩૨માં આંતર કૉલેજ સ્પર્ધાત્મક યુવક મહોત્સવ ભાવસ્પંદનમાં ૧૦૪૧ વિદ્યાર્થીઓએ જ વિવિધ સ્પર્ધામાં દાવેદારી નોંધાવી છે.એટલે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વિવિધ સ્પર્ધાઓમાં ૧૩૦ વિદ્યાર્થી સંખ્યા ઓછી નોંધાઈ છે. ટકાવારીની દ્રષ્ટીએ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે યુવક મહોત્સવમાં અલગ-અલગ સપર્ધામાં સરેરાશ ૧૧ ટકા વિદ્યાર્થીઓએ સહભાગી થવાનું ટાળ્યું છે.
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સમૂહ ગીત, લોકનૃત્ય અને માઈમ(મૂક અભિનય)માં અર્ધી જ ટીમોએ દાવેદારી નોંધાવી છે. ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે સમૂહ ગીત સ્પર્ધામાં અલગ-અલગ કૉલેજ-ભવનની મળી કુલ ૧૫ ટીમમાં ૭૯ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.જેની સરખામણીએ આ વર્ષે માત્ર ૭ ટીમમાંથી ૪૨ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. ઉપરાંત, યુવક મહોત્સવના હૃદય સમાં લોકનૃત્ય અને આદિવાસી નૃત્યમાં ગત વર્ષે ૧૮ ટીમોમાંથી ૧૭૭ વિદ્યાર્થીઓએ ભાગ લઈ મહોત્સવમાં પ્રાણ પુરી દિધો હતો. જેની સામે આ વર્ષે પાંચ ટીમનો ઘટાડો નોંધાયો છે. એટલે કે આ વર્ષે માત્ર ૧૩ ટીમમાંથી ૧૩૦ વિદ્યાર્થીઓ જ આ સ્પર્ધામાં ભાગ લેશે. આ પણ અધુરૂં હોય તેમ મૂક અભિનયમાં ગત વર્ષે ૧૨ ટીમોએ ભાગ લીધો હતો.જેની સરખામણીએ આ વર્ષે માત્ર ૯ ટીમો જ નોંધાઈ છે.આ સાથે લોકવાદ્ય અને સંગીતવાદ્યમાં પણ ગત વર્ષની સરખામણીએ ૩ ટીમનો ઘટાડો નોંધાયો છે.ગત વર્ષે આ સ્પર્ધામાં ૬ ટીમોએ ભાગ લીધો હતો.આ વર્ષે માત્ર ૩ જ ટીમો ભાગ લેશે.જો કે, અન્ય જૂથ (ટીમ) અને વ્યકિગત સ્પર્ધાઓમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વિદ્યાર્થી દાવેદારીમાં નોંધપાત્ર વધારો કે ઘટાડો નોંધાયો નથી. તે અત્રે નોંધનિય છે.
મહત્વપૂર્ણ છે કે, ભાવનગરના આંગણે યોજાતાં આંતર કૉલેજ સ્પર્ધાત્મક યુવક મહોત્સવમાં ન માત્ર શૈક્ષણિક સંસ્થાઓ પરંતુ, સમગ્ર શહેરીજનો માટે લોકનૃત્ય, લોકવાદ્ય અને સંગીતવાદ્ય, માઈમ, એકાંકી, સ્કીટ અને વકતૃત્વ સ્પર્ધાને માણવા ઉમટી પડતા હોય છે.આ તમામ સ્પર્ધાઓની રજૂ થતી કૃતિનું સ્તર અને ગુણવતા એ હદની હોય છે કે તે ન માત્ર સ્થાનિક પરંતુ, રાષ્ટ્રીય કક્ષાના આંતર યુનિ.કે ઝોન કક્ષાના યુવક મહોત્સવમાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવતી હોય છે. જો કે, આ વર્ષે આ આકર્ષણના કેન્દ્રબિંદુ સમી તમામ સ્પર્ધાઓમાં ટીમ અને વિદ્યાર્થીઓની ઓછી હિસ્સેદારીના કારણે ભાવેણાંના કલામર્મજ્ઞા અને કલાપારખું શ્રોતાજનો માટે ચિંતાનો વિષય બન્યો છે.
આજે સાંજે કલાયાત્રા, કાલથી યુવક મહોત્સવનો પ્રારંભ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના આંગણે આવતીકાલ તા.૧૬થી સતત ચાર દિવસીય ભાવ સ્પંદન શિર્ષક તળે ૩૨મો આંતર કૉલેજ સ્પર્ધાત્મક યુવક મહોત્સવ યોજાશે. જેમાં કાલે બુધવારે સાંજે પાંચ કલાકથી કલાયાત્રાનું શહેરના વાઘાવાડી રોડ સ્થિત શામળદાસ આર્ટસ કૉલેજથી પ્રસ્થાન થશે. જે ગુલિસ્તા મેદાન, આતાભાઈ ચોક, રૂપાણી થઈ સરદારનગર સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે સમાપન થશે.આ યાત્રામાં અંદાજે સાતથી વધુ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ વિવિધ વેશભૂષા, ફલોટ્સ સાથે હાજરી આપશે. ઉપરાંત, અન્ય ચારેક જેટલી કૉલેજ-ભવન સયુંક્તપણે યાત્રામાં વિવિધ વેશભૂષા, પાત્રો સાથે જોડાશે. જો કે, આ દિવસે માત્ર યાત્રા જ યોજાશે. જયારે, તા.૧૭ના રોજ સવારે ૧૦ કલાકે યુનિ. એમ્ફીથિયેટર ખાતે ઉદ્ધાટન સમારોહ યોજાશે.તા. ૧૭ અને તા.૧૮ એમ સતત બે દિવસ દરમિયાન અલગ-અલગ પાંચ વિભાગની ૩૧ સ્પર્ધાઓ યોજાશે. જયારે, તા.૧૯ના રોજ સવારે ૧૦ કલાકે એમ્ફી થિયેટર ખાતે સમાપન સમારોહ યોજાશે. ઉદ્ધાટન અને સમાપન બન્ને સમારોહમાં રાજકીય મહેમાનો તથા લોકકલા સાથે જોડાયેલાં કલાકારો મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે.
ઘટમાં ઘોડા થનગને, યૌવન વિંઝે પાંખ : આજથી રવિવાર સુધી કેમ્પસ વાઈબ્રન્ટ બનશે
મ.કૃ.ભાવનગર યુનિ.ના ૩૨માં આંતર કૉલેજ સ્પર્ધાત્મક યુવક મહોત્સવ ભાવ સ્પંદનને લઈ યુનિ.ના નવા કેમ્પસમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. આમ તો કાલે બુધવારે જુના કેમ્પસ સ્થિત શામળદાસ કૉલેજ ખાતેથી પરંપરાગત રીતે કલાયાત્રા નિકળવાની છે ત્યારે આ કેમ્પસમાં પણ સવારથી જ વિદ્યાર્થીઓ, અધ્યાપકોની દોડધામ સામાન્ય કરતાં બમણી જોવા મળી હતી. જયારે,ગુરૂવારથી શનિવાર સુધી નવા કેમ્પસમાં જ યોજાનાર તમામ પાંચેય મંચ તળેની વિવિધ ૩૧ સ્પર્ધાઓને લઈ હાલ અહીં પણ તૈયારીઓ અને આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જો કે, શનિવાર બપોર બાદ આ જ સ્થળે સૌરાષ્ટ્ર લોકમંથન પણ યોજાનાર છે ત્યારે રવિવાર સુધી કેમ્પસમાં વિદ્યાર્થી-વાલીઓ, શ્રોતાઓ અને દર્શકોથી કેમ્પસ ધબકતું રહેશે.