Get The App

તરૂણીએ ડ્રગ્સ પેડલરોની સ્ટોરી ઉપજાવી કાઢી હતી, હેરાન કરતા શખ્સ સામે પોક્સો

Updated: Oct 28th, 2021


Google NewsGoogle News
તરૂણીએ ડ્રગ્સ પેડલરોની સ્ટોરી ઉપજાવી કાઢી હતી, હેરાન કરતા શખ્સ સામે પોક્સો 1 - image


- રાજકોટમાં પોલીસને ધંધે લગાડનાર તરૂણીએ આખરે હકીકતો જણાવી

- પરાણે સંબંધ બાંધવાનું કહેનાર શખ્સ રાત્રે ઘરે મળવા આવતા માતા-પિતા પાસે ભાંડો ન ફૂટે તે માટે ફીનાઈલ પી લીધું હતું

રાજકોટ : શહેરના આકાશવાણી ચોક વિસ્તારમાં રહેતી એક તરૂણીએ ગઈ તા.રપ મીએ ફીનાઈલ પી લેતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં તેણે પોલીસને ડ્રગ પેડલરોના ત્રાસને કારણે આ પગલું ભરી લીધાની સ્ટોરી જણાવી હતી. પરંતુ પોલીસ તપાસમાં આ સ્ટોરી ખોટી નિકળી છે. તરૂણીએ પોતાની સાથે ધરાર સંબંધ બાંધવાનું કહેનાર શખ્સ ઘરમાં ઘુસી જતા તેનો ભાંડો વાલીઓ પાસે ન ફુટે તે માટે ડ્રગ્સ પેડલરોની આખી સ્ટોરી ઉપજાવી કાઢી હતી.

તરૂણીએ પોલીસને એવી સ્ટોરી જણાવી હતી કે તેના બ્યુટી પાર્લરમાં આવતી એક મહિલા તેને બ્લેકમેઈલીંગ કરી ડ્રગ્સના પડીકા વેંચવા મજબુર કરતી હતી. એટલુ જ નહી આ મહિલાના એક પાર્ટનર નવાબે ગઈ તા.ર૪ ના રોજ રાત્રે તેના ઘરે આવી ડ્રગ્સની કોથળીઓ રાખવા માટે દબાણ કરતા તેને કારણે પોતે ફીનાઈલ પી લીધું હતું. 

ગંભીર એવી આ માહિતીના આધારે ગાંધીગ્રામ પોલીસે તપાસ શરૂ કરી હતી. આ માટે તરૂણીના પરીવારજનોની પુછપરછ કરી હતી. જે તારીખે નવાબે ઘરે આવીને ધાક-ધમકી આપ્યાનું તરૂણીએ જણાવ્યુ હતું તે વખતે ઘરમાં તેની વૃધ્ધ દાદી હાજર હતા. 

જેની પોલીસે પુછપરછ કરતા કહ્યું કે ગઈ તા.ર૪ મીએ રાત્રે ૧૧ વાગ્યે હોલમાં તે પૌત્રી સાથે ટીવી જોતા જોતા હોલમાં જ સુઈ ગયા હતા. રાત્રે કવાર્ટરનો દરવાજો ખટખટાવવાનો અવાજ આવતા ઉઠી ગયા હતા. લાઈટ ચાલુ કરી જોતા એક યુવાન દેખાયો હતો. જેથી તેને પોતે બે તમાચા ઝીંકી દીધા હતા. આ વખતે તેની પૌત્રી રૂમમાં જોવા મળી ન હતી. દેકારો થતા યુવક ઘરમાંથી બહાર ભાગી ગયો હતો. 

તેના ગયા બાદ પૌત્રીને પુછતા તેણે તે યુવકને ઓળખતી નહી હોવાનું કહ્યું હતું. 

આ સ્થિતિમાં પોલીસે તરૂણીએ જે મહિલા પોતાને ડ્રગ્સ વેચવા માટે દબાણ કરતી હોવાનું કહ્યું હતું તે મહિલાની પુછપરછ કરતા તરૂણીના બ્યુટીપાર્લરમાં પોતે કયારે પણ નહી ગયાનું કહ્યું હતું.

આ ઉપરાંત તેના કહેવાતા પાર્ટનર નવાબને પણ નહી ઓળખતા હોવાનું કહ્યું હતું. આ રીતે તરૂણી અને તેના પરીવારજનો અને અન્યોના નિવેદનમાં વિરોધાભાસ જણાતા પોલીસે તરૂણીને વિશ્વાસમાં લઈ હિમત આપી પુછપરછ કરતા તેણે સત્ય હકીકતો જણાવી હતી. 

તેણે પોલીસને કહ્યું કે ગઈ તા.ર૪ ના રોજ રાત્રે તેના ઘરે રૈયા ગામમાં રહેતો શહેજાદ મહમદ જોગીશા તેને મળવા આવ્યો હતો. જેની જાણ તેના માતા-પિતાને થાય તો તેઓ ખીજાઈ તેવી બીક લાગતા પોતે નવાબ નામનો શખ્સ ડ્રગ્સ આપવા આવ્યાની અને ડ્રગ્સની કોથળીઓ પરાણે રાખવા માટે દબાણ કરતા ફીનાઈલ પી લીધાની સ્ટોરી ઘડી હતી. 

વાસ્તવમાં નવાબ નામનો કોઈ શખ્સ ન હતો. પરંતુ શહેજાદ સાથે તેની ઈન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડશીપ થયા બાદ તે અવાર-નવાર તેનો પીંછો કરી, પ્રેમ સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. પોતે ના પાડવા છતાં તા.ર૪ મીએ તેના ઘરે આવી પરાણે પ્રેમ સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું. આ વાતની દાદી થકી માતા-પિતાને જાણ થશે તો ખીજાશે તેવો ડર લાગતા ફીનાઈલ પી લીધું હતું. 

તરૂણીએ આપેલી આ માહિતીના આધારે પોલીસે આરોપી શહેજાદ સામે આઈપીસી કલમ ૩૫૪ (ડી) અને પોકસો એકટ હેઠળ ગુનો નોંધી અટકાયત કરી હતી. 

તરૂણીએ પોલીસને એમ કહ્યું કે જે તે વખતે મિડિયામાં સતત ડ્રગ્સની માહિતી આવતી હોવાથી તેના ઉપરથી તેણે ડ્રગ્સની આખી સ્ટોરી ઘડી કાઢી હતી. 


Google NewsGoogle News