ભાવનગરની લોકસભા બેઠકની ચૂંટણી માટે બીજા દિવસે વધુ 26 ઉમેદવારી ફોર્મનો ઉપાડ
- લોકસભાની ચૂંટણી લડવા વધુ 12 ઉમેદવારે ફોર્મનો ઉપાડ કર્યો
- બે દિવસમાં 26 ઉમેદવારે 62 ઉમેદવારી ફોર્મનો ઉપાડ કર્યો પરંતુ એક પણ ઉમેદવારે હજુ ફોર્મ ભર્યુ નથી
ભારતમાં લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાવાની છે, જેમાં ભાવનગર સહિત ગુજરાતની લોકસભાની ર૬ બેઠક માટે ત્રીજા તબક્કામાં આગામી તા. ૭ મેના રોજ ચૂંટણી યોજાશે. ગત શુક્રવારે જાહેરનામુ બહાર પડયુ હતુ અને ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ થયો હતો. ગત શુક્રવારે પ્રથમ દિવસે ૧૪ ઉમેદવાર ૩૬ ઉમેદવારી ફોર્મ લઈ ગયા હતા પરંતુ કોઈ ઉમેદવારે ફોર્મ ભર્યુ ન હતું. ત્યારબાદ શનિ અને રવિવારની રજાના પગલે ચૂંટણીને લગતી કામગીરી બંધ રાખવામાં આવી હતી. આજે સોમવારે ચૂંટણીની કામગીરી ફરી શરૂ થઈ હતી. આજે વધુ ૧ર ઉમેદવારે ર૬ ફોર્મ ઉપાડયા હતા પરંતુ આજે બીજા દિવસે પણ કોઈ ઉમેદવારે ફોર્મ ભર્યા નથી તેમ ચૂંટણી શાખાના સુત્રોએ જણાવેલ છે. ભાવનગર લોકસભા બેઠક પર બે દિવસમાં ર૬ ઉમેદવારે ૬ર ઉમેદવારી પત્રોનો ઉપાડ કર્યો છે પરંતુ કોઈ ઉમેદવારે ફોર્મ ભર્યુ નથી.
આગામી બુધવારે રામનવમીની રજા છે તેથી ઉમેદવારો પાસે હવે ઉમેદવારી પત્રો ભરવા માટે માત્ર ત્રણ દિવસ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સવારે ૧૧ થી બપોરના ૩ કલાક દરમિયાન ભાવનગરની જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરી શકાશે. ઉમેદવારી પત્રો આગામી તા. ૧૯ એપ્રિલ સુધી ભરી શકાશે. આગામી તા. ૨૦ એપ્રિલે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે અને આગામી તા. ૨૨ એપ્રિલ સુધીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. આગામી તા. ૭ મેના રોજ મતદાન થશે અને આગામી તા. ૪ જૂને મત ગણતરી થશે. ચૂંટણી ફોર્મનુ વિતરણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી થઈ રહ્યુ છે અને ઉમેદવારનુ ચૂંટણી ફોર્મ જિલ્લા ચૂંટણી અધિકારી સ્વિકારશે.
આજે બંને મુખ્ય પાર્ટીના ઉમેદવારો ફોર્મ ભરશે
ભાવનગર લોકસભા બેઠક પર ગત શુક્રવારથી ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ થયો છે પરંતુ કોઈ ઉમેદવારે હજુ ઉમેદવારી પત્રો ભર્યા નથી. આવતીકાલે તા. ૧૬ એપ્રિલને મંગળવારે મુખ્ય પાર્ટી એટલે કે ભાજપ અને ઈન્ડીયા ગઠબંધનના આપના ઉમેદવાર ઉમેદવારી ફોર્મ ભરશે. આ બંને ઉમેદવારો ઉમેદવારી પત્રો ભરશે ત્યારે તેની સાથે તેના પક્ષના કેટલાક મોટા નેતાઓ અને સમર્થકો હાજર રહેશે.
ઉમેદવારી પત્ર ભરવા હવે ત્રણ દિવસ બાકી હોવાથી ધસારો વધશે
ભાવનગર લોકસભા બેઠકની ચૂંટણી લડવા માટે ઘણા ઉમેદવારો ઉમેદવારી ફોર્મ લઈ ગયા છે પરંતુ હજુ કોઈ ઉમેદવારોએ ફોર્મ ભર્યા નથી. ઉમેદવારી ફોર્મ ભરવા માટે હવે માત્ર ત્રણ દિવસ રહ્યા છે તેથી ઉમેદવારી પત્રો ભરવા ઉમેદવારોનો ધસારો વધશે તેમ ચર્ચાય રહ્યુ છે. આગામી તા. ૧૯ એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે ત્રણ દિવસમાં કેટલા ઉમેદવારી પત્રો ભરાય છે ? તેની રાહ જોવી જ રહી.