વિલિંગ્ડન, આણંદપુર, હસનાપુર ડેમ, નરસિંહ તળાવ ઓવરફ્લો
ગિરનાર, દાતાર પર્વત અને જંગલ વિસ્તારમાં ભારે વરસાદથી
રાજકોટ : ગત રાતથી જૂનાગઢના ગિરનાર દાતાર પર્વત જંગલ તેમજ જિલ્લામાં ભારે વરસાદ પડતા આજે જૂનાગઢને પાણી પૂરૃ પાડતા વિલીંગડન ,આણંદપુર,હસનાપુર ડેમ તેમજ શહેરની મધ્યમાં આવેલું નરસિંહ તળાવ ઓવરફ્લો થઈ ગયું હતું.અને લોકોમાં આનંદ છવાયો હતો.
જૂનાગઢને પાણી પૂરૃં પાડતા જળાશયો છલકાઈ જતા લોકોમાં ખુશી,મનપાના શાસકોએ નવા નીરનાં વધામણાં કર્યા
જૂનાગઢ જિલ્લામાં ગત રાત્રીથી ધીમીધારે વરસાદ વરસ્યો હતો.જ્યારે આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૃ થયો હતો.ગિરનાર, દાતાર પર્વત અને જંગલ વિસ્તારમાં તેમજ વિસાવદર પંથકમાં મુશળધાર વરસાદ થયો હતો.ગિરનાર દાતાર પર્વત વિસ્તારમાં થયેલા ભારે વરસાદના કારણે જૂનાગઢને પાણી પુરૃ પાડતા વિલિંગડન ડેમ,હસનાપુરડેમ આણંદપુર ડેમ ઓવરફલો થઈ ગયા હતા.સોનરખ નદી અને કાળવા નદીમાં ઘોડાપુર આવ્યું હતું.અને દામોદરકુંડ ખાતે ભારે પાણી આવ્યું હતું.જ્યારે કાળવા નદીનું પાણી આવતા શહેરની મધ્યમાં આવેલું નરસિંહ તળાવ ઓવરફલો થઈ ગયું હતું.જેના લીધે શહેરના ઝાંઝરડા રોડ પર અન્ડરબ્રિજ ખાતે પાણી ભરાયું હતું.
આ ઉપરાંત જોશીપરા અન્ડરબ્રિજ,તળાવ દરવાજા ,વૈભવચોક,મોતીબાગ રેલવેસ્ટેશન સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
જૂનાગઢને પાણી પુરૃ પાડતા જળાશયો છલકાઈ જતા આજે બપોરબાદ મનપાના શાસકોએ નવા નીરના વધામણાં કર્યા હતાં