દારૂ નહીં પીવાનું કહેનાર પત્નીની પતિના હાથે હત્યા
કોટડાસાંગાણી તાલુકાના રાજપરાની ઘટના
લાકડાના કટકાનો ઘા માથામાં ઝીંકી દીધો હતો, કોટડાસાંગાણી પોલીસે આરોપીને સકંજામાં લીધો
કોટડાસાંગાણી પોલીસના જણાવ્યા પ્રમાણે હત્યાનો ભોગ બનનાર બાટીબાઇ અને તેનો પતિ મૂળ એમપીના વતની છે. છેલ્લા છ મહિનાથી રાજપરા ગામે વાડી વાવે છે. સંતાનમાં ચાર પુત્ર અને અને એક પુત્રી છે. બે દિવસ પહેલા રાત્રે સુસિંગ દારૂ પીવા બેઠો ત્યારે પત્ની બાટીબાઇએ તેને દારૂ પીવાની ના પાડી હતી. આ બાબતે બંને વચ્ચે રાત્રે જ ઝઘડો થયો હતો.
સવારે બંને વચ્ચે ફરીથી ઝઘડો થતાં આવેશમાં આવી સુસિંગે પત્ની બાટીબાઇને માથામાં લાકડાનો કટકો ઝીંકી દીધો હતો. જો કે તેને પત્નીનું મોત થયાની જાણ થઇ ન હતી. જે દિવસે રાત્ર ેઝઘડો થયો ત્યારે અને બીજા દિવસે સવારે બાટીબાઈએ પુત્ર મુન્નાને તેનો પિતા ઝઘડો કરતો હોવાની જાણ કરી હતી. બાટીબાઇની હત્યા બાદ તેનો પુત્ર વાડીએ પહોંચ્યો ત્યારે માતા બેભાન હાલતમાં મળી હતી.
જેથી તેણે વાડી માલિકને જાણ કરી હતી. જેણે ગામના સરપંચને જાણ કરતા આખરે કોટડાસાંગાણી પોલીસને જાણ થઇ હતી. જેથી તેનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. જરૂરી કાર્યવાહી કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટની સિવિલમાં ખસેડયો હતો. પોસ્ટમોર્ટમ બાદ તબીબોએ આપેલા રિપોર્ટના આધારે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપી પતિ સુસિંગને સકંજામાં લઇ તપાસ આગળ ધપાવી છે.