વલ્લભીપુરના પાટણા ગામ પાસે કાર પલટી જતાં પરિણીતાનું મોત
- વીકળિયાનો પરિવાર કાર લઈ સુરત જવા નીકળ્યો હતો
- રસ્તાના ખાડાના કારણે અકસ્માત સર્જાયો, પિતા અને બે બાળકોને ઈજા
બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગઢડાના વીકળિયા ગામે રહેતા સંજયભાઈ કમાભાઈ ઘાઘળ આજે શનિવારે વહેલી સવારના સમયે તેમના પત્ની ભાવનાબેન તેમજ બે બાળકો સાથે અર્ટીકા કાર નં.જીજે.૦૫.આરપી.૨૭૫૪ લઈ સુરત ખાતે જવા નીકળ્યા હતા. ત્યારે વહેલી સવારના છ વાગ્યા આસપાસ બરવાળા તરફ જતી વેળાએ વલ્લભીપુરના પાટણા ગામ પાસે પહોંચતા રસ્તામાં મોટો ખાડો આવ્યો હતો. જેના કારણે કારચાલક સંજય ઘાઘળે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા કાર રોડની સાઈડમાં ઉતરી પલટી મારી ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં ભાવનાબેનને ગંભીર ઈજા થતાં તેમનું મૃત્યુ થયું હતું. જ્યારે કારચચાલક અને બે બાળકોને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કાર પલટી જતાં મોતને ભેટેલા ભાવનાબેનના મૃતદેહનું બરવાળા સરકારી હોસ્પિટલમાં પોસ્ટમાર્ટમ કરવામાં આવ્યું હતું. ઘટના સંદર્ભે અરજણભાઈ ભુરાભાઈ ઘાઘળ (ઉ.વ.૫૦, રહે, વીકળિયા, તા.ગઢડા)એ તેના ઈજાગ્રસ્ત ભત્રીજા સંજય કમાભાઈ ઘાઘળ સામે વલ્લભીપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૨૭૯, ૩૦૪એ, ૩૩૭, ૩૩૮ અને એમવી એક્ટની કલમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.