ભાવનગર જિલ્લામાં નબળી ગુણવત્તાના બીયારણો ધાબડી દેવાતા હોવાની વ્યાપક રાવ
- ખેડૂત કલ્યાણ સંગઠન દ્વારા તંત્રવાહકોની પોલ ખુલ્લી કરાઈ
- મહુવા અને તળાજા પંથકમાં શીંગના બીયારણમાં પથ્થર ભેળવાતો હોવાનો ખેડૂત આગેવાનોનો આક્ષેપ
ભાવનગર જિલ્લામાં ખેતીવાડી વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સઘન તપાસ કરાવી નકલી ભેળસેળયુકત બીયારણો અને રાસાયણિક ખાતરો તેમજ દવાઓનું વેચાણ બંધ કરાવવામાં નહિ આવે તો તેના વિરોધમાં ખેડૂત કલ્યાણ સંઘના આગેવાનો દ્વારા આઠ દિવસ બાદ ભાવનગર ખેતી નિયામકની કચેરી, જિલ્લા ખેતીવાડી, કલેકટર કચેરીએ આવેદનપત્રો પાઠવી તંત્રવાહકોની મનમાનીભરી કાર્યપધ્ધતિની પોલ ખુલ્લી કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લા ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ પી.વાળા (તરેડીવાળા)એ આ ગંભીર બાબતે એક નિવેદનમાં આક્રોશભેર જણાવ્યુ હતુ કે, ટૂંક સમયમાં યુરીયા ખાતરની તાતી જરૂરીયાત પડશે ત્યારે ખેડૂતોની લાંબી લાઈનો થશે તેથી યુરીયા ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ફાળવવામાં આવે તેવુ ખેડૂતો ઈચ્છી રહ્યા છે. કપાસના ત્રણ ગણા ભાવના બદલે કેન્દ્ર સરકારે એક મણ કપાસના ટેકાનો ભાવ રૂા ૧૪૨૧ અને ૫ પૈસા જાહેર કરતા તેનાથી ખેડૂતો બરબાદ થવાના છે. તમામ ખેત પેદાશોના ટેકાના ભાવ ખુબ જ ઓછા છે. તે અંગે ફેર વિચારણા કરી ત્રણ ગણા ભાવ વધારી આપવામાં આવે તેમજ વડાપ્રધાનની ખાત્રી મુજબ સ્વામીનાથન કમિટીનું પાલન કરવામાં આવે તે જરૂરી છે.કપાસ અને શીંગનું બિયારણ નકલી અને ભેળસેળયુકત વેચાઈ રહ્યુ છે. રાજયના તમામ જિલ્લાઓમાં બિયારણ અલગ અલગ ભાવે વેચાઈ રહ્યુ છે.