વલ્લભીપુરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વ્યાપક ગોટાળાની રાવ
પાલિકા નગર સેવકે ચીફ ઓફીસર સામે કર્યાં આક્ષેપ
પાંચ નંબરના ડીપીઆરમાં ૧૮૮ લાભાર્થીની યાદી હતી જેમાં ફેરફાર કરી એગ્રીમેન્ટ કરાવાતા હોવાની ફરિયાદ
વલ્લભીપુર: વલ્લભીપુરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અમલી બનાવાઇ અને હપ્તા પાડવામાં કે લાભાર્થીની યાદીમાં છેડછાડ કરી લાગતા વળગતાના એગ્રીમેન્ટ થતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. જ્યારે પાલિકાના ચીફ ઓફીસરના આંખ આડા કાન કરવાની નીતિ સામે નગરસેવકે આક્ષેપ કરી ચાલી રહેલા ગોટાળા સામે અવાજ ઉઠાવ્યો છે.
ેવલ્લભીપુરમાં સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાલિકા હદ વિસ્તારમાં ગરીબ લોકોના મકાનો બનાવી આપવાની યોજના ચાલી રહી છે જેમાં પહેલેથી ખૂબ મોટાપાયે ભષ્ટ્રાચાર અને ગોલમાલ ચાલી રહી હોય તેમજ જે લોકો અવાજ ઉઠાવે એમને એજન્સી વાળા અને પદાધિકારીઓ સામ-દમ-દંડ-ભેદની નીતિ અપનાવી ઘીના ઠામમાં ઘી ઢોળી નાખવાની પ્રવૃતી કરતા હોય ત્યારે હાલ મળતી માહિતી મુજબ પાલિકાના પાપે મજૂર થયેલ મકાનોના હપ્તા આવવામાં વિલબ થઇ રહ્યો છે અને ખાસ બાબત એ કે હાલ છેલો ૫ નંબરનો ડીપીઆર જેમાં ૧૮૮ લાભાર્થીની યાદી હતી જેમાં પણ ફેરફાર કરી, સેટિંગ કરી નામોમાં ફેરફાર કરીને ચોક્કસ વ્યક્તિના એગ્રિમેંટ કરાવતા હોય અને વર્ષોથી બાકી રહેલાના એગ્રિમેંટ કરાવતા નથી જેમાં ખૂબ મોટાપાયે ગોટાળો થયો હોવાની આશંકા મજબુત બની છે. તેમજ ચીફ ઓફિસર પણ જાણે ચાવી વાળું પૂતળું હોય તેવું લાગી રહ્યું છે અને પાલિકાના ચીફ ઓફિસર આ બાબતે સમય સર રીપોટ ન કરતાં હોય જેતે વિભાગ કે એજન્સીને મોકળુ મેદાન મળી જાય છે. ત્યારે પાલિકાના નગરસેવક યોગેશ ડાંગર (લાલાભાઈ)એ તેમજ ભાજપાના બે નગરસેવિકાએ પણ લેખિત ફરિયાદ કરેલ છે છતા પણ પાલિકાના ચીફ ઓફિસર કોઈ પગલાં લેતા નથી અને આંખ આડા કાન કરી રહ્યા છે ત્યારે આ ગોટાળા બાબતે ટૂક સમયમાં પાલિકાના વિરોધ પક્ષના નગરસેવકો કોર્ટ કાર્યવાહી કરશે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે.