For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શું લાગે? કોણ જીતશે? : ચાની કિટલીથી લઈ સોશિયલ મીડિયા સુધી ચૂંટણી ફીવર છવાયો

Updated: May 8th, 2024

શું લાગે? કોણ જીતશે? : ચાની કિટલીથી લઈ સોશિયલ મીડિયા સુધી ચૂંટણી ફીવર છવાયો

- ભાવનગર લોકસભા બેઠક પર મતદાન ધીમી ગતિએ પણ ચૂંટણી ચર્ચા તેજમાં

- મતદાન માટે જાહેર રજા રહેવાથી ચાની કિટલીઓ, સોસાયટીઓના ચોકમાં અને સોશિયલ મીડિયામાં ચૂંટણી અંગેની જ ચર્ચા

ભાવનગર : લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે ત્રીજા તબક્કા માટે આજે ભાવનગર સહિત રાજ્યની ૨૫ સીટો પર મતદાન થયું છે. ભાવનગરમાં મતદાનની સાથે-સાથે ચૂંટણીની ચર્ચા જામી હતી. મતદાન માટે જાહેર રજા હોવાથી ચાની કિટલીઓ, પાનના ગલ્લાઓ, સોસાયટીના ચોક તથા સોશિયલ મીડિયામાં ચૂંટણી અંગેની જ ચર્ચાઓ ચાલી હતી. શું લાગે? કોણ જીતશે? જેવા સવાલો સાથે ચૂંટણી ચોરો જામ્યો હતો. સાથે જ મતદાન કર્યાં બાદ સોશિયલ મીડિયામાં લોકોએ સેલ્ફી શેર કરી હતી.

ભાવનગર સંસદીય બેઠક પર આજે સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે મતદાન પ્રક્રિયા ચાલી હતી. મતદાનની સાથે-સાથે ઠેર-ઠેર ચૂંટણીનો ચોરો જામ્યો હતો. ભાવનગર લોકસભા બેઠક પર ધીમી ગતિએ થઈ રહ્યું હતું પરંત મતદાનને લઈ ચાની કિટલીઓ, પાનના ગલ્લાથી લઈ સોશિયલ મીડિયામાં ચૂંટણીની ચર્ચાઓ જામી હતી. આજે મતદાન માટે જાહેર રજા હોવાથી મતદાન કર્યાં બાદ અને ખાસ તો સાંજના સમયે શું લાગે છે? ભાવનગરની સીટ કોણ જીતશે? તેવી ચર્ચાઓ જામી હતી. શહેરના કાળિયાબીડ, રીંગરોડ, સંસ્કાર મંડળ, વાઘવાડી રોડ, ઘોઘા સર્કલ, કુંભારવાડા સહિતના વિસ્તારોમાં ચાની દુકાનો તથા પાનના ગલ્લાઓ પર લોકો ચૂંટણીની ચર્ચા કરતા દેખાયા હતા તો વળી સોસાયટીઓમાં સાંજના સમયની બેઠકોમાં પણ ચૂંટણીની ચર્ચાઓ જ જામી હતી. ભાવનગર લોકસભા બેઠક કોણ જીતશે? ગુજરાતમાં ભાજપ ૨૬માંથી ૨૬ બેઠકો જીતશે કે નહી? જેવી ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની હતી. સાથે જ કેટલા ટકા મતદાન થયું તેના પર પણ દરેક નાગરિકો નજર રાખી રહ્યાં હતા. સોશિયલ મીડિયામાં મતદાન કર્યાં બાદ મોટાભાગના મતદારોએ પોતાની સેલ્ફીઓ શેર કરી હતી. તેમજ સોશિયલ મીડિયામાં જુદાં-જુદાં પ્લેટફોર્મ પર રાજકીય પાર્ટીઓના સમર્થકોના વાક્બાણ પણ જોવા મળ્યા હતા અને બીજી તરફ એક વર્ગ એવો પણ રહ્યો જે ચૂંટણી, રાજકીય પાર્ટીને લઈ મીમ્સ શેર કરી હસી-મજાક કરતા પણ જોવા મળ્યા હતા.

મતદાનની સાથે સાથે....

- લોકસભાની ચૂંટણીને લઈને શહેરના મામાકોઠા રોડ, બાર્ટન લાયબ્રેરી, હલુરીયા ચોક, ક્રેસંટ, ઘોઘાસર્કલ, મહિલા કોલેજ, શિવાજી સર્કલ તેમજ કાળીયાબીડ સહિતના મતદાન કેન્દ્રોની આસપાસના નામાંકિત ચા,શેરડીના રસના સિંચોડા તેમજ ફૂડઝોન સંપુર્ણપણે બંધ હોય તે બજારમાં સવારથી જ સોંપો પડી ગયો હોય ખાણી-પીણીના રસિકોને ધરમધકકા થયા હતા.

- યુવા તેમજ નવોદિત મતદારોમાં સોશ્યલ મિડીયાનો ભારે ક્રેઝ હોય મતદાન કર્યા બાદ મતદાન કર્યાના આંગળીના નિશાન સાથેના વ્યકિતગત, સજોડે કે પરિવારજનોના ફોટોગ્રાફ વ્યકિતગત અને પારિવારીક અને સમાજના ગૃપમાં તેમજ સ્ટેટસ, ફેસબુક,ઈન્સ્ટાગ્રામ સહિતના સોશ્યલ મિડીયામાં વાયરલ કરવાનુું ચૂકયા ન હતા.

- મતદાન કેન્દ્રોની બહાર તેમજ રાજકીય પક્ષના સહાયતા કેન્દ્રમાં ચોમેર મતદારોમાં આ વખતે ચૂંટણીનો ટેમ્પો ખરેખર જોવે તેવો જામ્યો ન હોવાની ચર્ચા થતી સંભળાઈ હતી.

- ભાવનગરથી સિહોર, તળાજા સહિતના અંતરની કેટલાક ખાનગી વાહનો, શટલીયા રીક્ષાઓ ચૂંટણીના કાર્યમાં રોકાયેલી હોય બહારગામથી હટાણુ કરવા આવનાર ધંધાર્થીઓને અવર-જવરમાં ભારે હાલાકી વેઠવી પડી હતી. 

- રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક ખાનગી સમાચાર ચેનલો તેમજ સોશ્યલ મિડીયા દ્વારા સતત મતદાન સંબંધિત સમાચારો, વીડીયો સહિતની અપડેટસ પ્રસારિત કરાતી હતી તે ઘરબેઠા ટીવીમાં નિહાળવા માટે  ગોહિલવાડમાં યુવાનોમાં ખાસ કરીને સિનીયર સિટીઝનોમાં ભારે ઉત્સુકતા જોવા મળતી હતી. જયારે યુવાનો તેમના મોબાઈલમાં સમયાંતરે વિવિધ અપડેટસથી માહિતગાર થતા હતા.

- અગાઉ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં મતદાતાઓને ઘેર ઘેર ચૂંટણી પંચ દ્વારા તેમજ વિવિધ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના ફોટોગ્રાફ, પરિચયપત્રીકા સાથેની મતદાન સ્લીપ અચૂક પહોંચી જતી હતી. આ વખતની ચૂંટણીમાં મોટા ભાગના પરિવારોના ઘરે સ્લીપ પહોંચી ન હોય જાગૃત મતદારોને ઓનલાઈન પ્રક્રિયા મારફત પરિવારના મતદારોની સ્લીપની પ્રીન્ટ લેવાનો વખત આવ્યો હતો. 

- આ વખતની ચૂંટણીમાં મુખ્ય રાજકીય પક્ષોની સાથોસાથ પ્રાદેશિક પક્ષોના તેમજ અન્ય અપક્ષ ઉમેદવારોની મોટી સંખ્યા હોય ત્યારે મુખ્ય રાજકીય પક્ષોને બાદ કરતા કેટલાક અપક્ષ ઉમેદવારોના મતદાર સહાયતા કેન્દ્રો તેમજ તેમના સમર્થકો તો વાઘાવાડી રોડ, કાળુભા રોડ, પીરછલ્લા શેરી તેમજ કાળીયાબીડ સહિતના કેટલાક વોર્ડમાં તો ગોત્યા જડતા ન હતા.અમુક મતદારો તો ઉમેદવારોનું લાંબુલચક લીસ્ટ ઈ.વી.એમ.માં નિહાળીને ઘડીકભર તો દ્વિધામાં પડી ગયા હતા. 

- આ વખતની લોકસભાની ચૂંટણીમાં સર્વ પ્રથમ મતદાન કરવા માટે યુવાનોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી.ઉચ્ચ અભ્યાસ અર્થે તેમજ નોકરી અર્થે દેશના અન્ય રાજયોમાં, મહાનગરોમાં કે વિદેશમાં સ્થાયી થયેલા કેટલાક યુવાનોએ અગાઉથી પ્લાન કરીને ચૂંટણીમાં પ્રથમ મતદાનનો  લ્હાવો લેવાય તે રીતે સમર વેકેશનનું પ્લાનીંગ કર્યુ હતુ તેઓએ પ્રથમ મતદાન કરીને અનેરો રોમાંચ અનુભવ્યો હતો.

- મતદાનને લઈને શહેરના વાઘાવાડી રોડ, પીરછલ્લા શેરી, વોરાબજાર, શેરડીપીઠનો ડેલો, નાણાવટી બજાર, ગોળબજાર, મુખ્ય શાકમાર્કેટ, હેરીસ રોડ, આંબાચોક, એમ.જી.રોડ, દાણાપીઠ, ઉંડીવખાર સહિતની બજારોમાં રજાનો માહોલ હોય તેમ સવારના અરસામાં ગ્રાહકોની પાંખી અવર-જવર જણાઈ હતી.કેટલાક વેપારી મંડળોએ સ્વૈચ્છિક અને સ્વયંભૂ બંધ પાળ્યો હતો. જયારે મતદાન પુર્ણ થયા બાદ તમામ બજારો અને ખાસ કરીને પાન માવાની દુકાનોવાળાઓને  તેમજ ચા પાણીની કિટલી, ખાણી-પીણીની બજારોમાં તડાકો બોલી જવા પામ્યો હતો.

Gujarat