બદલાની રાજનીતિ માટે નહીં, પરિસ્થિતિ બદલવા કામ કરશું : શક્તિસિંહ ગોહિલ

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
બદલાની રાજનીતિ માટે નહીં, પરિસ્થિતિ બદલવા કામ કરશું : શક્તિસિંહ ગોહિલ 1 - image


- ભાવનગરમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષનો અભિવાદન સમારોહ યોજાયો 

- એક-બે ઉદ્યોગપતિનો નહીં, તમામનો વિકાસ થવો જોઈએ : ભાવનગર સાથે ઓરમાયુ વર્તન થયું છે, ચૂંટણીમાં માત્ર વાયદા કરવામાં આવે છે 

ભાવનગર : બદલાની રાજનીતી માટે નહી, પરિસ્થિતી બદલવા કામ કરશુ તેમ આજે બુધવારે ભાવનગર ખાતે અભિવાદન સમારોહ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શકિતસિંહ ગોહિલે જણાવ્યુ હતું. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા અને લોકોની સ્થિતી કથળી રહી હોવાની વાત કરી હતી. 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શકિતસિંહ ગોહિલ અધ્યક્ષ બન્યા બાદ આજે બુધવારે પ્રથમવાર ભાવનગરના પ્રવાસે આવ્યા હતા તેથી ભાવનગર શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અભિવાદન રેલી તેમજ અભિવાદન સમારોહ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતું. આ બંને કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો સહિતના જોડાયા હતાં. કોંગ્રેસ અધ્યક્ષનુ ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતું. અભિવાદન સમારોહ દરમિયાન ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શકિતસિંહ ગોહિલે જણાવ્યુ હતુ કે, ભાવનગર જિલ્લાનો વતની છુ અને ભાવનગર જિલ્લાના લોકોના સહકારથી અહીં સુધી પહોંચ્યો છે. જિલ્લા પંચાયતની ચૂંટણીથી શરૂઆત કરી હતી અને લોકોના આર્શીવાદથી પ્રદેશ અધ્યક્ષ તેમજ રાજ્યસભાનો સાંસદ બન્યો છુ. આ સંઘર્ષ સત્તા પડાવી લેવા માટેનો નથી, સત્તા આવે તો બદલવો લેવાની ભાવના નથી પરંતુ પરિસ્થિતી બદલવા કામ કરશું. નકારાત્મક નહી પરંતુ સકારાત્મક રાજનીતી કરવી છે. ખેડૂત, માલધારી, વેપારીઓના ભોગે એક-બે ઉદ્યોગપતી માલામાલ થાય તે યોગ્ય નથી પરંતુ તમામ વિકાસ થવો જોઈએ. 

ભાજપના રાજમાં શિક્ષણ, આરોગ્ય, રોજગારી, ખેતી સહિતની સ્થિતી કથળી છે. ભાવનગર સાથે ઓરમાયુ વર્તન થાય છે, માત્ર ચૂંટણીમાં વિકાસના વાયદા કરવામાં આવે છે પરંતુ પછી કંઈ થતુ નથી. વિકાસ અને દાતારી માટે ભાવનગરના મહારાજા ભાવસિંહજી ગોહિલ, કૃષ્ણકુમારસિંહજી ગોહિલ વગેરેને યાદ કર્યા હતા અને તેનુ જેવુ શાસન કરવુ જોઈએ. રજવાડાના સમયમાં ભાવનગર જિલ્લાના દરિયકાંઠાનો વિકાસ થયો હતો અને વેપાર ધમધમતા હતા પરંતુ હાલ પ્લાસ્ટીક ઉદ્યોગની સ્થિતી ખરાબ છે, આલ્કોક એશડાઉન બંધ થઈ ગયુ છે. કોલેજ બહાર ચરસ-ગાંજો વેચાય છે. ગુજરાતમાં વારંવાર મોટી માત્રામાં ડગ્સ પકડાય છે, જે ચિંતાની બાબત છે તેમ શકિતસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યુ હતું. કોંગ્રેસ કાર્યકરો દ્વારા શકિતસિંહ ગોહિલનુ સન્માન કરવામાં આવ્યુ હતું. 

શહેર, તાલુકા, જિલ્લાના સંગઠનો દ્વારા સન્માન 

ભાવનગર શહેરમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શકિતસિંહ ગોહિલના અભિવાદન સમારોહનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં શહેર, જિલ્લા, તાલુકા સહિતના વિવિધ સંગઠન દ્વારા શકિતસિંહનુ સન્માન કરવામાં આવ્યુ હતુ. 

આમ આદમી પાર્ટીના 9 કાર્યકર કોંગ્રેસમાં જોડાયા 

ભાવનગર શહેરમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શકિતસિંહ ગોહિલના અભિવાદન સમારોહનુ આયોજન કરવામાં આવ્યુ હતું. આ દરમિયાન આમ આદમી પાર્ટીના આશરે ૯ કાર્યકર કોંગ્રેસમાં જોડાયા હતા અને તેઓને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે ખેસ પહેરાવી સ્વાગત કર્યુ હતુ, જેમાં વિધાનસભા પ્રભારી, યુવા કાર્યકર્તા સહિતનો સમાવેશ થાય છે. 


Google NewsGoogle News