સિહોરમાં વર્ષના ફકત 60 દિવસ પાણી આપીને પાણીવેરો સમગ્ર વર્ષનો વસુલાય છે
- રેકોર્ડ પર કામ બતાવીને ગ્રાન્ટ કાગળ પર વપરાઈ જાય છે
- રાજકીય ઈચ્છાશકિતના અભાવે શહેરના મોટા ભાગના વિસ્તારો વિકાસની દ્રષ્ટિએ આજની તારીખે અવિકસીત
સિહોરના વિકાસ માટે સરકાર દ્વારા પ્રતિ વર્ષ દરમિયાન જુદા-જુદા હેડ પેટે કરોડો રૂપીયાની અનેકવિધ વિકાસલક્ષી કાર્યો માટે ગ્રાન્ટ તો ફાળવવામાં આવે છે પરંતુ તે કયાક પગ કરી જતી હોય ભાવનગર જિલ્લાના અન્ય તાલુકા મથકની તુલનામાં સિહોર શહેર આજની તારીખે પણ વિકાસની દ્રષ્ટિએ તદ્રન અવિકસીત રહેવા પામેલ છે. ૮૦ હજારથી વધુ જનસંખ્યા ધરાવતુ અને આસપાસના પંથકમાં કુલ મળીને ૮૧ જેટલા ગ્રામ્ય વિસ્તારો ધરાવતા સિહોરનો નમૂનેદાર વિકાસ કરવામાં સ્થાનિક ચૂંટાયેલા સત્તાધીશોની ઉદાસીનતા કારણભૂત જણાઈ રહી છે. રાજકીય પદાધિકારીઓની આવશ્યક ઈચ્છાશકિતના અભાવે જ સિહોર આજની તારીખે પાણી અને રોડ સહિતની અનેક પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેવા પામેલ છે. રાજય સરકાર દ્વારા ફાળવાતી ગ્રાન્ટમાંથી જરૂરી કામ થતા નથી. રેકર્ડ પર કામ બતાવીને ગ્રાન્ટ કાગળ પર વપરાઈ જાય છે. આજની તારીખે પણ સિહોર શહેરના રહેણાંકીય વિસ્તારોના હાર્દ સમાન ગણાતા મોટા ભાગના રસ્તાઓ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે.આ રોડની ખખડધજ હાલતના કારણે વાહનચાલકોને ગબડી પડવાનો ભય રહે છે. અનેક વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટ બંધ હાલતમાં છે જયારે કેટલીક સ્ટ્રીટલાઈટ શોભાના ગાંઠીયાની જેમ ધૂળ ખાઈ રહી છે.સિહોરવાસીઓને પ્રાથમિક સુવિધાઓ આપવામાં નગરપાલિકા સરિયામ નિષ્ફળ ગઈ હોય જાગૃત નાગરિકોમાં ચૂંટાયેલા પદાધિકારીઓ સામે આક્રોશ ભભૂકી ઉઠયો છે.