આજથી 4 દિવસ ભાવનગરમાં પાણી વિતરણ અનિયમિત રહેશે
- ગરમી શરૂ થઈ ત્યારે જ સરકારી તંત્રને કામગીરી યાદ આવી
- નાવડા પંપીંગ સ્ટેશનમાં એનસી૩૯ પ્રોજેક્ટ કાર્યરત કરવા જીડબલ્યુઆઈએલને કામગીરી કરવાની હોવાથી પાણી વિતરણને અસર થશે
ભાવનગર શહેરને મહીપરી યોજના (જીડબલ્યુઆઈએલ) દ્વારા રો-વોટર પૂરું પાડતા નાવડા પંપીંગ સ્ટેશનમાં એનસી૩૯ પ્રોજેક્ટ કાર્યરત કરવા જીડબલ્યુઆઈએલને જરૂરી કામગીરી કરવાની હોવાથી આવતીકાલે તા. ૧૩ માર્ચને બુધવારથી આગામી તા. ૧૬ માર્ચને શનિવાર સુધી એમ કુલ ૪ દિવસ માટે નાવડા ખાતે પાણીના લેવલ અનુસાર નાવડાથી બી-નેટવર્ક તથા ડી-નેટવર્ક પાણીનો સપ્લાય અંશતઃ અસર પામવાની શક્યતા છે. આ શટડાઉનના સમયગાળા દરમિયાન ભાવનગર શહેરમાં આવતા રો-વોટરનાં દૈનિક પાણીના જથ્થાને પણ વિપરીત અસર થવાની શકયતા જણાય છે. જેથી આ સમયગાળા દરમિયાન ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણી વિતરણ વ્યવસ્થા અનિયમિત રહી શકે છે તથા અમુક વિસ્તારોમાં પાણી સપ્લાય બંધ રહી શકે છે, જેની સર્વે શહેરીજનોએ નોંધ લેવા ભાવનગર મહાનગરપાલિકાએ અનુરોધ કરેલ છે.
શહેરમાં ગરમીના દિવસોમાં જ ચાર દિવસ પાણી અનિયમીત રહેવાનુ હોવાથી લોકોની પરેશાની વધશે અને જે વિસ્તારને પાણી નહી મળે તે વિસ્તારમાં પાણીનો દેકારો થશે તેમ જણાય રહ્યુ છે ત્યારે મહાપાલિકાએ યોગ્ય આયોજન કરવુ જરૂરી છે.