Get The App

બુધવારે વીજ કાપના કારણે તરસમીયા ફિલ્ટર હેઠળના વિસ્તારોમાં પાણી કાપ

Updated: Apr 23rd, 2024


Google NewsGoogle News
બુધવારે વીજ કાપના કારણે તરસમીયા ફિલ્ટર હેઠળના વિસ્તારોમાં પાણી કાપ 1 - image


- ઉનાળાની ગરમીના દિવસોમાં વીજ અને પાણીના ધાંધીયાથી પરેશાની વધશે 

- કાળીયાબીડ, ભરતનગર, દેવરાજનગર, અખીલેશ સર્કલ, લાખાવાડ સહિતના વિસ્તારોમાં પાણી પુરવઠો નહીં મળે 

ભાવનગર : નાવડા પંપીંગ સ્ટેશનમાં જેટકો દ્વારા આગામી બુધવારે જરૂરી રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવનાર છે તેથી ભાવનગર શહેરના તરસમીયા ફિલ્ટર હેઠળના ઘણા વિસ્તારોમાં આગામી બુધવારે પાણી પુરવઠો આપવામાં આવશે નહીં તેમ મહાપાલિકાએ જણાવેલ છે. ઉનાળાની ગરમીના દિવસોમાં વીજ કાપ અને પાણી કાપના કારણે લોકોની પરેશાની વધશે. 

ભાવનગર શહેરને મહીપરીએજ-યોજના (જીડબલ્યુઆઈએલ) દ્વારા રો-વોટર પૂરૂં પાડતા નાવડા પંપીંગ સ્ટેશનમાં જેટકો દ્વારા જરૂરી રીપેરીંગ કામગીરી કરવાની હોવાથી આગામી તા. ૨૪ એપ્રિલને બુધવારના રોજ સવારના ૭ થી ૧૧ કલાક સુધી જીડબલ્યુઆઈએલ દ્વારા શટડાઉન લેવામાં આવેલ છે. જેથી આ સમયગાળા દરમિયાન નાવડા ખાતેના તમામ પમ્પીંગ બંધ રહેનાર મહીપરીએજમાંથી તરસમીયા ફિલ્ટર પર આવતી પાણીની આવક બંધ રહેવાની હોવાથી શહેરમાં તરસમીયા ફિલ્ટર આધારિત ઘણા વિસ્તારોમાં આગામી બુધવારે વિસ્તારોમાં પાણી સપ્લાય બંધ રહેશે, જેમાં કાળીયાબીડ-ડી, લખુભા હોલ વિસ્તાર, બેબીલેન્ડ સ્કૂલ પાસેનો વિસ્તાર, સાગવાડી વિસ્તાર, વૃંદાવન સોસાયટી, રામેશ્વર મંદિરવાળો વિસ્તાર, વિરાણી સર્કલવાળો વિસ્તાર, આંનદહોલ વાળો વિસ્તાર, ભરતનગર શિવનગર હાઉસિંગ બોર્ડ વિસ્તાર, દેવરાજનગર ૧-૨, ભાગ્યોદય સોસાયટી, મહાવીરનગર, નવું શિવનગર, કસ્તુરબા સોસાયટી, રાધેશ્યામ સોસાયટી, શહેર ફરતી સડક, મીરાપાર્ક, હરીક્રિષ્ના પાર્ક, દેવપાર્ક, અખીલેશ પાર્ક, લાખાવાડ, મીની હિરાબજાર, શ્રમજીવી, ભોલાનાથ જુની/નવી પીપલ્સ, ચંદ્રમૌલી ૨૫ વારીયા વગેરે વિસ્તારોનો સમાવેશ થાય છે. 

ઉનાળાની ગરમીના દિવસોમાં વીજ અને પાણીની જરૂરીયાત વધતી હોય છે અને ત્યારે જ વીજ તેમજ પાણીના ધાંધીયા હોવાથી લોકોની મૂશ્કેલી વધતી હોય છે, આવુ થોડા દિવસો પૂર્વે પણ ભાવનગરમાં જોવા મળ્યુ હતું. ઉનાળાના દિવસોમાં લોકોને વીજ અને પાણીની પ્રશ્ન ન સર્જાય તેવુ આયોજન સરકારી તંત્રએ કરવુ જરૂરી છે. 


Google NewsGoogle News