ભાવ.માર્કેટિંગ યાર્ડ ખેડૂત વિભાગની ચૂંટણીમાં સરેરાશ 96.32 ટકા જેટલું ઉંચુ મતદાન
- સવારથી શરૂ થયેલા મતદાનમાં સાંજ સુધી ભારે રસાકસી જોવા મળી
- 10 બેઠક માટે યોજાયેલા મતદાનમાં 2 બુથમાં કુલ 786 મત પડયા : 23 ઉમેદવારનું ભાવી સ્ટ્રોંગ રૂમમાં સીલ : આજે મતગણતરી
મળથી વિગતો મુજબ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર માર્કેટીંગ યાર્ડની ૧૦ વર્ષ બાદ સામાન્ય ચૂંટણી જાહેર થઇ હતી. જેમાં વેપારી વિભાગમાં એક ફોર્મ રદ થતા ચાર સ્તર માટે ચાર ઉમેદવાર બિનહરીફ થયા હતા. જ્યારે ખેડૂત વિભાગની ૧૦ સીટ માટે ૨૩ ઉમેદવારો મેદાનમાં હોય જેના માટે આજે મતદાન હતું. મતદાર યાદીમાં નોંધાયેલ ૮૧૬ મતદારો માટે બે બુથ ઉભા કરાયા હતા અને પ્રત્યેક બુથમાં પાંચ-પાંચ મત કુટીર રખાઇ હતી. જેમાં કુલ મળી ૭૮૬ મતદાતાઓએ મતદાન અધિકારનો ઉપયોગ કર્યો હતો. બુથ નં.૨માં ફાળવેલ ૩૯૫ પુરૂષ મતદારોમાંથી ૩૭૮ મત પડયા હતા. જ્યારે ૨૧ સ્ત્રી મતદારમાંથી ૨૦ મત પડયા હતા. જ્યારે કુલ ૪૧૬માંથી ૩૯૮ મત પડતા એકંદરે આ બુથનું ૯૫.૬૭% મતદાન નોંધાવા પામ્યું હતું. જ્યારે બુથ નં.૧માં ફાળવેલ ૩૮૭ પુરૂષ મતદારોમાંથી ૩૭૫ મત પડયા હતા. તો સ્ત્રી મતદારોમાં ૧૩માંથી ૧૩ મત પડયા હતા. આમ કુલ ૪૦૦માંથી ૩૮૮ મત પડયા હતા. જેથી એકંદરે ૯૭% મતદાન નોંધાવા પામ્યું હોવાનું જાણવા મળ્યું છે. આમ એકંદરે સવારથી શાંતિમય માહોલમાં મતદાન થવા પામ્યું હતું. પોલીસ બંદોબસ્ત સાથે સવારે ૯ થી ૧૨.૩૦ કલાક સુધી મતદારોનો ધસારો સવિશેષ જોવા મળ્યો હતો. તો કેટલાક મતદારો બહારગામથી આવી શક્યા નહતા. ક્યાંક માંદગી તો ક્યાંક સામાજિક કાર્યો નડયા હોવાનું ચર્ચાઇ રહ્યું હતું. જ્યારે સાંજે ૫ કલાકે મતદાન કાર્ય પૂર્ણ થયું હતું અને કુલ ૯૬.૩૨% મતદાન સાથે ખેડૂત વિભાગના ૨૩ ઉમેદવારોના ભાવી મતપેટીમાં કેદ થયા હતા. આ તમામ મત પેડીઓને વિધીસર સીલ કરી ટ્રેઝરી ઓફીસના સ્ટ્રોંગરૂમમાં મોકલી દેવામાં આવી હતી. જ્યારે આવતીકાલે સવારે ૯ કલાકે યાર્ડની ઓફીસમાં મતગણતરી હાથ ધરવામાં આવશે અને ગણતરી પૂર્ણ થયા બાદ વિજેતાઓના નામ જાહેર કરવામાં આવશે.
ચૂંટણીના પ્રારંભિક તબક્કામાં વધુ મતદાન નોંધાયું
ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં આજે સામાન્ય ચૂંટણી માટે મતદાન થવા પામ્યું હતું. જેમાં પ્રથમ બે કલાકમાં ૩૬.૦૬ ટકા મતદાન થયુ હતું. તો ૧૧ થી ૧ના સમયમાં હાઇએસ્ટ ૪૮.૧૦ ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે ઉતરતા સમયગાળામાં તબક્કાવાર મતદાન ઘટયું હતું. તેમ છતા દિવસભર ૮૧૬ મતોમાંથી ૭૮૬ મત પડતા ૯૬.૩૨ ટકા કુલ મતદાન નોંધાયું હતું. જોકે બે ત્રણ મતદારો એક સાથે ત્રણ કે ચાર મંડળીમાં હોય મતદાર એક જ વ્યક્તિ હોવાથી મત એક જ પડયો હતો.