વિઠ્ઠલ રાદડિયા છેલ્લા દોઢ વર્ષથી બેભાન અવસ્થામાં જ હતા: તેમને બીમારી શું હતી?
અમદાવાદ, તા. 29 જુલાઇ 2019, સોમવાર
સૌરાષ્ટ્રના સૌથી મોટા સમાજના કદાવર નેતા વિઠ્ઠલ રાદડિયાના નિધનના સમાચાર મળ્યા બાદ સમગ્ર ગુજરાતમાં ભારે શોકનો માહોલ ફેલાયો છે. તેઓ માત્ર 61 વર્ષની ઉંમરના જ હતા
આથી સ્વભાવિક છે કે સૌ કોઈને દુ:ખ છે એટલું નહીં તેઓને કેવા પ્રકારની બીમારી હતી તે પ્રશ્ન પણ તેમના લાખો સમર્થકોને સતાવી રહ્યો છે.
વાસ્તવમાં વિઠ્ઠલ રાદડિયા ત્રણ વર્ષ પહેલા ખૂબ જ તંદુરસ્ત હતા. તેમને ડાયાબિટીસ હતો એ સિવાય અન્ય કોઇ ગંભીર બીમારી ન હતી. ત્રણ વર્ષ પહેલાં તેઓ ઓસ્ટ્રેલિયા ગયા હતા જ્યાં ડોક્ટરે તેમનું ડાયાબીટીસનું ઓપરેશન કર્યું હતું તેમજ તે સમયે ડોક્ટરે તેમને એવી સલાહ આપી હતી કે જો કોઇ માણસ પૈસા વાપરી શકતો હોય તો 500 વર્ષ સુધી પણ જીવી શકે છે કારણ કે આધુનિક જમાનામાં તમામ અંગો બદલી શકાય છે.
ઓપરેશન કરના ડોક્ટરે વિઠ્ઠલભાઇને અમુક દવા નહીં લેવાની સલાહ આપી હતી. બીજી બાજુ ફરવા ગયા હતા. ઓપરેશનના 8 મહિના પછી તેમને કમરમાં દુખાવાની તકલીફ શરૂ થઇ હતી આથી ડોક્ટરોએ તેમની કમરમાં પણ ઓપરેશન કર્યું હતું ઉપરાંત તેમની સારવાર ચાલુ હતી ત્યારે તેમને ચોક્કસ દવા આપવામાં આવતી હતી.
વિઠ્ઠલભાઈની મૂળ સમસ્યા ત્યાંથી જ શરૂ થઈ હતી કારણ કે ઓસ્ટ્રેલિયાના ડોક્ટરોએ જે દવા નહીં લેવા માટે જણાવ્યું હતું તે દવા અહીં આ ડોક્ટરે તેમને આપવાનું શરૂ કર્યું હતું. જોકે તેમાં અહીંના ડોક્ટરનો પણ કોઈ વાંક ન હતો કારણ કે ઓસ્ટ્રેલિયન ડોક્ટરોએ જે દવા નહીં લેવા માટે તાકીદ કરી હતી તેની કોઈ જ વાત વિઠ્ઠલ રાદડીયાએ અહીંના ડોક્ટરોને જણાવી ન હતી.
એટલું જ નહી કમરના ઓપરેશન બાદ ડોક્ટરે વિઠ્ઠલ રાદડિયાને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી હતી તેમજ બહાર નહીં નીકળવા જણાવ્યું હતું પરંતુ મર્દ ગણાતા વિઠ્ઠલ રાદડિયાએ ડોક્ટરની વાત પણ માની ન હતી અને પોતાના સમર્થકો સાથે જાહેરમાં દેખાવા લાગ્યા હતા
તેઓ લોકપ્રિયતા હોવાથી અને તેમને પોતાને પણ લોકોની સેવા કરવામાં જ વધુ રસ હોવાથી તેઓ વધુ સમય સુધી ઘરની અંદર રહી શક્યા ન હતા જેને કારણે તેમને ઇન્ફેક્શન લાગ્યું હતું આમ ઓસ્ટ્રેલિયન ડોક્ટરે જે દવા લેવાની ના પાડી હતી તે દવા અહીં લેવાનું ચાલુ રખાતા અને ઇન્ફેક્શન થતા તેઓ અર્ધબેભાન અવસ્થામાં પડયા હતા. છેલ્લા દોઢ વર્ષથી તેમની આવી જ પરિસ્થિતિ હતી.
આટલો લાંબો સમય સુધી તેઓએ મોતને પોતાનાથી દુર રાખ્યું હતું આખરે આજે સવારે તેઓએ પોતાની જીવન નયાને સંકેલી લીધી હતી તેમના નિધનથી સૌરાષ્ટ્રના પાટીદાર સમાજને ક્યારેય ન પૂરી શકાય તેવી મોટી ખોટ પડી છે.