શાપર-વેરાવળમાં બે દિવસની વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ; ૭૧૫૮ કરોડનાં એમઓયુ

Updated: Oct 15th, 2023


Google NewsGoogle News
શાપર-વેરાવળમાં બે દિવસની વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ; ૭૧૫૮ કરોડનાં એમઓયુ 1 - image


સૌથી વધુ ઉદ્યોગ વિભાગમાં ૧૩૨૪ કરોડનાં એમ.ઓ.યુ. થયા

આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે યોજાનાર વાઇબ્રન્ટ સમિટમાં રાજકોટના પાંચ ઉદ્યોગકારો દ્વારા વધુ ૭૨૫૦ કરોડનાં રોકાણો માટે એમઓયુ થશે

રાજકોટ :  શાપર - વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના બિઝનેશ સર્વિસ સેન્ટરમાં આજથી બે દિવસીય વાઇબ્રન્ટ રાજકોટ સમિટમાં રાજકોટના ઉદ્યોગકારો વરસી પડયા છે. એક જ દિવસમાં ૭૧૫૮ કરોડના એમઓયુ (મેમોરન્ડમ ઓફ અન્ડર સ્ટેન્ડિંગ) કરવામાં આવતા આગામી દિવસોમાં જિલ્લામાં ૨૦ હજાર લોકોને નવી રોજગારી પ્રાપ્ત થશે.

સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર - જિલ્લામાં નવ ઉદ્યોગ શરૃ કરવા માટે રોકાણકારોએ રસ દાખવ્યો છે. તેના ભાગરૃપે ઉદ્યોગ વિભાગ સાથે ૮૧ રોકાણકારોએ રૃા. ૧૩૨૪.૫૩ કરોડ, ખાણખનીજ વિભાગ સાથે ૧૦૫.૪૦ કરોડ, ખેતીવાડી વિભાગ સાથે ૭ રોકાણકારોના ૫૧.૪૦ કરોડ, શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ સાથે ૫૯૯.૪૭ કરોડ, ઉર્જા વિભાગ સાથે ૧૧ રોકાણકારોના ૮૯૨ કરોડ અને શ્રમ અને રોજગાર વિભાગ સાથે પાંચ રોકાણકારોએ  ૧૬૧.૫૦ કરોડના રોકાણ કરવા કરાર કર્યા છે.

વાઇબ્રન્ટ સમિટનું ઉદ્દઘાટન કરતા કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું કે, આજે થયેલા એમઓયુના કારણે આગામી દિવસોમાં રાજકોટ જિલ્લામાં નવી ૨૦ હજાર રોજગારીનું સર્જન થશે.  રાજકોટના વિકાસમાં રોકાણકારોનો મોટો ફાળો છે. વડાપ્રધાનના પાંચ ટ્રિલીયન ડોલર ઇકોનોમી બનાવવાના સ્વપ્નને સાકાર કરવા ગુજરાતને ઔદ્યોગિક ક્ષેત્રે નંબર વન બનાવવાનું છે. આગામી વાઇબ્રન્ટ સમિટ ૨૦૨૪માં રાજકોટ શહેર -  જિલ્લામાં સૌથી વધુ એમઓયુ અને મુડીરોકાણ કરીને રાજકોટને પણ ઔદ્યોગિક ક્ષેત્રે સમગ્ર રાજ્યમાં નંબર વન બનાવવા આહવાન કર્યું હતું. આ તકે કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ એ બ્રાન્ડિંગ નહીં પરંતુ બોન્ડિંગ છે. આ બોન્ડિંગ વધુ મજબુત થાય તે માટે જિલ્લા સ્તરે વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.

આજના કાર્યક્રમ દરમિયાન ૧૩૦૦ કરોડથી વધુ રકમના સાત એમઓયુ પ્રતીકરૃપે સાઇન કરવામાં આવ્યા હતા. બાદમાં વિવિધ લાભાર્થીઓને ઉદ્યોગના વિકાસ માટે રૃા. ૪.૪૦ કરોડથી વધુ રૃપિયાની રકમના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.

વધુમાં ગાંધીનગરમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટમાં મારવાડી ગુ્રપની પ્રિકસોન ગ્રોન એનર્જી પ્રા.લી. દ્વારા ૨૪૫૦ કરોડ, જી.એમ. વાલ્વ કંપની દ્વારા ૧૫૦૦ કરોડ, ફોર સ્કવેર ગ્રીન એનર્જી પ્રા.લી. દ્વારા ૧૬૮૦ કરોડ, ગોપાલ નમકીન દ્વારા રૃા. ૧૦૦૦ કરોડ અને બાલાજી વેફર દ્વારા રૃા. ૭૦૦ કરોડ મળી કુલ ૭૨૫૦ કરોડના એમઓયુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

રાજકોટમાં ૨૦૦ કરોડના ખર્ચે ટેકનોલોજી સેન્ટર બનાવાશે

જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, રાજકોટમાં ૧,૪૪,૦૦૦થી વધુ એમએસએમઈ એકમ આવેલાં છે, કેન્દ્ર સરકાર દ્વારા રૃા.૨૦૦ કરોડના ખર્ચે એમએસએમઇ ટેકનોલોજી સેન્ટર બનાવવામાં આવશે. રાજકોટમાં કુલ ૫૪૮ એકર જમીનમાં ૪ નવી ઔદ્યોગિક વસાહત મંજૂર થતા જમીનના કબ્જા સોંપી દેવામાં આવ્યા છે. જ્યારે અન્ય જીઆઇડીસી માટે ૯૭૩ એકર જમીનની ફાળવણી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. 

rajkotmou

Google NewsGoogle News