પ્રતિકૂળ હવામાનને લીધે ભરશિયાળે ડુંગળી-ટમેટા સિવાય શાકભાજી મોંઘુ

Updated: Dec 29th, 2023


Google NewsGoogle News
પ્રતિકૂળ હવામાનને લીધે ભરશિયાળે ડુંગળી-ટમેટા સિવાય શાકભાજી મોંઘુ 1 - image


- શિયાળામાં મહત્તમ ખવાતા ચીકી,જીંજરા,ઉંધિયુ થયા મોંઘા

- ગુવારના જથ્થાબંધ ભાવ પ્રતિ મણના રૂ।.1800, તુરીયા,પરવળ, ભીંડો, રીંગણા જેવા આ ઋતુમાં સસ્તા મળતા શાકભાજીના ભાવ ઉંચા

- રાજકોટ યાર્ડમાં ખેડૂતો શાકભાજી સીધા ગ્રાહકોને પણ વેચી રહ્યા છે, રોજ 8000થી વધુ લોકો-વેપારી શાકભાજી ખરીદવા માટે ઉમટે છે 

રાજકોટ : શાકભાજી ખાવાની સદીઓથી શ્રેષ્ઠ ઋતુ ગણાતા શિયાળામાં આ વર્ષે નોર્મલ ઠંડીની જગ્યાએ ઠંડુ-ગરમ મિશ્ર હવામાન  રહેતા ભરશિયાળે શાકભાજી મોંઘાદાટ મળી રહ્યા છે. રાજકોટ યાર્ડમાં ડુંગળી અને ટમેટા સિવાયના તમામ શાકભાજીઓના ભાવ ઉનાળામાં હોય તેવા સળગી રહ્યા છે. 

યાર્ડના સૂત્રો અનુસાર ડિસેમ્બરમાં સામાન્ય રીતે તાજા શાકભાજીની ધોધમાર આવક થતી હોય છે અને ભાવ વાજબી રહેતા માંગ પણ વધારે રહેતી હોય છે, વેચાણ પણ વધારે થાય છે પરંતુ, આ વર્ષે શિયાળાની ઠંડી નહીં જામતા ભાવ સતત ઉંચા રહે છે. ગુવારના ભાવ વધીને જથ્થાબંધમાં પ્રતિ મણ રૂ।.૧૪૦૦થી ૧૮૦૦ પહોંચ્યા છે. ઉપરાંત આ ઋતુમાં સાવ સસ્તા મળતા તુરીયા, પરવળ,,ટીંડોળાના ભાવ પણ આશ્ચર્યજનક રીતે રૂ।.૧૦૦૦ને પાર થયા છે. શિયાળામાં જ મળતા અને ખવાતા લીલુ આદુ અને લીલુ લસણ રૂ।.૧૬૦૦થી ૨૨૦૦ના ભાવે વેચાય છે. રૂ।.૧૦૦ની મણ લેખે વેચાતી દૂધી પણ રૂ।.૩૦૦થી ૫૦૦ના ભાવ છે. એકમાત્ર ડુંગળી અને ટમેટા રૂ।.૧૦૦થી ૨૫૦ના ભાવે મળે છે. લીંબુના ભાવ પણ આંશિક વધીને રૂ।.૫૦૦-૧૦૫૦એ પહોંચ્યા છે. અનેક શાકભાજી સ્થાનિકેથી આવવાને બદલે બીજા જિલ્લાથી મંગાવવું પડતું હોય પડતર મોંઘી પડે છે તે કારણે ભાવ ઉંચા છે. 

એક તરફ સિંગતેલમાં આજે વધુ રૂ।.૨૦ના વધારા સાથે તે પહેલેથી મોંઘુ રહ્યું છે, મસાલાઓના ભાવ પણ વધ્યા છે અને શાકભાજી મોંઘુ હોય શિયાળામાં ઘરે ઘરે અવારનવાર ખવાતું ઉંધિયુ મોંઘુ થયું છે તો બોર,શેરડી,જીંજરા અને ચીકીના ભાવ પણ ગત વર્ષથી વધ્યા છે. 

રાજકોટ યાર્ડમાં ખેડૂતો સીધા ગ્રાહકોને શાકભાજી વેચી શકે તેવી વ્યવસ્થા કરાયેલી છે અને હાલ રોજ ૮૦૦૦થી વધારે લોકો,છૂટક વેપારીઓ શાકભાજી ખરીદવા આવતા હોય છે. જો કે ખેડૂતો વધુ સમય આ વેચાણ કરી શકતા નથી તેથી અંતે દલાલોને શાકભાજી જથ્થાબંધ વેચવું પડે છે જે શાક પછીથી છૂટક બજારમાં ફેરિયાઓ મારફત બે-ત્રણ ગણા ભાવે વેચાય છે. 


Google NewsGoogle News