ભાવનગરમાં પ્રથમ સ્વાતંત્ર્ય પર્વના અવસરે વિવિધ કાર્યક્રમ યોજાયા હતા

Updated: Aug 15th, 2024


Google NewsGoogle News
ભાવનગરમાં પ્રથમ સ્વાતંત્ર્ય પર્વના અવસરે વિવિધ કાર્યક્રમ યોજાયા હતા 1 - image


- ઈ.સ. 1947 ના રોજ 

- મહારાજાએ શુભેચ્છા પાઠવી હતી : વિવિધ સંસ્થાઓ ઉજવણીના કાર્યક્રમોમાં જોડાઈ હતી

ભાવનગર : આવતીકાલ તા.૧૫ ઓગસ્ટના રોજ 78 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થશે. પરંતુ ૭૭ વર્ષ પહેલા ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ પ્રથમ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કેવી રીતે થઈ હતી તે જાણવું પ્રાસંગિક બની રહેશે. 

શામળદાસ આર્ટસ કોલેજના ઈતિહાસ વિભાગના અધ્યક્ષ ડો. લક્ષ્મણભાઈ વાઢેરે જણાવ્યું હતું કે, ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ સવારે ૧૦ વાગ્યે યશોનાથ મહાદેવના મંદિરના પટાંગણમાં મોટી પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. જેમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતુ કે, 'આજથી શરૂ થતા નવા યુગમાં હિંદ દુનિયાના દેશોમાં મહાન અને ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત કરે એવી મારી શુભેચ્છા છે અને પ્રભુને પ્રાર્થના છે.' મંદિરનું પટાંગણ ભાઈઓ, બહેનો અને બાળકોની હાજરીથી ખીચોખીચ હતું. 

મહારાજાને રાજ્યના ત્રણસો જેટલા સિવિક ગાર્ડે સલામી આપી હતી. આ સભામાં ભાવનગરના નગરશેઠ વ્રજલાલભાઈ ભગવાનદાસે ભારતની સ્વતંત્રતામાં મહાત્મા ગાંધીજીની ભૂમિકાની પ્રશસ્તિ કરી હતી. મોતીલાલ ભાનુશંકર શર્મા (શાસ્ત્રી)એ આશીર્વચન ગાયા હતા. 

મહાલક્ષ્મી મિલમાં શેઠ ભોગીલાલભાઇના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે વિવિધ સંસ્થાઓના બાળકોને મિષ્ટ ભોજન કરાવાયું હતું. બે સંસ્થામાં બાળકોને રોકડ પુરસ્કાર એનાયત કરાયા હતા. 

આ પ્રસંગે શહેરમાં અને ગામડાઓમાં પ્રથમ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના અવસરે અનેક સેવા પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. પાંજરાપોળમાં પશુઓના ઘાસ માટે દાન અપાયું હતું. આમ, અનેકવિધ કાર્યક્રમો સાથે શહેરમાં અને ગામડાઓમાં સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયું હતું. તેમ તેમણે જણાવ્યું હતું.


Google NewsGoogle News