વલ્લભીપુર તાલુકામાં આંગળીના ટેરવે ગણી શકાય તેટલા જ ચેકડેમ
- સુજલામ સુફલામ જળ સંચય યોજના સિમિત બની
- ચોમાસામાં જીવંત થતી નદીઓનો સદઉપયોગ કરવામાં તંત્રની આળસને લઈ ખેડૂત વર્ગ પાણી માટે પરેશાન
ભાવનગર જિલ્લાનાં વલ્લભીપુર તાલુકો મુખ્યત્વે ખેતિ પર નિર્ભર છે. વલ્લભીપુર તાલુકા માં અમદાવાદ-ભાવનગર હાઇવે થી ઊગમણી દિશાએ મોટાભાગનો ભાલ વિસ્તાર પણ આવે છે. જ્યારે આથમણી દિશનો વિસ્તાર વાડી વિસ્તાર છે. તાલુકા માંથી ચાર નદીઓ પણ પસાર થાય છે તેની સપાટી છીંછરી હોવાથી ચોમાસા દરમિયાન વરસાદ નું પાણી આથમણી દિશા થી ઊગમણી દિશા તરફ ભાલ પ્રદેશ વીંધીને દરિયામાં ભળી જાય છે.આ વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે કોઈ કૃત્રિમ વિકલ્પ ઉભો કરવામાં આવ્યો નથી. તેથી નદીમાં ચોમાસા ની તુ માં ત્રણ-ચાર મહિના જ પાણી હોય છે, બાકીના આઠ-નવ મહિના નદી સાવ કોરી હોય છે. આખા તાલુકામાં આંગળી ના વેઢે ગણાય તેટલા જ ચેકડેમ છે અને તેમાં મોટા ભાગનાં તૂટેલા છે. ભાલ વિસ્તારને ખેતી માટે સતત પાણી ની જરૂર રહે છે. આ વિસ્તારમાંથી નહેર પસાર થયેલ છે, પણ જરૂરિયાત મુજબ તેમજ નિયમિત પાણી મળતું નથી તેથી નહેર ના પાણી મેળવવા માટે ભાલ વિસ્તાર હંમેશા સંઘર્ષ કરતું આવ્યું છે.
પિયત માટે તેમજ ભુગર્ભીય પાણીનું સ્તર વધારવા અને ભવિષ્યમાં પાણીની તંગી ન સર્જાય તે માટે વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે વલ્લભીપુર તાલુકાનાં ગામડાઓમાં નવા ચેકડેમો ની સખત જરૂર જણાય રહી છે. ચેકડેમ માટે વાડી વિસ્તારમાં પણ જગ્યાઓ ઉપલબ્ધ છે જ્યારે ભાલ વિસ્તારમાં વિશાળ ખારોપાટ ઉપલબ્ધ છે. વલ્લભીપુર તાલુકાનાં આ બન્ને વિસ્તારમાં સર્વે કરાવી ખેડૂતોની પાણી સંબંધિત વર્તમાન તથા ભવિષ્યની સંભવિત મુશ્કેલીઓને ધ્યાન માં રાખી સુજલામ સુફલામ જળ સંચય યોજના હેઠળ નવા ચેકડેમ તેમજ નદીઓ ઉપર જરૂર મુજબ નવા ડેમ બનાવવા તેમજ નદી અને તૂટેલા ચેક ડેમોને રીપેરીંગ કરી ઊંડા ઉતારવા તાતી જરૂરિયાત છે. જે ઉનાળામાં શક્ય છે.