ગુજરાતમાં ચૂંટણી વખતે ચર્ચામાં રહેલા ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજા સામે વ્યાજખોરીનો ગુનો દાખલ
Rajkot News | રાજકોટમાં દોઢસો ફૂટ રીંગરોડ પર બીગબજાર પાસે આશાપુરા ફાયનાન્સ નામની પેઢી ધરાવતા ક્ષત્રિય આગેવાન પ્રવિણસિંહ ટપુભા જાડેજા (પી.ટી.જાડેજા) વિરુધ્ધ સુરેશભાઈ અમરસિંહભાઈ પરમાર (ઉ.વ.60 રહે.સૂર્યોદય સોસાયટી,કાલાવડ રોડ,રાજકોટ)એ વ્યાજે લીધેલા નાણાં ચૂકવી આપ્યા છતાં મકાનનો અસલ દસ્તાવેજ પડાવી લઈને રાજકોટ છોડાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ માલવિયાનગર પોલીસમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ફરિયાદીએ જણાવ્યા મૂજબ તેને ધંધાના કામ માટે નાણાંની જરૂરિયાત પડતા તેના મિત્ર યશપાલભાઈને વાત કરતા તેણે આરોપી પી.ટી.જાડેજા વ્યાજે પૈસા આપતા હોવાનું જણાવતા તે પ્રવિણસિંહને મળ્યા હતા. ફરિયાદીની સાટાખત અને કુલમુખત્યારનામામાં સહી લેવાઈ હતી. કૂલરૂ 60 લાખ દર મહિને 3 ટકાના વ્યાજે લેવાયા હતા .નાણા આપતી વખતે રૂ 5.40 લાખ વ્યાજના એડવાન્સ કાપી લઈને રૂ 54.60 લાખ અપાયા હતા.
વધુમાં જણાવ્યા પ્રમાણે ફેબુ્રઆરી-2024થી જૂન-2024 દરમિયાન ફરિયાદીએ વ્યાજે લીધેલા રૂ 60 લાખ ઉપરાંત રૂ10.80 લાખ વ્યાજના સહિત કૂલ રૂ 70.80 લાખ ચૂકવી દીધા હતા. આમ છતાં આરોપી પી.ટી.જાડેજાએ મકાનના દસ્તાવેજની અસલ ફાઈલ આપતા ન્હોતા. ગત સપ્ટેમ્બરમાં ફરિયાદીને એવી ધમકી અપાઈ હતી કે આજે રાત્રિના ૧૨ સુધીમાં પૈસા નહીં આવે તો જિંદગી બગાડી નાંખીશ અને રાજકોટ છોડાવી દઈશ. આવા આરોપ સાથે પોલીસમાં ફરિયાદ નોંધાતા પી.એસ.આઈ.ગજેરાએ તપાસ હાથ ધરી છે.