આંગણવાડી દ્વારા માસુમ બાળકોને અપાયેલા ભોજનમાં ઈયળો નિકળતા હોબાળો
- કુપોષણદર ઘટાડવાની યોજના શોભાના ગાંઠીયા સમાન
- ગારિયાધારના મોટી વાવડીના બનાવથી તંત્રમાં દોડધામ, આંગણવાડીના સંચાલકને નોટીસ અપાઈ
મોટી વાવડી ગામની આંગણવાડીમાં માસુમ બાળકોને અપાયેલા ભોજનમાં ઈયળો નિકળતા તંત્રવાહકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી.જો કે, ખોબા જેવડા આ ગામમાં નાના ભૂલકાઓના આરોગ્યના આ મહત્વના પ્રશ્ને વાત વાયુવેગે ચોતરફ ફેલાઈ જતા મોટામસ હોબાળા બાદ તંત્રમાં પણ જાણ થતા આઈ.સી.ડી.એસ. વિભાગના મોટી વાવડી ગામના સુપરવાઈઝર દ્વારા સ્થળ તપાસ તથા ઘટના બાબતે વિઝીટ કરીને આંગણવાડીના સંચાલકને નોટીસ આપી ઘટના બાબતે ખુલાસાઓ માંગ્યા હોવાનું સુપરવાઈઝર દ્વારા જાણવા મળ્યુ હતુ. જયારે એકબાજુ સરકાર તથા તંત્ર બાળકોમાં ચાલી રહેલ કુપોષણદર ઘટાડવા તથા આરોગ્ય મજબુત કરવા લખલૂટ ખર્ચાઓ કરી વ્યાપક પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર કરી રહેલ છે ત્યારે પાછળના બારણે આવી ઘટનાઓ પ્રકાશમાં આવતા તમામ યોજનાઓ જાણે કે, શોભાના ગાંઠીયા સમાન હોય તેમ જાગૃત લોકોને જણાઈ રહ્યુ છે. જયારે આજે મોટી વાવડીમાંથી પ્રકાશમાં આવેલ આ ઘટના બાબતે તંત્રની કયા કચાશ રહી ગયેલ છે અને તે બારામાં આગળની શુ કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યુ.