શહેરમાં ગેરકાયદે 156 નળ કનેકશન મહાપાલિકાએ કટ કરતા ખળભળાટ

Updated: May 16th, 2024


Google NewsGoogle News
શહેરમાં ગેરકાયદે 156 નળ કનેકશન મહાપાલિકાએ કટ કરતા ખળભળાટ 1 - image


- ગેરકાયદે નળ કનેકશન લઈ પાણી ચોરી કરાતા મહાપાલિકાની લાલ આંખ 

- મહાપાલિકાની ટીમે 1,522 નળ કનેકશનો ચેક કર્યા, 156 ગેરકાયદે અને 43 મોટી સાઈઝના કનેક્શનો મળી આવતા કાર્યવાહી 

ભાવનગર : ભાવનગર શહેરમાં પાણી સમસ્યાની ફરિયાદ વધતા મહાપાલિકાએ તપાસ હાથ ધરી હતી અને આ તપાસમાં ઘણા ગેરકાયદે નળ કનેકશન મળ્યા હતા તેથી મહાપાલિકાના વોટર વર્કસ વિભાગે ગેરકાયદે નળ કનેકશન કટ કર્યા હતાં. ગેરકાયદે નળ કનકશનથી પાણી ચોરી કરાતી હતી તેથી મહાપાલિકા દ્વારા પેનલ્ટી અને પાણી ચાર્જ વસુલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.  

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને દૈનિક ધોરણે પુરતા પ્રમાણમાં પાણી સપ્લાય કરવામાં આવે છે પરંતુ ઘણા મિલકત ધારકો દ્વારા વગર મંજૂરીના ગેરકાયદેસર કનેક્શન, એકથી વધુ કનેકશનો કે મોટી સાઈઝના ગેરકાયદેસર કનેકશનો લેવામાં આવતા હોવાનું ધ્યાન પર આવ્યુ છે, જેના કારણે જે તે વિસ્તારમાં અન્ય મિલકત ધારકોને અપૂરતા પ્રમાણમાં અથવા તો અપૂરતા પ્રેશરથી પાણી મળતું હોવાની ફરિયાદો મળી રહી છે. આ બાબતે કમિશનરની સુચનાં અનુસાર આ પ્રશ્ન નિવારવા મહાનગરપાલિકાનાં વોટર વર્કસ વિભાગ દ્વારા ગત તા. ૦૯ મે-૨૦૨૪થી શહેરનાં તમામ ઝોનમાં તબક્કાવાર વિવિધ વિસ્તારોમાં આવા ગેરકાયદેસર કનેક્શનો ટ્રેસ કરવાની ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે, જેમાં વોટર વર્કસ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧,૫૨૨ કનેકશનો ચેક કરવામાં આવ્યા હતા જે પૈકી ૧૫૬ ગેરકાયદેસર અને ૪૩ મોટી સાઈઝના કનેક્શનો મળી આવ્યા હતા, જેને મહાનગરપાલિકા દ્વારા કટ કરવામાં આવ્યા છે તેમજ આવા મિલકત ધારકોને પેનલ્ટી સાથે પાણી ચાર્જ વસુલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. 

આજરોજ કુંભારવાડા વિસ્તારની અક્ષરપાર્ક સોસાયટી, શેરી નં-૩માં વોટર વર્કસ વિભાગની સપ્લાય લાઈનની અંદરથી જ એકથી વધુ પાઈપ દોડાવી લાઈન બ્લોક કરી પાણી ચોરી કરવામાં આવી રહી હોવાનું ધ્યાન પર આવતા આવા કુલ ૮ કનેક્શન ટ્રેસ કરી તેનાં પીવીસી પાઈપ જપ્ત કરી આ મિલકત ધારકોના તમામ પાણી કનેક્શન કટ કરવામાં આવેલ છે તેમજ તેમની પાસેથી પેનલ્ટી તેમજ પાણી ચાર્જ વસુલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા દૈનિક ધોરણે આ પ્રકારે કનેક્શન ટ્રેસ કરી ગેરકાયદેસર કનેક્શનો કાપવાની અને પેનલ્ટી તથા ચાર્જ વસુલવાની કાર્યવાહી સઘન ઝુંબેશ સ્વરૂપે શરૂ રહેશે તેમ વોટર વર્કસ વિભાગના અધિકારીએ જણાવેલ છે. 


Google NewsGoogle News