લીંબડી પાસે રાત્રે કાર પલટી જતાં ઉપલેટાના ધારાસભ્યની પાંસળીઓ તૂટી

Updated: Jan 16th, 2024


Google NewsGoogle News
લીંબડી પાસે રાત્રે કાર પલટી જતાં ઉપલેટાના ધારાસભ્યની પાંસળીઓ તૂટી 1 - image


ગાંધીનગર જતી વેળા રસ્તે પડેલી મૃત ભેંસ અકસ્માતનું કારણ બની

સાથે રહેલા રાજકોટ જિલ્લા ભાજપ મંત્રીને ડાબા હાથમાં મલ્ટિપલ ફ્રેકચર, બન્નેને લીંબડી બાદ રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા

ઉપલેટા: ગત રાતે એકવાગ્યાના સુમારે ઉપલેટાના ધારાસભ્યની કિયા ગાડીને લીંબડી નજીક અકસ્માત નડતા આ કાર ગડગોથિયા ખાઈને ટોટલ લોસ થઈ ગઈ હતી. આ કારમાં સવાર ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા અને એમની સાથેના રાજકોટ જિલ્લા ભાજપના મંત્રી રવિભાઈ માકડિયાને ગંભીર ઈજાઓ થતાં લીંબડી ભાજપના આગેવાનોએ બન્નેને સારવારમાં લીંબડીની સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા. એ પછી બન્નેને રાજકોટ શિફ્ટ કરવામાં આવ્યા છે. 

બનાવની પ્રાપ્ત વિગત મુજબ ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા અને રાજકોટ જિલ્લા ભાજપના મંત્રી ડ્રાઈવર સાથે કિયા કાર લઈને ઉપલેટાથી ગાંધીનગર જવા નીકળ્યા હતા આ વખતે કાર લીંબડી પાસે પહોંચી એ જ સમયે આ કારની આગળ એક ટ્રક હતો અને બન્ને શોર્ટ માર્જિનમાં આગળ વધતા હતા આ દરમિયાન રસ્તા વચ્ચે ટ્રક ડ્રાઈવરને મૃત  ભેસ દેખાતા તેણે તુરતજ સ્ટિયરિંગ ઘુમાવી ટ્રકને ભેસથી બચાવી લીધો હતો અને એ પછી તુરતજ પાછળ રહેલી કારના ચાલકને કાંઈ ખબર પડે એ પહેલા જ આ ભેસ સાથે અથડાઈ ગઈ હતી.જેના કારણે ભારે ધડાકા સાથે કાર  રસ્તા પર ગોથા મારી ગઈ હતી.જેના કારણે કાર ટોટલ લોસ થઈ ગઈ હતી .

જયારે કારમાં સવાર થયેલા ધારાસભ્યને પાસળીઓમાં ઈજા થઈ હતી. જયારે એમની સાથેના ભાજપ મંત્રીને ડાબા હાથના ખંભાથી કોણી સુધીમાં પાંચ પાંચ મલ્ટિપલ ફ્રેકચર થઈ ગયા હતા. આ કારમાં ચાલક સહિત ત્રણ જણા જ હતા. બનાવ બન્યા બાદ લીંબડીના ભાજપ આગેવાનો હાઈવે પર દોડી ગયા હતા અને બન્નેને લીંબડીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. જોગાનુંજોગ એ જ સમયે એમ કહેવાય છે કે ઓર્થોપેડિક ડોકટરની સવલત ન મળતા આખરે બન્નેએ રાજકોટ પરત ફરવાનું નકકી કર્યું હતુ. આથી બન્નેને પ્રથમ લીંબડીની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ  રાજકોટ લાવી ૧૫૦ ફૂટ રિંગરોડ પર એક ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા.જયાં ધારાસભ્યન પાંસળીની ઈજાની સારવાર આપી હતી અને એ પછી હોસ્પિટલમાંથી મુક્ત કરાયાની વિગતો મળી છે. જયારે રાજકોટ જિલ્લા ભાજપ મંત્રી માકડિયાને ડાબા હાથમાં ખંભાથી કોણી સુધીમાં પાંચ જગ્યાએ મલ્ટિપલ ફ્રેકચર જોવા મળતા એમની સારવાર કરવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે હાઈવે પર રખડતા પશુઓ અકસ્માત નોતરે છે. જેના પર કોઈ જ નિયંત્રણ થતું નથી. વાહનચાલકો જીવ પડિકે બાંધીને વાહનો ચલાવે છે. 


Google NewsGoogle News