ભાવનગર શહેર-જિલ્લામાં બરફના કરા સાથે ઝરમરથી લઈ પોણો ઇંચ કમોસમી વરસાદ

Updated: Nov 26th, 2023


Google NewsGoogle News
ભાવનગર શહેર-જિલ્લામાં બરફના કરા સાથે ઝરમરથી લઈ પોણો ઇંચ કમોસમી વરસાદ 1 - image


શીયાળાની ઋતુમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો, ૧૮ કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો 

ભાવનગર તાલુકામાં પોણો ઇંચ, ઉમરાળા, મહુવા, વલ્લભીપુર, ઘોઘા, તળાજા વગેરે તાલુકામાં અડધો ઇંચ કમોસમી વરસાદ વરસ્યો 

ભાવનગર: હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી હતી, જેના પગલે આજે રવિવારે ભાવનગર શહેર અને જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં બરફના કરા સાથે ઝરમરથી લઈ પોણો ઇંચ કમોસમી વરસાદ પડયો હતો. શીયાળાની ઋતુમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. ૧૮ કિલોમીટરની ઝડપ પવન ફુંકાયો હતો. ભાવનગર તાલુકામાં પોણો ઇંચ કમોસમી વરસાદ પડયો હતો. ઉમરાળા, મહુવા, વલ્લભીપુર, ઘોઘા, તળાજા વગેરે તાલુકામાં અડધો ઇંચ કમોસમી વરસાદ વરસ્યો હતો. ગારિયાધાર, જેસર, પાલિતાણા, સિહોર તાલુકામાં ઝરમર વરસાદ નોંધાયો હતો. અનેક વિસ્તારમાં વૃક્ષો પડી ગયા હતા અને કેટલાક વિસ્તારમાં વીજ પોલ ધરાશાઈ થયા હતાં. ભારે પવનના કારણે જાહેરાતના બેનર-હોર્ડીંગ્સ તૂટી પડયા હતા, જયારે કેટલાક વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. ખેતીના પાકને નુકશાન થયુ હતુ અને માર્કેટીંગ યાર્ડમાં પણ કેટલોક ખેતીના પાક પલળી ગયો હતો. 

ભાવનગર શહેર અને જિલ્લામાં આજે રવિવારે કમોસમી વરસાદની આગાહીના પગલે સવારથી જ આકાશમાં કાળા ડીંબાગ વાદળો જોવા મળ્યા હતાં. ત્યારબાદ કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ શરૂ થયો હતો. ભાવનગર શહેર અને જિલ્લાના ઘણા વિસ્તારમાં આજે બરફના કરા સાથે ઝરમરથી લઈ પોણો ઇંચ કમોસમી વરસાદ પડયો હતો, જેમાં ભાવનગર તાલુકામાં ૧૭ મીલીમીટર, ઉમરાળા તાલુકામાં ૧પ મીમી, મહુવા તાલુકામાં ૧પ મીમી, વલ્લભીપુર તાલુકામાં ૧૪ મીમી, ઘોઘા તાલુકામાં ૧ર મીમી, તળાજા તાલુકામાં ૧ર મીમી, ગારિયાધાર તાલુકામાં ૭ મીમી, જેસર તાલુકામાં ૪ મીમી, પાલિતાણા તાલુકામાં ર મીમી અને સિહોર તાલુકામાં ર મીમી કમોસમી વરસાદ નોંધાયો હોવાનુ ડિઝાસ્ટર વિભાગના સુત્રોએ જણાવેલ છે. 

કમોસમી વરસાદ પડતા શીયાળાની ઋતુમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. વરસાદના પગલે કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા હતાં. બપોરના સમયે ભાવનગર શહેરના ઘણા વિસ્તારમાં બરફના મોટા મોટા કરા પડયા હતા તેથી લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. બરફના કરા પડતા બાળકોમાં આનંદની લાગણી ફરી વળી હતી. લોકોના બરફના કરા ભેગા કરતા જોવા મળ્યા હતાં. વરસાદની સાથે ૧૮ કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો હતો. ભારે પવન અને કમોસમી વરસાદના કારણે શહેર અને જિલ્લામાં ઘણા વૃક્ષો પડી ગયા હતા, કેટલાક વિસ્તારમાં વીજળીના થાંભલા પડી ગયા હતા અને વીજળી ગુલ થઈ ગયાની ફરિયાદ ઉઠી હતી. ભારે પવનના કારણે જાહેરાતના બેનર-હોર્ડીંગ્સ તૂટી પડયા હતાં. કમોસમી વરસાદના કારણે મગફળી, કપાસ વગેરે પાકને નુકશાન થયુ હતુ અને માર્કેટીંગ યાર્ડમાં મગફળી, કપાસ વગેરેનો માલ પલળી ગયો હતો તેથી ખેડૂત તેમજ વેપારીઓમાં કચવાટ ફેલાયો હતો. આવતીકાલે સોમવારે પણ હજુ કમોસમી વરસાદની આગાહી છે ત્યારે લોકોએ સાવચેત રહેવુ જરૂરી છે. કમોસમી વરસાદે લોકોની મૂશ્કેલી વધારી હોવાનુ ચર્ચાય રહ્યુ છે. 

ગારિયાધાર, જેસર, પાલિતાણા, સિહોર તાલુકામાં ઝરમર વરસાદ નોંધાયો ઃ અનેક વિસ્તારમાં વૃક્ષો પડી ગયા, કેટલાક વિસ્તારમાં વીજ પોલ ધરાશાઈ 

ભારે પવનના કારણે જાહેરાતના બેનર-હોર્ડીંગ્સ તૂટી પડયા, કેટલાક વિસ્તારમાં 

વીજળી ગુલ ઃ ખેતીના પાકને નુકશાન 

શહેર અને જિલ્લામાં ૧૦૦થી વધુ વૃક્ષો ધરાશાઈ 

ભાવનગર શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદના પગલે આશરે ૧૦૦થી વધુ વૃક્ષો ધરાશાઈ થયા હોવાનુ લોકમુખે ચર્ચાય રહ્યુ છે. શહેરના ભરતનગર, રીંગ રોડ, સર તખ્તસિંહજી હોસ્પિટલ, કાળુભા રોડ, વિદ્યાનગર, આનંદનગર, આંબાવાડી, વાઘાવાડી રોડ, ઘોઘાસર્કલ, પીલગાર્ડન, ચાવડીગેટ, જિલ્લા પંચાયત સહિતના વિસ્તારમાં વૃક્ષ પડયા હતાં. ફાયર વિભાગને જુદા જુદા વિસ્તારમાં ૧૦ વૃક્ષ પડયા હોવાની ફરિયાદ મળી હતી, જેના પગલે ફાયર વિભાગે કામગીરી હાથ ધરી હતી. કેટલાક વિસ્તારમાં વૃક્ષ ધરાશાઈ થતા રોડ બંધ થઈ ગયા હતા અને ટ્રાફીકજામ સર્જાયો હતો. વૃક્ષો પડી જતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો. 

૩૦થી વધુ બેનર-હોર્ડીંગ્સ તૂટી પડયા 

ભાવનગર શહેર-જિલ્લામાં કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે ૩૦થી વધુ બેનર-હોર્ડીંગ્સ તૂટી પડયા હતાં. સદ્નસીબે કોઈ જાનહાની થઈ ના હોવાનુ જાણવા મળેલ છે. ખાનગી અને સરકારી જાહેરાતના બેનર-હોર્ડીંગ્સ ફાટી ગયા હતાં. જિલ્લા પંચાયત, મહાપાલિકા, જિલ્લા કલેક્ટર કચેરી, ડીએસપી કચેરી, કેર્સંન્ટ સર્કલ, કાળાનાળા સહિતના શહેરના વિસ્તારમાં તેમજ તાલુકા મથકોએ બેનર-હોર્ડીંગ્સ તૂટી પડયા હોવાનુ જાણવા મળેલ છે.  


Google NewsGoogle News