બોટાદમાં દંપતીને કાકા-ભત્રીજાએ ધમકી આપી, મહિલાએ દવા પીધી
બીજીવાર પૈસા મંગવા આવ્યા તો હાથ-પગ ભાંગીને મારી નાંખીશું..
ત્રણેક વર્ષ પહેલા હાથઉછીના આપેલા બે લાખની ઉઘરાણી કરવા શખ્સના ઘરે ગયા હતા
ભાવનગર: બોટાદ શહેરમાં હાથઉછીના આપેલા બે લાખ રૂપિયાની ઉઘરાણી કરવા શખ્સના ઘરે ગયેલા દંપતીને કાકા-ભત્રીજાએ હાથ-પગ ભાંગી મારી નાંખવાની ધમકી આપતા તેની લાગી આવતા મહિલાએ ઝેરી દવા પી લીધી હતી.
બનાવની મળતી વિગત અનુસાર બોટાદના ઢાંકણિયા રોડ, બાપા સીતારામનગરમાં રહેતા ચંદુભાઈ ગોવિંદભાઈ સાથળિયાએ ત્રણેક વર્ષ પહેલા ચતુર ચીકાભાઈ ચેખલિયા (રહે, ઢાંકણિયા રોડ, મેલડી માતાના બોર્ડ પાસે, બોટાદ) નામના શખ્સને તેનું મકાન વેચાયા બાદ પૈસા પરત કરવાની બોલીએ બે લાખ રૂપિયા હાથઉછીના આપ્યા હતા. બાદમાં શખ્સનું મકાન વેચાઈ ગયું છતાં રૂપિયા આપવામાં આજ-કાલ કરી બહાના કાઢતો હોય, જેથી ગત તા.૨૫-૮ના રોડ ચંદુભાઈ અને તેમના પત્ની સવિતાબેન સાથળિયાએ ચતુર ચેખલિયાના ઘરે રૂપિયાની ઉઘરાણી કરવા જતાં ચતુર અને તેના કાકા ભોથા ભગાભાઈ ચેખલિયાએ ઉશ્કેરાઈ જઈ ગાળો દઈ 'તમારા પૈસા ભૂલી જજો, હું કોઈને પૈસા પાછા આપતો નથી, હવે તમે બોટાદ મુકી દેજો અને બીજીવાર અમારી પાસે પૈસા માંગવા આવ્યા તો હાથ-પગ ભાંગીને મારી નાંખીશું' તેવી ધમકી આપી ઝઘડો કર્યો હત. જે વાતને લઈ સવિતાબેનએ પોતાના ઘરે જાતેથી કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેણીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે સવિતાબેન ચંદુભાઈ સાથળિયા (ઉ.વ.૪૫)એ બન્ને શખ્સ ચતુર ચીકાભાઈ ચેખલિયા અને ભોથા ભગાભાઈ ચેખલિયા સામે બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.