ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેન્ક કર્મચારીનું સારવારમાં મોત, બનાવ હત્યામાં પરિણમ્યો
- મહિલાના પતિ સહિત બન્ને શખ્સ જેલમાં, પોલીસે હત્યાની કલમનો ઉમેરો કર્યો
- સત્યનારાયણ સોસાયટીના મહિલાએ લોનના હપ્તા ન ભરતા કર્મચારીઓ નોટિસ આપવા ગયા ત્યારે છરીના ઘા ઝીંકી દેવાયા હતા
પ્રાપ્ત થતી વિગતો અનુસાર શહેરના ટોપ-૩ સર્કલ પાસે શિવશક્તિ આર્કડ ખાતે રહેતા અને ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેન્કમાં આસીસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા વિવેકભાઈ મુકેશભાઈ દવેએ ગત તા.૨૯-૬-૨૪ના રોજ બોરતળાવ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, શહેરના હાદાનગર સ્થિત સત્યનારાયણ સોસાયટી-૨માં રહેતા ચંપાબેન ગીરીશભાઈ ચુડાસમાએ ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેન્ક સખી મંડળમાંથી રૂા.૪૫,૦૦૦ની લોન લીધી હતી. લોનના હપ્તા રેગ્યુલર ન હોય અને ચંપાબેનના સસરા છગનભાઈએ લોનના હપ્તાની જવાબદારી લીધી હોવા છતાં છેલ્લા માસનો હપ્તો ભરપાઈ કરવામાં આવ્યું ન હતો. તેથી પંકજભાઈ, વિપુલભાઈ, પ્રિયાશુભાઈ અને વિવેકભાઈ એમ ચાર કર્મચારી ચંપાબેન ચુડાસમાને નોટિસ બજાવવા તેમના ઘરે ગયા હતા. આ સમયે મહિલાનો પતિ ગીરીશ છગનભાઈ ચુડાસમા અને એક આજાણ્યો શખ્સે બાઈક લઈ આવી ગીરીશે છરી કાઢી પંકજભાઈને કહેલ કે, આજે તો તને મારી નાખું એટલે મારી લોન પુરી થઈ જાય અને તું મારા ઘરે આવતો બંધ થઇ જા. તેમ કહીં પંકજભાઈ જોશીને પેટના ભાગે ગીરીશે છરીનો મારી દીધો હતો. જ્યારે બીજો ઘા મારવા જતાં ગીરીશને પકડી લેતા તેની સાથે આવેલા અજાણ્યા શખ્સે વિવેકભાઈને પકડી રાખી પંકજભાઈને પાટું મારી ચારેયને ગાળો આપી હતી. દરમિયાનમાં પંકજભાઈ નટુભાઈ જોશીને લોહીલુહાણ હાલતમાં બાઈકમાં બેસાડી પ્રથમ રેલવે હોસ્પિટલ બાદ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં સર ટી. હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે આરોગ્ય હોસ્પિટલ દાખલ કરાતા પંકજભાઈ જોશીનું આજે સારવાર દરમિયાન મૃત્યુ થતા મારામારીનો બનાવ હત્યામાં પરિણમ્યો હતો. જેના આધારે બોરતળાવ પોલીસે બન્ને શખ્સ સામે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે. વધુમાં કર્મચારીને છરીના ઘા ઝીંકી દેનાર ગિરીશ છગનભાઈ ચુડાસમા અને વિજય ઉર્ફે નાગ લાલજીભાઈ બારૈયાની પોલીસે ગત તા.૨-૭ના રોજ ધરપકડ કરી જેલહવાલે કરી દીધાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.