Get The App

કેકેવી હોલ ચોક પાસે કારે હડફેટે લેતાં બાઈક સવાર બે યુવાનને કાળ ભેટયો

- રાજકોટ શહેરમાં બે હિટ એન્ડ રન અકસ્માતમાં ત્રણનાં મોત

- કિરણ સોસાયટીમાં ઘર પાસે રમતી બાળકીનું બોલેરો નીચે કચડવાથી મૃત્યુ

Updated: Apr 21st, 2019

GS TEAM


Google News
Google News
કેકેવી હોલ ચોક પાસે કારે હડફેટે લેતાં બાઈક સવાર બે યુવાનને કાળ ભેટયો 1 - image



રાજકોટ, તા. 21 એપ્રિલ 2019, રવિવાર

શહેરમાં આજે વહેલી સવારે કેકેવી હોલ ચોક પાસે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં  રામનાથપરામાં રહેતા મુસ્તકીમ નૂરુલ ઇસ્લામ શેખ(૧૭) અને તેના મિત્ર રોહિદ શેખ(૧૯)નાં કાર હડફેટે મોત થયાં હતાં. જ્યારે કોઠારિયા મેઈન રોડ પાસે કિરણ સોસાયટીમાં બોલેરોની ઠોકરે સાડા ત્રણ વર્ષની નીવા સાગરભાઈ શિંગાળાએ પ્રાણ ગુમાવ્યા હતા. એક જ દિવસમાં હિટ એન્ડ રન અકસ્માતની બબ્બે ઘટના બે યુવાન તથા એક માસૂમ બાળકીને ભરખી જતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. 

પોલીસે જણાવ્યું કે, રામનાથપરા શેરી-૨માં રહેતા અને સોનીકામનો વ્યવસાય કરતા મૂળ પશ્ચિમ બંગાળના વતની નૂરુલ ઇસ્લામ નામદાર અલી શેખ(ઉ.વ.૪૬)નો પુત્ર મુસ્તકીમ અને તેનો મિત્ર રોહિદ ગઈકાલે શબે બરાત હોવાથી રાત્રે બાઈક લઈને નમાજ પઢવા નીકળ્યા હતા. 

મોડી રાત્રે તેઓ ચા-પાણી પીવા માટે કાલાવડ રોડ બાજુ ગયા હતા. ૩ વાગ્યાની આસપાસ બન્ને યુવાન કેકેવી હોલ ચોક પાસેથી પસાર થતા હતા ત્યારે ઇન્દિરા સર્કલ તરફથી નંબર વિનાની  સફેદ કલરની ફોર્ચ્યુન કારે બાઈક પર જતા બન્ને યુવાનને હડફેટે લીધા હતા. કાર ચાલક ફરાર થઈ ગયો હતો.  માલવિયાનગર પોલીસે નૂરુલ ઇસ્લામની ફરિયાદ આધારે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. 

જ્યારે કિરણ સોસાયટી મેઈન રોડ પર રહેતા અને મજૂરીકામ કરતા સાગરભાઈ કેશુભાઈ શિંગાળા(૨૯)ની એકની એક પુત્રી નીવા આજે સવારે સાડા નવ વાગ્યાના અરસામાં ઘર પાસે રમતી હતી ત્યારે ત્યાંથી પૂર ઝડપે પસાર થયેલી બોલેરોના પાછળના વ્હીલમાં આવી જવાથી તેણે જીવ ગુમાવ્યો હતો. ભક્તિનગર પોલીસે સાગરભાઈની ફરિયાદ પરથી ગુનો નોંધી બોલેરો ચાલક હરેશ જીણાભાઈ સોટિયાની ધરપકડ પણ કરી હતી. 

Tags :