સિરામિક ફેક્ટરીમાં કોલસાના ઢગલામાં આગથી બે શ્રમિકો દાઝયા, એકનું મોત
- મોરબીના જાંબુડિયા ગામ નજીક આવેલી
મોરબી : મોરબી તાલુકાના જાંબુડિયા ગામે આવેલી સિરામિક ફેક્ટરીનાં સ્પ્રે ડાયર વિભાગમાં કોલસામાં ધુમાડો નીકળતો હોય જેથી શ્રમિકો પ્લેટફોર્મ પર ચડી ગરમ કોલસો આઘો પાછો કરતા હતા ત્યારે આગનો ભડકો થતા બે શ્રમિકો દાઝી ગયા હતા જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં એક શ્રમિકનું સારવારમાં મોત થયું હતું
- સ્પે ડ્રાયર વિભાગમાં કોલસામાંથી ધુમાડા નિકળતા કોલસો આઘો-પાછો કરતી વખતે અચાનક ભડકો થતા દુર્ઘટના
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ પશ્ચિમ બંગાળના વતની અને હાલ જાંબુડિયા ગામની સીમમાં આવેલ ઓલવિન સિરામિકમાં કામ કરતા સંજયદાસ સુરજકાન્તા દાસ (ઉ.વ.૩૪) અને દિનેશ તુલસીરામ બારેલા (ઉ.વ.૨૧) (રહે મૂળ એમપી) બંને ઓલવીન સિરામિક કારખાનાના સ્પ્રે ડાયર વિભાગમાં ગત તા. ૧૪ ના રોજ બપોરે કોલસાના પ્લેટફોર્મ પર કોલસામાં ધુમાડા નીકળતા હતા. જેથી આગ ન લાગે તેના માટે બંને પાવડા વડે સ્પ્રે ડાયરના પ્લેટફોર્મ પર ચડી ગરમ કોલસાને આઘો પાછો કરતા હતા ત્યારે કોલસામાંથી અચાનક મોટી આગનો ભડકો થતા આગની જ્વાળાને પગલે બંને શ્રમિકો ગંભીર રીતે આખા શરીરે દાઝી ગયા હતા
જેથી બંને શ્રમિકોને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન સંજયદાસ સુરજકાન્તા દાસનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.