Get The App

લાઠી પંથકમાં વીજળી ત્રાટકતાં બે મહિલા,ત્રણ બાળકોનાં મોત

Updated: Oct 20th, 2024


Google NewsGoogle News
લાઠી પંથકમાં વીજળી ત્રાટકતાં બે મહિલા,ત્રણ બાળકોનાં મોત 1 - image


- આંખ આંજી દેતા પ્રકાશ અને કાનમાં ધાક પાડી દેતા પ્રચંડ અવાજ સાથે 

- ભારે વરસાદ વચ્ચે આંબરડીમાં કપાસ વીણવાનું કામ કરી 13 શ્રમિકો ઘરે પરત ફરતા હતા ત્યારે નદી કાંઠા પાસે વીજળી પડી, પાંચનાં મૃત્યુથી અરેરાટી

અમરેલી : સૌરાષ્ટ્રમાં આસો માસની શરદપુનમ પછી પણ અષાઢ જેવો ગાજવીજ સાથે વરસાદ વરસવાનું જારી છે ત્યારે આજે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આંબરડી ગામે પ્રચંડ વિજળી ત્રાટકતા ખેતમજુરી કરતા દેવીપૂજક પરિવારોના ત્રણ માસુમ બાળકો અને બે મહિલા સહિત પાંચના કમકમાટીભર્યા મોત નીપજતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી ફેલાઈ હતી. 

પ્રાપ્ત વિગત અનુસાર અમરેલી પંથકમાં આજે બપોર બાદ હવામાનમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદ શરુ થયો હતો. આ દરમિયાન લાઠી તાલુકાના આંબરડી ગામે કપાસ વીણવાનું કામ કરતા ઉપરોક્ત મૃતકો સહિત ૧૩ શ્રમિકો આજે ખેતરે કામ કરીને પરત ઘર તરફ જઈ રહ્યા હતા. સાંજે સાડાચારની આસપાસ આ ખેતમજુરો બાળકો સાથે નદી કાંઠે આવેલા વાડી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા  ત્યારે આભમાંથી મોત બનીને વિજળી પડતા (૧) ભારતીબેન ભાવેશભાઈ સાથળીયા (ઉ.વ.૩૫), (૨) શિલ્પાબેન વિજયભાઈ સાંથળીયા (ઉ.૧૮) (૩) રૃપાલી દલસુખભાઈ વણોદિયા (ઉ.૮), (૪) રાધે ભાવેશભાઈ સાંથળીયા (ઉ.૫) અને (૫) રિધ્ધિ ભાવેશભાઈ સાંથળીયા (ઉ.૫) એ ત્રણ માસુમ બાળકો અને બે મહિલાઓ સખત દાઝી જતા સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યા હતા. 

વિજળીનો ધડાકો એટલો પ્રચંડ હતો કે ત્યાં હાજર લોકોના કાન બંધ થઈ ગયા હતા, ધાક પડી ગઈ હતી અને પ્રકાશના તેજલીસોડાથી આંખો અંજાઈ ગઈ હતી. વિજળી એટલી ભયાનક હતી કે તેનાથી ત્રણ વ્યક્તિઓની ગભરાહટથી તબિયત લથડતા તેમને પણ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. અને આંખો આંજી દે તેવો પ્રકાશનો ચમકારો થયો હતો. 

ખેતરમાં બનેલા આ બનાવ અંગે એક છોકરીએ નદીના પેલે પાર જઈને પરિવારજનોને જાણ કરતા લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ વાનો બોલાવાઈ હતી. આ શ્રમિકોએ જણાવ્યું કે તેઓ મણના ભાવે કપાસ વીણવાના કામ માટે ખેતરે ગયા હતા અને તે દરમિયાન ગાજવીજ સાથે વરસાદ શરુ થતા ખેડૂતે હવે તમે ઘરે જતા રહો તેમ કહેતા પરત આવી રહ્યા હતા. એક સાથે પાંચ પાંચ વ્યક્તિઓના કમકમાટીભર્યા મોતથી સમગ્ર પંથકમાં શોકનું મોજુ પ્રસરી ગયું હતું. તાલુકા,જિલ્લાના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા.



Google NewsGoogle News