Get The App

વેપારી પાસેથી 5 લાખની ખંડણી માંગનાર બે ઝડપાયા

Updated: Nov 29th, 2023


Google NewsGoogle News
વેપારી પાસેથી 5 લાખની ખંડણી માંગનાર બે ઝડપાયા 1 - image


ક્રાઈમ બ્રાંચની કાર્યવાહી, ત્રીજા આરોપીની શોધખોળ

એક આરોપી વેપારીની દુકાનમાં જ અગાઉ કામ કરતો હતો, ટુ વ્હીલર અને છરી કબ્જે

રાજકોટ: પેડક રોડ પરની અવધપુરી સોસાયટી શેરી નં.રમાં રહેતાં અને શ્રી રણછોડનગર શેરી નં.૩માં ઈમિટેશનની દુકાન ધરાવતાં ચંદ્રકાંતભાઈ જીણજા (ઉ.વ.૪ર)ને ફોન કરી અને રૂબરૂ મળી રૂા.પ લાખની ખંડણી માંગનાર બે આરોપીઓ કિશન જેન્તી વાઘેલા  (ઉ.વ.ર૧) અને હુશેન સલીમભાઈ કુરેશી (ઉ.વ.ર૦) (રહે. બંને ગંજીવાડા શેરી નં.૧પ)ને ક્રાઈમ બ્રાંચે ઝડપી લઈ બી-ડિવીઝન પોલીસને સોંપી દીધા હતા. 

આ ગુનામાં દેવાંગ નામનો આરોપી હજુ મળ્યો નથી. જેની ક્રાઈમ બ્રાંચે શોધખોળ જારી રાખી છે. ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું કે આરોપી કિશન ત્રણ-ચાર વર્ષ પહેલાં ચંદ્રકાંતભાઈની દુકાનમાં નોકરી કરતો હતો. જેથી તેના સ્વભાવથી પરિચીત હતો. તેને ખાત્રી હતી કે જો ધમકી આપશું તો આસાનીથી ખંડણીની રકમ ચુકવી દેશે. જેથી તેણે બે મિત્રોને સાથે રાખી રૂા.પ લાખની ખંડણી માંગી હતી. 

પરંતુ તેની ગણતરી ઉંધી વળી હતી. ચંદ્રકાંતભાઈએ આ અંગે ગઈકાલે બી-ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાંચે બંને આરોપીઓને ઝડપી લીધા હતા. 

ઉલ્લેખનીય છે કે ચંદ્રકાંતભાઈ પરિવાર સાથે જૂનાગઢ ફરવા ગયા હતા. તે વખતે આરોપીઓએ કોલ કરી ખંડણી માંગી હતી. પરંતુ ચંદ્રકાંતભાઈએ જવાબ નહીં દેતાં આરોપીઓએ પેડક રોડ ઉપર ઉભા રાખી ખંડણી માંગી હતી. ક્રાઈમ બ્રાંચે ગુનામાં વપરાયેલ ટુ વ્હીલર, ચાર મોબાઈલ ફોન અને છરી પણ આરોપીઓ પાસેથી કબ્જે કરી હતી. 


Google NewsGoogle News