ફટાકડાના જથ્થાબંધ બન્ને વેપારીને ત્યાંથી પોણા બે કરોડની કરચોરી ઝડપાઈ
- દિવાળી પૂર્વે સ્ટેટ જીએસટીની તપાસ : બીલ વગર થતો હતો ફટાકડાનો વેપાર
- ગત શુક્રવારે શહેરમાં ફટાકડાના હોલસેલ વેપારીઓના 4 સ્થળોએ સ્ટેટ જીએસટી દ્વારા તપાસ હાથ ધરાઈ હતી
સ્ટેટ જીએસટી ભાવનગર ડિવિઝન દ્વારા ગત શુક્રવારે સાંજે ૪ કલાકના અરસામાં શ્રીજી ફટાકડા અને જીતુ ફટાકડા એમ શહેરની બે નામી પેઢીઓના ચાર સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી. વિભાગ દ્વારા શુક્રવારે શરૂ કરવામાં આવેલી તપાસ શનિવારે મોડી રાત સુધી ચાલી હતી. ૨૪ કલાક કરતા વધારે સમયની તપાસણીમાં વિભાગે પેઢીઓના ખરીદ-વેચાણ સ્ટોક સહિતની બાબતોની ચકાસણી કરી હતી. જેમાં બન્ને પેઢીમાંથી કુલ પોણા બે કરોડ રૂપિયાની કરચોરી ઝડપાઈ હતી. આ પેઢીઓ દ્વારા બીલ વગર માલનું વેચાણ કરી કરચોરી કરવામાં આવતી હોવાથી વિભાગ દ્વારા પેઢીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સ્ટેટ જીએસટી વિભાગમાં મોટાપાયે અધિકારીઓની બદલીઓ થયા પછી લાંબા સમય સુધી વિભાગ સુષુપ્ત અવસ્થામાં હતો. પરંતુ દિવાળીની તેજીનો લાભ લઈ કરચોરી કરનારા વેપારીઓ સામે કાર્યવાહી કરવા વિભાગ એક્શન મોડમાં આવી ગયું અને ફટાકડાના હોલસેલ વેપારીઓ સામે કાર્યવાહી કરતા વેપારી આલમમાં વિભાગની આ કાર્યવાહી ચર્ચાનો વિષય બની હતી.
અમરેલીની આઈસ્ક્રીમની પેઢમાં 32 લાખની કરચોરી ઝડપાઈ
સ્ટેટ જીએસટી ભાવનગર ડિવિઝન દ્વારા ભાવનગર ઉપરાંત અમરેલીની યોગી આઈસ્ક્રીમ પેઢીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને વિભાગની તપાસ દરમિયાન આઈસ્ક્રીમની પેઢીમાં ૩૨ લાખની કરચોરી ઝડપાતા વિભાગ દ્વારા પેઢી સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.