તળાજામાં અફીણ અને પોશડોડાના મોટા જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા
યુવાનો-અસંખ્ય પરિવારને ઉધીની જેમ કોતરીને ખાતું નશાનું નેટવર્ક
પોલીસની રેઈડ કાર્યવાહી સાડા પાંચેક કલાક ચાલી, રાજસ્થાનના પિતા-પુત્રો બે મકાન ભાડે રાખી પાંચેક વર્ષથી રહેતો હતો
તળાજા: ભાવનગર જિલ્લામાં નશાનું નેટવર્ક ઉધી જેમ યુવાનો અને અસંખ્ય પરિવારને કોતરી ખાઈ રહ્યું છે. દારૂબંધીની વાતો વચ્ચે દેશી-વિદેશી દારૂ મળવાની, પીવાની વાત સામાન્ય છે. પરંતુ નશાનું નેટવર્ક હવે ડ્રગ્સ, અફીણ, પોશડોડા સુધી વિસ્તર્યું છે. જેનો પૂરાવો ખૂદ પોલીસની બે અલગ-અલગ રેઈડ આપી રહી છે. ભાવનગરમાં ડ્રગ્સના વેચાણનો પર્દાફાશ થયાના થોડા જ સમયની અંદર તળાજામાં પણ પોલીસે લાખો રૂપિયાની કિંમતનો કહીં શકાય તેવો અફીણ અને પોશડોડાનો મોટો જથ્થો પકડી પાડયો છે. અફીણ અને કાલાનો કાળો કારોબાર કરતા બે રાજસ્થાની શખ્સને પણ પોલીસે હિરાસતમાં લીધા છે.
ઉપલબ્ધ થતી પ્રાથમિક માહિતી અનુસાર તળાજા શહેરના ખોજાવાડ વિસ્તારમાં અલગ-અલગ બે મકાન ભાડેથી રાખી રહેતો રાજસ્થાની પરિવારના કેટલાક શખ્સો નશીલા પદાર્થનો ગેરકાયદે ધંધો કરતા હોવાની બાતમીને લઈ આજે ગુરૂવારે પોલીસે વીડિયોગ્રાફરને સાથે રાખી દરોડો પાડયો હતો. જેમાં બે મકાન અને રાજસ્થાન પાસીંગની કાર નં.આરજે.૭.જીએ.૬૬૪૩માં તપાસ કરતા આશરે દસેક કિલો વજનનો અફીણ અને ત્રિસેક કિલો જેટલા પોશ ડોડા સહિતનો જથ્થો મળી આવ્યો હતો. લાખો રૂપિયાની કિંમતના આ જથ્થા સાથે પોલીસે આમીરખાન સરદારખાન પઠાણ (ઉ.વ.૫૫) અને અદનાનખાન આમીરખાન પઠાણ (ઉ.વ.૨૩, રહે, ડગ ગામ, તા.ગંગધાર, જિ.ઝાલાવાડ, રાજસ્થાન) નામના બે શખ્સને ઉઠાવી લઈ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
બનાવને લઈ એકઠા થયેલા લોકોમાં ચર્ચા હતી કે, મૂળ રાજસ્થાનના પિતા અને બે પુત્ર છેલ્લા પાંચેક વર્ષથી ભાડે રહે છે. જો કે, પાંચ વર્ષથી ભાડે રહેતા હોવા છતાં સ્થાનિકોને ત્રણેય શખ્સના નામની ખબર ન હતી. આ શખ્સો બકરાં માટેની વસ્તુઓ વેચતા હોવાનું લોકોને જણાવતા હતા. જો કે, શખ્સો ગેરકાયદે પ્રવૃત્તિ કરતા હોવાની પણ અમુક લોકોને શંકા હતી. પોલીસની રેઈડ કાર્યવાહી આશરે પાંચેક કલાક ચાલી હતી.
ઘણાં સમય પહેલા બાતમી મળી રહી
તળાજામાં અફીણ-પોશડોડા સાથે બે શખ્સને પોલીસે ઉઠાવ્યાની ઘટના અંગે એએસપી અંશુમન જૈનનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, ઘણાં સમય પહેલા ચોક્કસ માહિતી મળી હતી. જેને લઈ પોલીસની ટીમ સતત કાર્યરત હતા અને આજે સફળ રેઈડ કરવામાં આવી હતી.