રાણપુર પાસેથી દારૂ-બિયરના જથ્થા ભરેલી કાર સાથે બે ખેપિયા ઝડપાયા

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
રાણપુર પાસેથી દારૂ-બિયરના જથ્થા ભરેલી કાર સાથે બે ખેપિયા ઝડપાયા 1 - image


અમદાવાદના બુટલેગરે રાજસ્થાનના સાંચોરથી માલ ભરી આપ્યો

દારૂની નાની-મોટી ૧૦૩૪ બોટલ, બિયરના ૨૯૯ ટીન, ચાર મોબાઈલ ફોન મળી ૧૨.૧૭ લાખથી વધુનો મુદ્દામાલ કબજે લેવાયો ઃ સુંદરિયાણાના બુટલેગરને દારૂ-બિયર પહોંચાડવાનો હતો

ભાવનગર: રાણપુરના લીંબડી રોડ પરથી વિલાયતી દારૂ અને બિયરના જથ્થાથી ખીચોખીચ ભરેલી કાર સાથે વિરમગામ અને કલોલના બે ખેપિયાને પોલીસે દબોચી લીધા હતા. આ દારૂ-બિયરનો જથ્થો સુંદરિયાણાના બુટલેગરને પહોંચાડવા અમદાવાદના શખ્સે રાજસ્થાનના સાંચોરથી ભરી આપ્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

ઘટનાની મળતી વિગત અનુસાર લીંબડી તરફથી એક સફેદ કલરની ફોરવ્હીલ જીપ કંપાસ નં.જીજે.૦૧.એચવાય.૨૧૮૬માં અંગ્રેજી દારૂનો મસમોટો જથ્થો ભરીને કેટલાક શખ્સો રાણપુર તરફ આવી રહ્યા હોવાની ચોક્કસ બાતમીના આધારે રાણપુર પોલીસે મધરાત્રિના સમયે વોચ ગોઠવી રાણપુરના લીંબડી રોડ પર રેલવે ફાટક પાસેના વળાંક નજીકથી પસાર થતી જીપ કંપાસ કારને રોકી તલાશી લેતા વિદેશી દારૂની નાની-મોટી બોટલ નં.૧૦૩૪ અને બિયરના ટીન ૨૯૯ મળી આવતા પોલીસે દારૂ-બિયરનો જથ્થો, પાંચ મોબાઈલ ફોન, કાર મળી કુલ રૂા.૧૨,૧૭,૨૧૨ના મુદ્દામાલ સાથે જગુ આપાભાઈ વનરા (રહે, વાલિયા ચોક, બ્રહ્મફળી, વિરમગામ, જિ.અમદાવાદ ગ્રામ્ય) અને મયંક કનુભાઈ પંચાલ (રહે, અંબાજીવાસ, ખોડિયાર માતાજીના મંદિર સામે, કલોલ, જિ.ગાંધીનગર) નામના બે શખ્સની ધરપકડ કરી આગવીઢબે પૂછતાછ કરતા જગુ વનરાએ કબૂલાત આપતા જણાવ્યું હતું કે, આ દારૂ-બિયરનો જથ્થો તેના શેઠ ભગીરથસિંહ ઉર્ફે લખનસિંહ નરેન્દ્રસિંહ ચુડાસમા (રહે, હરીદર્શન સોસાયટી, નિકોલ, અમદાવાદ) નામના બુટલેગરે રાજસ્થાનના સાંચોરથી ભરી આપી રાણપુર તાલુકાના સુંદરિયાણા ગામે રહેતો રાજુ ખાચરને પહોંચાડવાનો હતો.

જેના આધારે પીએસઆઈ એમ.એમ.શાહે જગુ વનરા, મયંક પંચાલ અને બન્ને બુટલેગર ભગીરથસિંહ ઉર્ફે લખનસિંહ ચુડાસમા, રાજુ ખાચર સામે પ્રોહિ. એક્ટની કલમ ૬૫-એ, ૬૫ (ઈ), ૧૧૬-બી, ૯૮ (ર), ૮૧ મુજબ ગુનો દાખલ કરાવી આગળની તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News