વરતેજ જીઆઈડીસીમાંથી વિદેશી દારૂની 1767 બોટલ સાથે બે શખ્સ ઝડપાયા
- દારૂનો જથ્થો સગેવગે કરે તે પહેલાં એલસીબી.એ દરોડો પાડયો
- લોકલ ક્રાઇમ બ્રાન્ચે રૂ. 6.93 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
પ્રાપ્ત વિગત મુજબ એલસીબી પોલીસ સ્ટાફ ગત મોડી રાત્રે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, નરેશ સનાભાઇ બારૈયા ( રહે. વરતેજ ) અને અમજદ દિલાવર ખાન પઠાણ ( રહે. અમરેલી ) એ વરતેજમાં આવેલ વિશ્વકર્મા જીઆઇડીસી, રાજશક્તિ રોડલાઇન્સની પાછળના ભાગે આવેલ જગાભાઈ પટેલ નારીવાળાની વાડી પાસેની અવાવરું જગ્યામાં ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો રાખેલ છે અને આ જથ્થો સગેવગે કરવાની વેતરણમાં છે.આ બાતમીના આધારે એલસીબી ટીમે દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ કંપનીની બોટલ નંગ-૧૭૬૭ કિં. રૂ.૬,૮૫,૩૪૦ તેમજ બે મોબાઈલ ફોન મળી કુલ રૂ.૬,૯૩,૩૪૦ ના મુદ્દામાલ સાથે નરેશ બારૈયા ( રહે. વરતેજ ) અને અમજદ પઠાણ ( રહે. અમરેલી ) ને ઝડપી લીધા હતા.આ બંનેની પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો હરપાલસિંહ રણજીતસિંહ સરવૈયા ( રહે. સાંકડાસર-૧ તા. તળાજા ) પાસેથી લાવ્યા હોવાનું જણાવતા એલસીબી એ ત્રણેય શખ્સ વિરુદ્ધ વરતેજ પોલીસ મથકમાં પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.