ચીટર સ્વામીઓની ગેંગના વધુ બે સાગરીતો ગોવાથી ઝડપાયા
ત્રણ કરોડથી વધુની છેતરપિંડીના કેસમાં
બંને આરોપીઓ ફરિયાદીને ખેડૂત તરીકે જમીનના સાટાખત કરી આપ્યા હતા, સાત દિવસના રીમાન્ડ પર
રાજકોટ: અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના લીંબ ગામમાં ગૌશાળા અને ભવ્ય મંદિર બનાવવા માટે જમીન ખરીદવાના બહાને રાજકોટના જમીન-મકાનના ધંધાર્થી જસ્મીનભાઈ માઢક સાથે રૂા.૩.૦૪ કરોડની છેતરપીંડીના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓ ભુપેન્દ્ર સનાભાઈ પટેલ (રહે. પીંપલજ ગામ, તા.દેગામ, જી. ગાંધીનગર) અને વિજયસિંહ આલુસિંહ ચૌહાણ (રહે. લીંબ ગામ, તા.બાયડ, જી.અરવલ્લી)ને રાજકોટના ઈઓડબલ્યુની ટીમે ગોવાથી ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રીમાન્ડ મેળવ્યા છે. તે સાથે જ આ કેસમાં ધરપકડનો આંક ત્રણ પર પહોંચ્યો છે.
તે પહેલા ઈઓડબલ્યુની ટીમે સુરત રહેતા શિક્ષક લાલજી ઢોલાને ઝડપી લઈ રીમાન્ડ પર લીધો હતો. ધરપકડ કરાયેલા બંને આરોપીઓ ભુપેન્દ્ર અને વિજયસિંહ ગોવા હોવાની ચોકકસ બાતમી મળતાં પીએસઆઈ ચંદ્રસિંહ જાડેજા અને એએસઆઈ આર. કે. જાડેજા સહિતની ટીમ ગોવા પહોંચી ગઈ હતી.
જયાંના એરપોર્ટ પરથી બંને આરોપીઓ અમદાવાદ આવે તે પહેલાં જ ઝડપી લઈ બંનેને વિમાનમાં રાજકોટ લઈ આવી આજે રીમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે આગામી તા.૧૭મી સુધીના રીમાન્ડ મંજૂર કર્યા છે.
ફરિયાદી જમીન ખરીદવા માટે લીંબ ગામે ગયા ત્યારે બંને આરોપીઓએ ખેડૂત તરીકે જમીનનું સાટાખત કરી આપ્યું હતું. આ કેસમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ચાર સ્વામી વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે વી.પી. સ્વામી, જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જે.કે. સ્વામી, માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ.પી. સ્વામી અને દેવપ્રકાશ સ્વામી ઉર્ફે ડી.પી. સ્વામી સહિત કુલ આઠ આરોપીઓ સામે ગુનો નોંધાયો છે.
જેમાંથી ત્રણ આરોપીઓ અત્યાર સુધીમાં પકડાઈ ગયા છે. ચારેય સ્વામી સહિતના પાંચ આરોપીઓનો કોઈ પત્તો ઈઓડબલ્યુને મળતો નથી. ચારેય સ્વામીઓના આશ્રયસ્થાનો પર ઈઓડબલ્યુની ટીમ દરોડા પાડી ચૂકી છે. પરંતુ ત્યાંથી મળ્યા નથી.