બરવાળામાં બે શખ્સનો યુવક પર છરીથી હુમલો
પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખી
ઈજાગ્રસ્તને બોટાદ ખસેડાયો, મારી નાંખવા ધમકી આપી બન્ને શખ્સ ફરાર
ભાવનગર: બરવાળા શહેરમાં પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખી બે શખ્સે યુવાનને છરીથી હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર બરવાળા, ખારા વિસ્તારમાં રહેતા અસ્લમભાઈ અલારકભાઈ મીર નામના યુવાનને હકીમ સિકંદરભાઈ દીવાન અને મહેશ ઉર્ફે બિલ્લો કેતનભાઈ મકવાણા (રહે, બન્ને બરવાળા) નામના શખ્સોએ તું પોલીસને અમારી બાતમી આપે છે, તું અમોને પકડાવી દે છો ? તેમ કહીં ખોટી શંકા કરી ગાળો દઈ છરી અને પાઈપ વડે હુમલો કરી મારી નાંખવાની ધમકી આપી શખ્સો નાસી છુટયા હતા. આ મારામારીના બનાવમાં ઘવાયેલા યુવાનને સારવાર માટે બોટાદની સબીહા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટના સંદર્ભે ઈજાગ્રસ્તની માતા રોશનબેન અલારકભાઈ મીર (ઉ.વ.૫૪)એ બન્ને શખ્સ સામે બરવાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.