Get The App

નારી ચોકડી પાસેથી જ્વલનશીલ પ્રવાહી સાથે બે શખ્સની ધરપકડ

Updated: May 1st, 2024


Google NewsGoogle News
નારી ચોકડી પાસેથી જ્વલનશીલ પ્રવાહી સાથે બે શખ્સની ધરપકડ 1 - image


એસએમસીએ એસઆરપી અને રાજ્યના પુરવઠા વિભાગના આસી. ડાયરેક્ટરને સાથે રાખી દરોડો પાડયો

ઉંડવી, નેસડાના શખ્સો ગેરકાયદે પંમ્પ ચલાવતા હતા, છ સામે ફરિયાદ ઃ ૮૪૮૦ લીટર જ્વલનશીલ પ્રવાહી મળી રૂા.૨૩.૮૩ લાખનો મુદ્દામાલ કબજે લેવાયો

ભાવનગર : નારી ચોકડીથી અમદાવાદ તરફ જતા હાઈવે  આવેલ કોમલ હોટલની પાછળ ખુલ્લી જગ્યામાં ગેરકાયદે રીતે ચાલતા ડીઝલ જેવા ભેળસેળ યુક્ત પેટ્રોલિયમ પ્રવાહીના પંમ્પ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે એસઆરપી અને રાજ્યના પુરવઠા વિભાગના આસી. ડાયરેક્ટરને સાથે રાખી દરોડો પાડીને ૮૪૮૦ લીટર જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો, ટ્રક, સાધનો, રોકડ રકમ, મોબાઈલ ફોન મળી રૂા.૨૩.૮૩ લાખના મુદ્દામાલ સાથે બે શખ્સને ઝડપી લીધા હતા. 

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ નારી ચોકડીથી અમદાવાદ તરફ જતા હાઈવે રોડ ઉપર આવેલ કોમલ હોટલની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં કનુભાઈ ડાંગર (રહે, ઉંડવી, તા.સિહોર) અને મુકેશભાઇ ડાંગર (રહે, નેસડા, તા. સિહોર) નામના શખ્સો એકબીજાની ભાગીદારીથી પોતાના મળતિયા માણસો રાખી બહારથી ટેન્કરમાં ડીઝલના ભળતા ભેળસેળયુક્ત જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી સસ્તા ભાગે મંગાવી પોતાના હવાલાવાળી ખુલ્લી જગ્યામાં રાખેલ જમીનમાં દાટેલ એક ટેન્કરમાં સંગ્રહ કરી અલગ-અલગ વાહનોમાં બજાર ભાવ કરતા ઓછી કિંમતે વેચાણ કરે છે. તેવી બાતમી  સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળતા એસએમસીના પીએસઆઈ એ.વી. પટેલ અને સ્ટાફે ગઈકાલે મંગળવારે એસઆરપી અને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના આસી. ડાયરેક્ટર (વર્ગ-૨) કક્ષાના અધિકારીને સાથે રાખી રેઈડ કરી ટ્રકમાં જ્વલનશીલ ઇંધણ પૂરતા મુસ્તફા ઉર્ફે મોસીન હનીફભાઈ ભટ્ટી (રહે, નેસડા, તા. સિહોર ) અને ટ્રક ડ્રાઈવર અનવર સુલતાનભાઇ શેખ (રહે, ભાદ્રોડ ગેટ, નવાજાપા, હુસેની ચોક, મહુવા) નામના શખ્સોને ઝડપી લીધા હતા.

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વરતેજ પોલીસને જાણ કરીને હકીકત વાળી જગ્યાએ બોલાવેલ હતી તેમજ એફએસએલ અધિકારી, ભાવનગર ગ્રામ્ય મામલતદાર સહિતની ટીમ પણ ત્યાં દોડી ગઈ હતી. જ્યાં પંચનામું સહિતની જરૂરી કાનૂની કાર્યવાહી કરી પોલીસે જ્વલનશીલ પ્રવાહીનો ૮૪૮૦ લીટર જથ્થો, રોકડ રૂા.૫૬,૪૦૦, જમીનની અંદર ખાડો કરીને રાખેલ ધાતુનો ટાંકો નંગ એક, ઇંધણ પૂરાવવા માટે આવેલ ટ્રક જીજે.૦૪.એડબ્લ્યુ.૪૨૮૭, મોબાઈલ ફોન નંગ-૦૨, ડિસ્પેન્સર મશીન નંગ-૦૨, પ્લાસ્ટિકની મોટી પાઇપ નંગ-૦૨, એર કુલર, ઇન્વેટર, ઈલેક્ટ્રીક બોર્ડ સહિત રૂા.૨૩,૮૩,૫૬૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ બનાવ અંગે એસએમસીના પીએસઆઈ પટેલે મુસ્તુફા ઉર્ફે મોસીન હનીફભાઈ ભટ્ટી (રહે, નેસડા, તા.સિહોર), અનવર સુલતાનભાઈ શેખ (રહે, મહુવા), કનુ કાળુભાઈ ડાંગર, મુકેશ ડાંગર (રહે, નેસડા), ટેન્કર નં.જીજે.૦૪.એડબ્લ્યુ.૪૨૮૭ના માલિક, અરજણ આહીર  (રહે, માઈધાર, તા.પાલિતાણા) સામે વરતજે પોલીસમાં આઈપીસી ૨૮૫, ૨૬૬, ૧૨૦ (બી), જરૂરી ચીજ વસ્તુઓનો અધિનિયમની કલમ ૩, ૭ અને વિસ્ફોટક અધિનિયની કલમ ૯(બી)(૧)(બી) મુજબ ગુનો નોંધાવ્યો હતો.

ઉલ્લેખનિય છે કે, ગેરકાયોે જ્વલનશીલ પ્રવાહીનું વેચાણ કરતા શખ્સોએ ફાયર સેફ્ટીના કોઈ સાધનો રાખ્યા ન હતા. તેમજ વીજ જોડાણ પણ ગેરકાયદે લીધું હોવાનું દરોડામાં બહાર આવ્યું હતું.



Google NewsGoogle News